પ્રેમનો સ્પર્શ
પ્રેમ જીવને શિવ સુધી લઈ જાય છે. પ્રેમ એક હૂંફાળો શબ્દ છે પરંતુ સમજણના મેળવણ વગર જામતો નથી. પ્રેમ એક વિશ્ર્વાસની ધરી પર ઊભો હોય છે ને તેના બી અત્ર તત્ર સર્વત્ર હોય છે પરંતુ જે બીજને ધરતીનો આધાર મળે અને પછી પોતાપણાંના જળથી તેને સિંચવાનો હોય છે પછી તે બાળકના માતા-પિતા સાથેનો કે ભાઈ-ભાંડુ કે પતિ-પત્નીનો કેમ ન હોય પરંતુ પ્રેમને માવજત કે કાળજીની ખાસ જરૂર છે. કાંઈપણ સર્જન કરવામાં પ્રેમ ભળે ત્યારે તે સર્જન પણ સજીવ જેવો પ્રેમ પામી શકે છે. જેને તમે પ્રેમ કરતા હોવ તેને તમે કે કોઈ બીજા હાનિ ન જ પહોંચાડી શકે તેનું પૂરેપૂરું ધ્યાન કાળજી વ્યક્તિ પોતે લે છે. વ્યક્તિની ભાવનાઓ સંવેદનાઓના સ્પર્શ વગર પ્રેમ કયારેય પાંગરતો નથી. પ્રેમ વ્યક્તિએ પહેલાં પોતાની જાતને કરવો જરૂરી છે. પોતાનામાં પ્રેમની કૂંપળો ફૂટે ત્યારે જ તે અન્યના પ્રેમને સમજી શકે છે. પ્રેમમાં જતું પણ કરાય ને જતન પણ જરૂરી. જાઓ રે જોગી તુમ જાઓ રે યે પ્રેમીઓ કી નગરી, જહા પ્રેમ હી હૈ પૂજા સચ્ચા સુખ હૈ પ્રેમ બીના યે જીવન શુષ્ક હૈ, જાઓ રે જોગી તુમ જાઓ રે. પ્રેમમાં જ્યારે સચ્ચાઈ ભળે છે ત્યારે તેમાંથી આનંદનું ઝરણું વહે છે.
પ્રો. બિંદુ મહેતા, ઘાટકોપર (વે.)
—————
પ્રજામત કોલમ પુન: શરૂ કરવા બદલ અભિનંદન
આપશ્રીના દૈનિકે કોલમ પ્રજામત કોલમ પુન: ચાલુ કરેલ છે તે બદલ અભિનંદન. આ કોલમ વધારે દિવસે વધુ જગ્યામાં છપાય તેવું વિનમ્ર સૂચન છે. હું છેલ્લા ૩૮ વર્ષથી વાચક તરીકે દૈનિકોમાં દેશ અને સમાજ હિતના ચર્ચાપત્રો નિ:સ્વાર્થભાવે લખતો રહ્યો છું જે વિદીત થાય. આ અગાઉ પણ મારા ચર્ચાપત્રો આપના દૈનિકમાં છપાયેલ છે. આવો જ સહકાર પુન: ચર્ચાપત્ર છાપીને આપવા વિનંતી છે.
* * *
‘આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)
વિશ્ર્વમાં આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)નું નવું ટુલ ચેટબોટ (ચેટ જીપીટી) તાજેતરમાં (નવેમ્બર-૨૨) જ બહાર પડેલ છે. આ ચેરબોટ કવિતા, નિબંધ, ભાષણ કે પી.એચ.ડી.ના થીસીસ લખી શકે છે. આ ચેટબોટે ડૉકટર, એમબીએ અને વકીલની એમ ત્રણ ત્રણ પરીક્ષા પાસ કરેલ છે. આ ચેટબોટ હાલના સુવિખ્યાત ગૂગલના સર્ચ એન્જિન સામે પડકારરૂપ બનેલ છે. આ ચેટબોટ ટુલ બોર્ડની એક ભૂલે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને આઠ લાખ કરોડ રૂપિયાનું વિક્રમ નુકસાન કર્યાના સમાચારથી આવા ચેટબોટ સામે કેટલો વિશ્ર્વાસ રાખવો તે એક પ્રશ્ર્ન ઊભો થયેલ છે.વિશ્ર્વ વિખ્યાત એ.આઈ. નિષ્ણાત સ્ટુઅર્ટ રસેલના જણાવ્યાનુસાર ‘જો એઆઈને આપણે પોતાની ભલાઈના હિસાબથી ડિઝાઈન નહીં કરીએ તો આપણું અસ્તિત્વ ખતરામાં પડી શકે છે, જયારે મશીનોમાં માનવ ચેતના વિકસિત થશે તો તેઓ મનુષ્યને પાછળ છોડી દેશે.’એ.આઈ.નો ઉપયોગ માનવીને નકામો બનાવવા માટે નહીં પણ માનવીની ક્ષમતા વધારવા માટે જ કરવાની જરૂર છે. એ.આઈ. અને રોબોટીકસ સિસ્ટમનો ઉપયોગ માનવીની નકલ બનાવવા માટે ન જ થવો જોઈએ. આજકાલ વિશ્ર્વમાં એ.આઈનો ઉપયોગ ખર્ચાઓ ઘટાડવા માટે જ થઈ રહ્યો છે. જે કામ એક આખા વિભાગ દ્વારા થતું રહે તે હવે એ.આઈ. દ્વારા કરાવવામાં આવે છે જેની ગતિ માનવી કરતા અનેકગણી છે જે માનવીને બેકાર પણ બનાવી શકે એમ છે. માનવીની બેકારીના ભોગે એ.આઈ.નો વિકાસ સમાજ જીવનને નુકસાનકારક બને એમ છે અને હવે તો એ.આઈ.થી પણ ચાર ચાસણી ચડે તેવા ચેટબોટ તાજેતરમાં બહાર પડેલ છે.
