વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકાર સામે વારંવાર શિંગડા ભરાવનારા એનસીપીના સિનિયર નેતા જિતેન્દ્ર આવ્હાડનો ‘કાર્યક્રમ’ કરવાની તૈયારી આદરી હોવાનું જોવા મળી રહ્યું છે. એનસીપીના જ્યેષ્ઠ નગરસેવક હનુમંત જગદાળે સહિત ચાર ભૂતપૂર્વ નગરસેવકોએ રવિવારે શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ કલ્યાણ લોકસભા મતદારસંઘના સંસદસભ્ય શ્રીકાંત શિંદેના ભંડોળમાંથી મુંબ્રા-કળવા વિસ્તારમાં અનેક કામનું ભૂમિપુજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં પણ એનસીપીના અને જિતેન્દ્ર આવ્હાડની નજીકના મનાતા અનેક ભૂતપૂર્વ નગરસેવકો પણ હાજરી આપવાના છે. આ બધા કાર્યક્રમના હોર્ડિંગ આખા શહેરમાં અને ખાસ કરીને આવ્હાડના મતદારસંઘમાં લગાવવામાં આવ્યા છે. જેને પગલે આવ્હાડને તેમના ઘરઆંગણે સપડાવવાનો વ્યૂહ હોવાનું કહેવાઈ રહ્યું છે.
મુંબ્રામાં એનસીપીના ૧૫-૨૦ નગરસેવકો શિંદે જૂથમાં જોડાવા માટે તત્પર હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું હતું. અધુરામાં પૂરું એનસીપીના પીઢ નગરસેવક નજીબ મુલ્લાના જન્મદિવસની ઉજવણીમાં ખુદ શિંદે જૂથના મોટા પદાધિકારીઓ હાજર રહ્યા હોવાથી કેટલાક દિવસોથી આ બધાની અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે જગદાળેના શિંદે જૂથમાં પ્રવેશ બાદ આખો કાર્યક્રમ સ્પષ્ટ થયો છે.