યુક્રેનના ચીફ ઓફ ડિફેન્સ ઈન્ટેલિજન્સ મેજર જનરલ કિર્લો બુડાનોવે દાવો કર્યો છે કે આ યુદ્ધના અંત સુધી પુતિન રાષ્ટ્રપતિ રહેશે નહીં. બુડાનોવે કહ્યું કે એક રિપોર્ટ અનુસાર રશિયન અધિકારીઓ વ્લાદિમીર પુતિનને સત્તા પરથી હટાવવાની સક્રિય ચર્ચા કરી રહ્યા છે.
જનરલ બુડાનોવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન રશિયા પર વળતો હુમલો કરીને રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તાર ખેરસન બંદરને ફરીથી કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમને નથી લાગતું કે પુતિન હવે સત્તામાં હશે, કારણ કે રશિયામાં એ વાતની ચર્ચા ચાલી રહી છે કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે?
ક્રિમીયાના ચીફ ઓફ ડિફેન્સ ઇન્ટેલિજન્સ મેજર જનરલ કિર્લો બુડાનોવે જણાવ્યું હતું કે યુક્રેન નવેમ્બરના અંત સુધીમાં ખેરસનને ફરીથી કબજે કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અમે ક્રિમીઆને પણ રશિયા પાસેથી પાછું લઈ લેવા માગીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ક્રિમીઆ પહેલા પણ યુક્રેનનો હિસ્સો હતો, પરંતુ 2014માં રશિયાએ ક્રિમીઆને કબજે કરી લીધું હતું.
રશિયા-યુક્રેનના નવ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં પહેલીવાર રશિયાને યુક્રેનની સેનાના હાથે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ત્રણ લાખ રિઝર્વ સૈનિકોની આંશિક તૈનાતીની જાહેરાત કરવી પડી હતી. પુતિને ચેતવણી આપી હતી કે રશિયા પોતાની સુરક્ષા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે.
દરમિયાન યુક્રેનમાં પાવર ફેલ થવાને કારણે લાખો લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. રશિયાએ યુક્રેનની 40 ટકાથી વધુ વીજળી ઉત્પાદન ક્ષમતા ખતમ કરી દીધી છે, જેના કારણે દેશભરમાં અંધારપટ છવાઈ ગયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયાના હવાઈ હુમલાને કારણે દેશના લગભગ 40 લાખ લોકો અંધારામાં જીવવા મજબૂર છે.