ચંદીગઢઃ પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે, જેઓ લાંબા સમયથી બીમાર હતા. પ્રકાશ સિંહ બાદલે ચંદીગઢ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
શિરોમણી અકાલી દળ (SAD)ના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક સપ્તાહ પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા હતા. પંજાબના પાંચ વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલને પણ ‘ગેસ્ટ્રાઈટિસ’ અને શ્વાસ લેવામાં તકલીફને કારણે ગયા વર્ષે જૂનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોવિડ પછીની આરોગ્ય તપાસ માટે તેને ફેબ્રુઆરી 2022માં મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રકાશ સિંહ બાદલ ગયા વર્ષે જાન્યુઆરીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહીં એ જણાવવાનું કે શિરોમણી અકાલી દળ પણ એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)નો સાથી પક્ષ હતો, પરંતુ સંસદમાં કૃષિ માર્કેટિંગ બિલ પસાર કરવા મુદ્દે એનડીએને છોડ્યું હતું. વાસ્તવમાં પ્રકાશ સિંહ બાદલ ગયા વર્ષે પંજાબ વિધાનસભા માટે છેલ્લી ચૂંટણી લડ્યા હતા. પ્રકાશ સિંહ બાદલે આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ના ગુરમીત સિંહે 12000 વોટથી હરાવ્યા હતા અને એના પહેલા લાંબા સમયગાળા સુધી વિધાનસભાની સીટ પર પાંચ વખત રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. તેઓ 1997થી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા હતા.