આશુ પટેલ
કનૈયાલાલ મુનશી બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના વિશે એક લેખમાં કે કોઈ વિશેષાંકમાં બધી વાત સમાવવી એ તો ‘ગાગરમાં સાગર સમાવવા’ સમાન કપરું કામ છે.
તેમના જીવનની ઘણી બધી રસપ્રદ વાતો જાણવા જેવી છે. તેમના જીવનની એવી જ એક વાત હિન્દીના મહાન સાહિત્યકાર પ્રેમચંદ સાથે જોડાયેલી છે.
આપણે હિન્દી સાહિત્યકાર પ્રેમચંદની વાત કરીએ એટલે અચાનક મનમાં ‘મુનશી પ્રેમચંદ’ નામ આવી જ જાય. વાસ્તવમાં પ્રેમચંદજીનું ‘નામ મુનશી પ્રેમચંદ’ નહોતું. કનૈયાલાલ મુનશીને કારણે તેમના નામની આગળ ‘મુન્શી’ શબ્દ જોડાઈ ગયો હતો! તેઓ કનૈયાલાલ મુનશી સાથે મળીને એક સામયિકનું સંપાદન કરતા હતા એને કારણે તેમને બધા મુનશી પ્રેમચંદ’ તરીકે ઓળખતા થઈ ગયા હતા!
મુનશી પ્રેમચંદનું સાચું નામ ધનપત રાય શ્રીવાસ્તવ હતું. શરૂઆતમાં તેઓ ઉર્દૂ ભાષામાં લખતા હતા અને એ માટે તેમણે પોતાનું ઉપનામ ‘નવાબ રાય’ રાખ્યું હતું. (તેમનું નામ નવાબ પડ્યું એની પાછળ પણ એક મજેદાર વાત છે. તેમના એક કાકા તેમને ‘નવાબ’ કહીને બોલાવતા હતા એટલે તેમણે નવાબ રાય ઉપનામથી ઉર્દુમાં લખવાનું શરૂ કર્યું હતું!) એ પછી તેમણે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું ત્યારે પ્રેમચંદ ઉપનામ અપનાવ્યું (બાય ધ વે, કનૈયાલાલ મુનશી પણ ‘ઘનશ્યામ વ્યાસ’ ઉપનામથી લખતા હતા!)
પ્રેમચંદજીના પિતાજીનું નામ અજાયબ રાય હતું અને દાદાનું નામ ગુરુ સહાય રાય
હતું. તેમની સાત પેઢીમાં ક્યાંય મુનશી અટક નહોતી કે કોઈ મુનશી તરીકે કામ પણ કરતા નહોતા, પરંતુ પ્રેમચંદ ઉપનામ આગળ મુન્શી નામ જોડાઈ ગયું એમાં ગાંધીજી નિમિત્ત બન્યા હતા.
બન્યું હતું એવું કે ૧૯૩૦માં ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને સૂચન કર્યું કે તમે અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે એક હિન્દી સામયિકનું પ્રકાશન શરૂ કરો. મુનશીજીએ પ્રેમચંદજી સાથે મળીને હિન્દીમાં ‘હંસ’ નામથી માસિક સામયિકનું પ્રકાશન શરૂ કર્યું. એ સામયિકનું સંપાદન કનૈયાલાલ મુનશી અને પ્રેમચંદજી સાથે મળીને કરતા હતા.
કનૈયાલાલ મુનશી એ વખતે કૉંગ્રેસ પાર્ટીના ખૂબ મોટા નેતા બની ચૂક્યા હતા અને તેઓ પ્રેમચંદજીથી સાત વર્ષ મોટા હતાં. તેમણે ‘હંસ’ સામયિક શરૂ કર્યું એ વખતે પ્રેમચંદજીએ કહ્યું કે તમે વડીલ છો એટલે તમારું નામ સંપાદક તરીકે પહેલાં આવવું જોઈએ. પ્રેમચંદજી પણ એ વખતે ખૂબ જાણીતા લેખક બની ચૂક્યા હતા અને તેઓ પણ અંગ્રેજોની વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા, પરંતુ તેમણે કહ્યું કે તમે મારાથી ઉંમરમાં મોટા છો અને એ સમય દરમિયાન પ્રેમચંદજી હિન્દીભાષી લોકોમાં ખૂબ જાણીતા બની ચૂક્યા હતા, પરંતુ મુનશીજીની ઉંમર મોટી હતી અને તેઓ રાષ્ટ્રીય સ્તરના નેતા બની ચૂક્યા હતા એટલે પ્રેમચંદજીએ કહ્યું કે ‘હંસ’ના કવરપેજ પર સંપાદક તરીકે ‘મુનશી-પ્રેમચંદ’ એ રીતે ક્રેડિટ મૂકીએ.
કનૈયાલાલ મુન્શી અને પ્રેમચંદજીએ ‘હંસ’ સામાયિકમાં અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. એ સામયિકનો ઉદ્દેશ દેશની સામાજિક, રાજનીતિક અને અન્ય સમસ્યા ઉપર ચિંતન મનન કરવાનો હતો અને દેશના સામાન્ય લોકોને અંગ્રેજો વિરુદ્ધ જાગૃત કરવાનો હતો. એ સામયિકમાં અંગ્રેજ સરકારના દમન વિરુદ્ધ, અંગ્રેજ સરકારની કુટિલ નીતિઓ વિરુદ્ધ અને ભારતીય પ્રજા વિરુદ્ધના પગલાંની ખૂબ ટીકા થતી હતી.
