(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ શુક્રવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગર ખાતે રાજભવન પહોંચી રાજ્યપાલને ઔપચારિક રીતે રાજીનામું આપ્યું હતું. તેમની સાથે સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. શનિવારે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે. તેમજ ભાજપ ધારાસભ્ય દળના નેતાની વરણી કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યપાલને તેની યાદી આપવામાં આવશે. સંભવત: સોમવારે મુખ્ય પ્રધાન અને તેમનાં નવા પ્રધાન મંડળ માટે કેટલાક ધારાસભ્યોને પ્રધાન પદના શપથ ગ્રહણ કરાવવામાં આવશે. બીજી બાજુ રાજ્યપાલએ પણ ૧૪મી વિધાનસભાનું વિસર્જન કરીને ૧૫મી ડિસેમ્બરે ૧૫મી વિધાનસભાનું આહવાન કર્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રધાન મંડળ સહિતના પ્રધાનો સાથે શુક્રવારે રાજભવન પહોંચી રાજ્યાપાલને રાજીનામું સોંપ્યું હતું. નવી સરકારની શપથવિધિ માટે આ રાજીનામું સોંપવું જરૂરી હોય છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી હોવાથી રાજીનામુ આપવું પડે છે. મુદત બાકી હોવાથી વિધાનસભાનું વિસર્જન કરવુ જરૂરી છે. આવતીકાલને શનિવારે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપની બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા ૧૫૬ પ્રતિનિધિઓ હાજર રહેશે. વિધાનસભા દળના નવા નેતાની પસંદગી થશે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત પ્રદેશ આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે અને નવી સરકાર બનાવવા દાવો રજૂ કરશે. નવી સરકારની રચનાની કવાયતની તૈયારીઓ ચાલી રહી છે. તા.૧૨મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. નવી સરકારની શપથવિધિ માટે રાજ્યપાલ પાસે સમય માગવામાં આવ્યો છે.