બોલીવૂડના પ્રખ્યાત લેખક, ગીતકાર અને સીબીએફસીના ચેરપર્સન પ્રસૂન જોશીએ બોલીવૂડની ફિલ્મો સિનેમાઘરોમાં નિષ્ફળ થવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આત્મમંથનની જરૂર છે. શરૂઆતમાં જ્યારે ફિલ્મો બનતી હતી ત્યારે તેમને ઓથેન્ટિક સ્ટોરી મળી રહી હતી. તે ક્યાંથી આવતી હતી? પૌરાણિક વાર્તાઓ, રવિન્દ્રનાથ અને ચટ્ટોપાધ્યાય પાસેથી. તે કથા આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી અને તે સમયની ફિલ્મો પાસે તેનો એડવાન્ટેજ હતો, પરંતુ હવે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આપણા મૂળથી દૂર એક બબલમાં સિમિત થઈ ગઈ છે. જ્યારે તમે મૂળથી જ જોડાયેલા નહીં હોવ તો આમ આદમીનું સત્ય તમારા કામનું નથી. મેં ઘણા ફિલ્મકારો સાથે વાત કરી છે, જેમણે કહ્યું હતું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય ખેડૂત નથી જોયા. નોંધવા જેવી વાત એ છે કે આ જ ફિલ્મકારોએ તેમની ફિલ્મોમાં ખેડૂત દેખાડ્યા છે.
હું માનું છું કે બોલીવૂડમાં સારા વિચાર ધરાવનારા લોકો આજે પણ છે, જો સાથે બેસે તો કોઈ ઉકેલ લાવી શકાય છે. આ યુગમાં આલોચના અને વિરોધાભાસને સમજવું અને તેનાથી શીખીને આગળ વધવું જરૂરી છે.