‘હંસ’ સામયિકના પ્રકાશનને માંડ બે વર્ષ પૂરા થયા નહોતા ત્યાં સુધીમાં તો અંગ્રેજ સરકાર અકળાઈ ઊઠી હતી અને પ્રેસ જપ્ત કરવાનો આદેશ આપી દીધો એને કારણે ‘હંસ’ સામયિક થોડા સમય માટે બંધ થઈ ગયું. પ્રેમચંદજી આર્થિક રીતે સદ્ધર હતા, પણ પ્રેસ જપ્ત થઈ ગયું અને તેમના પર અંગ્રેજ સરકારની તવાઈ આવી એટલે તેમના પર કરજ થઈ ગયું હતું. એને લીધે ‘હંસ’ સામયિક બંધ થઈ ગયું.
એ સામયિક તો બંધ થઈ ગયું, પરંતુ લોકોના મોઢે હંસ’ નામ ચડી ગયું હતું અને એના સંપાદક તરીકે ‘મુનશી-પ્રેમચંદ’ નામ પણ ખૂબ લોકપ્રિય થઈ ગયું હતું. એ સમયમાં પ્રેમચંદજી લેખક તરીકે ખૂબ ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. તેમની વાર્તાઓ અને નવલકથાઓ અત્યંત લોકપ્રિયતા મેળવી રહી હતી.
‘હંસ’ મેગેઝીનના કવરપેજ પર સંપાદક તરીકે ‘મુનશી-પ્રેમચંદ’નું નામ આવતું હતું એટલે પ્રેમચંદજીના વાચકો એવું માનવા લાગ્યા કે મુનશી-પ્રેમચંદ એક જ નામ છે અને પ્રેમચંદજી ‘મુનશી-પ્રેમચંદ’ નામથી ‘હંસ’ સામયિકનું સંપાદન કરી રહ્યા છે.
‘હંસ’ સામયિક માટે પ્રેમચંદજી લખવા વાંચવાની અને સંપાદકીય પ્રવૃત્તિ સાંભળતા હતા જ્યારે કનૈયાલાલ મુનશી અન્ય વસ્તુઓનું ધ્યાન રાખતાં હતાં અને બંને સંયુક્ત રીતે ‘હંસ’માં તંત્રી લેખ લખતા હતા એ તંત્રીલેખની નીચે પણ ‘મુનશી-પ્રેમચંદ’ લખાતું હતું. એને કારણે પણ લોકો એવું માનતા થઈ ગયા હતા કે ‘મુનશી-પ્રેમચંદ’ એક જ નામ છે.
એ સમયમાં કનૈયાલાલ મુનશી હિન્દી વાચકોમાં એટલા જાણીતા નહોતા તેઓ
કૉંગ્રેસી નેતા તરીકે ખૂબ મોટા બની ચૂક્યા હતા અને ગુજરાતીમાં તેમણે ઘણું લેખન કર્યું હતું. તેઓ ‘ગુજરાત’ સામયિકનું પ્રકાશન અને સંપાદન પણ કરતા હતા એટલે લોકોને ગેરસમજણ થઈ હતી કે ‘મુનશી-પ્રેમચંદ’ એક જ નામ છે.
મોટાભાગના લોકો સમજી ન શક્યા કે પ્રેમચંદજી એક સ્વતંત્ર લેખક છે એ એક જ નામ છે જ્યારે ‘મુનશી-પ્રેમચંદ’ એટલે કનૈયાલાલ મુનશી અને પ્રેમચંદજી.
૧૯૩૧માં અંગ્રેજોએ પ્રેસ જપ્ત કર્યું એ વખતે એટલે ‘હંસ’ સામયિકનું પ્રકાશન બંધ થઈ ગયું. જો કે તેમણે થોડા મહિનાઓ પછી ફરી તેનું પ્રકાશન શરૂ કર્યું હતું , પરંતુ ૧૯૩૫માં ફરી વાર ‘હંસ’ સામયિક બંધ થઈ ગયું હતું.
હિન્દી સાહિત્યકાર રાજેન્દ્ર યાદવે પ્રેમચંદજીના અધૂરા સપના સમાન ‘હંસ’ સામયિકનું પ્રકાશન ફરી શરૂ કર્યું હતું. ૨૦૧૭માં પ્રેમચંદજીની જન્મજયંતી નિમિત્તે રાજેન્દ્ર યાદવના કુટુંબ સાથે જોડાયેલાં અનુષા યાદવે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી એ પોસ્ટમાં તેમણે રાજેન્દ્ર યાદવની દીકરી રચના રાજેન્દ્ર યાદવજીના મૃત્યુ પછી તેમની દીકરી રચના ‘હંસ’ સામયિક સાથે જોડાયેલી છે) ને ટેગ કરીને લખ્યું હતું કે વાસ્તવમાં મુનશી અને પ્રેમચંદ બે અલગ અલગ માણસ હતા!