નવી દિલ્હી: ભૌગોલિક ફેરફારો તથા ‘એલ નિનો’ ઇફેક્ટના પરિણામોને પગલે ચિંતાજનક માહોલ ઊભો થયો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ખેતીના પાકની ‘સૌથી ખરાબ સ્થિતિ’ની તૈયારી રાખવા અને ઓછા વરસાદના સંજોગોમાં ખરીફ પાકની મોસમ માટે પુરતા પ્રમાણમાં બિયારણની જોગવાઈ કરવાની સલાહ આપી છે. હવામાન વિભાગે ગયા એપ્રિલ મહિનામાં ‘એલ નિનો ઇફેક્ટ’ની આડઅસરો છતાં નૈર્ઋત્યનું ચોમાસું સામાન્ય રહેતાં ઠીકઠીક પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી કરી હતી.
નવી દિલ્હીમાં એગ્રીકલ્ચર-ખરીફ કૅમ્પેઇન-૨૦૨૩ વિશે રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રના ખેતીવાડી ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે રાજ્ય સરકારોને ઉપરોક્ત સૂચના આપી હતી. નરેન્દ્રસિંહ તોમરે રાજ્યોને ખેતી ક્ષેત્રે બિયારણ સહિતના સાધનોના ખર્ચ-ઇનપુટ કોસ્ટ ઘટાડવા, ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે યોગ્ય ટૅક્નોલૉજીને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. ખેતી-બાગાયતી ક્ષેત્રે ‘પ્રોફિટ ગૅરન્ટી’ આજની આવશ્યકતા છે. એ સંજોગોમાં ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાથી ઇનપુટ કોસ્ટમાં ઘટાડા સાથે ઉત્પાદનમાં વધારો શક્ય બને છે. જો ખેતી-બાગાયતીમાં નફો નહીં વધે તો આગામી વર્ષોમાં કદાચ યુવા પેઢી ખેતી-બાગાયતીની પ્રવૃત્તિમાં સક્રિય નહીં રહે. (એજન્સી)ઉ