પ્રવીણ રાઠોડ, અમદાવાદ
———–
નકારાત્મક સમાચારો
આપના દૈનિક સમાચાર દરેક વ્યક્તિ લગભગ સવારના ચા-પાણી પહેલા અથવા તો તુરંત વાંચતા હોય છે. આમાં આવેલા સમાચારનું પ્રતિબિંબ દિવસના ધંધા, રોજગાર, નોકરી અથવા અન્ય વ્યક્તિ વિશેષના સમયમાં સીધી યા આડકતરી રીતે પડતું હોય છે.
હમણાં હમણાંથી આપના પત્રમાં ખૂન, વ્યભિચાર, બળાત્કાર, ચોરી-લૂંટ, આપઘાત, હત્યા, અકસ્માત, દાણચોરી વિ. સમાચાર શરૂઆતના પાનાઓમાં આવતા હોય છે. આનું પ્રતિબિંબ મેં ઉપર જણાવ્યા મુજબ તે દિવસના વ્યવહારમાં પડતું હોય છે. કોઈ વ્યક્તિને સમય ન હોય તો ઉતાવળેથી શરૂઆતના પાના વાંચતું હોય છે. આવા નકારાત્મક સમાચારો છેલ્લા પાનાઓમાં આપો તેવો મારો નમ્ર અભિપ્રાય છે.
સુરેન્દ્ર બી. શાહ,
મલબાર હીલ, મુંબઈ
———-
મોંઘવારીએ માઝા મૂકી છે
સરકાર કહે છે કે દેશમાં દરેક ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન વધ્યું છે. મોંઘવારી ઓછી થઈ છે પણ ક્યાંય કોઈ
પણ વસ્તુ સારી કે સસ્તી મળે છે? આનું સીધું
ઉદાહરણ છે આજે દૂધનો ભાવ રૂ. ૬૦થી રૂ. ૭૦ લિટરનો ભાવ છે પણ છતાં ગાયનું ને ભેંસનું દૂધ છે એમ કહે છે પણ આ દૂધની ગુણવત્તા કેવી છે તે દૂધ વાપરવા વાળાને પૂછો?
ઘઉં-ચોખા તેમજ કઠોળના ભાવ જુઓ તો આસમાને પહોંચી ગયા છે. સરકાર જીએસટી અને સીએસટીને નામે વેપારી પાસેથી ટેક્સ વસૂલ કરે છે જેનો ભાર પ્રજાએ ભોગવવો પડે છે અને જયારે ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ એકબીજાની ઉપર છાંટા ઉડાવે છે કે પેલા પક્ષના રાજમાં દરેક વસ્તુ મોંઘી હતી અને મોંઘવારી હતી.
પણ સત્તામાં બેઠેલો એ પક્ષ વિચારતો નથી કે આટલા વર્ષોથી આપણે રાજ કરીએ છીએ તો મોંઘવારી કેમ ન ઘટી, જયારે ચૂંટણી આવે છે ત્યારે બે વસ્તુ થાય છે એક વાયદો આપવાનું ને બીજું ઉદ્ઘાટન કરવાનું અને છેલ્લે એકબીજા પક્ષ ઉપર કાદવ ઉછાળવાનુેં જો તમારે ચૂંટાઈ આવવું હોય તો સામે પક્ષનાં અવગુણ ગાવાને બદલે એવું કાર્ય કરો કે પ્રજાને તમારા વચનમાં વિશ્ર્વાસ આવે.
ચંદ્રકાન્ત મોદી, ફોર્ટ-મુંબઈ