હાસ્યાસ્પદ દારૂબંધી
બિહારમાં નીતીશ સરકારે ચૂંટણી જીતવા લાગુ કરેલી દારૂબંધીએ આર્થિક અને સામાજિક તબાહી મચાવી છે. દારૂબંધી કાનૂનથી સફળ થતી નથી. કાનૂનથી માત્ર પોલીસ અને નેતાઓના ખિસ્સા ભરાય છે. રાજ્યના અર્થતંત્રનું પતન થાય છે. લઠ્ઠાકાંડો સર્જાય છે. કેટલાક રાજ્યોએ દારૂબંધી કરી ઝેરના પારખાં કર્યા હતા. ગુજરાતમાં અને બિહારમાં નેતાઓ અને પોલીસ અધિકારીઓ દારૂબંધીના કારણે કરોડપતિ બની ગયા. લોકો પોટલીઓ પીને મરે છે. આવા સંજોગોમાં સરકારે બિયરની છૂટ આપવી જોઈએ. બિયર એ દારૂ નથી. લઠ્ઠાકાંડથી બચવા માટે અને ટૂરીઝમ રેવન્યૂ માટે બિયરની છૂટ હવે જરૂરી છે. ગાંધીજીની વાતો કરી લોકોને છેતરવાનું હવે બંધ કરો. બિહારમાં હવે બિયરની છૂટ આપી અરાજકતા ઓછી કરવી જોઈએ. તેમ જ પકડાયેલ દારૂની હરાજી કરવી જોઈએ.
– જગદીશ ડી. ઉપાધ્યાય
વલ્લભ વિદ્યાનગર
————–
ક્રીડા સંસ્થામાં રાજકીય નેતાઓની શી ગરજ?
મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં શરદ પવાર-આશિષ શેલારની પેનલે બાજી મારેલ. ‘પવાર અને શેલાર રાજકીય વિરોધી હોવા છતાં તેઓ અહીં સાથે શા માટે છે.’ એ અમારો મુદ્દો નથી. સામાયિક રુચિ રહેલ વિગતોમાં અન્ય બાબતોનો વિરોધ હોવા છતાં લોકો સાથે મળી શકે છે, આવી શકે છે, એ તો નિરોગી માનસિકતાનું લક્ષણ છે.
અમારો મુદ્દો છે: સક્રિય રાજકારણમાં મહત્ત્વની વિવિધ જવાબદારીઓ સંભાળનારા, અત્યંત વ્યસ્ત રહેનારા રમતના ક્ષેત્રમાં નેતૃત્વ કરનારા પોતાનો અતિમૂલ્ય સમય શા માટે બગાડે છે? રમતમાં રસ હોવો, રમતની માહિતી હોવી અને એની સાથે સંસ્થા ચલાવવાની કુશળતાવાળા લોકો જ ક્રીડા સંસ્થામાં હોવા જોઈએ. જે રાજકારણીઓને રમતમાં રસ છે તેમણે આ સંસ્થામાં સહાયભૂત થવું જોઈએ પણ તેનું સુકાન પોતાના હાથમાં ન લેવું જોઈએ.
દેશ અથવા રાજ્યનો કારભાર ચલાવવું, તેના કારભારીઓ પર ધ્યાન આપવું એ રાજકારણીઓ માટે મોટું કામ છે તો પછી તેમણે આવી સાધારણ બાબત (ક્રીડા સંસ્થા)માં સમય કાં વેડફવો?
એકાદ ખાસદાર અથવા આમદાર લોકો ચૂંટી આપે છે પણ તેને ખેલમાં વધુ વ્યગ્ર રહેવા માટે નહીં. ખેલને પ્રોત્સાહન તેમાં રહેલ અડચણોને દૂર કરવા મદદરૂપ થવું જોઈએ, પણ તેમના સંચાલક ન બનવું જોઈએ.
પ્રિન્સિ. કુંવરજી અને અનસૂયા બારોટ
અંધેરી (પ.), મુંબઈ.
————
શહેર મુંબઈના રસ્તાઓની ગુણવત્તા સુધારવા અર્થે
પાલિકાએ કરેલું આયોજન અનુકરણીય
હાલ મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં રસ્તાઓના કામ ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં રસ્તાના કામના હજારો કરોડ રૂપિયાના નવેસરથી ટેન્ડર પણ બહાર પાડવામાં આવવાના છે ત્યારે રસ્તાની ગુણવત્તા પર પાલિકાની વિજિલન્સ ટીમની પણ નજર હશે, એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. કરોડો રૂપિયા રસ્તા પાછળ ખર્ચી નાખ્યા બાદ પણ મુંબઈના રસ્તાઓની હાલત સુધરતી નથી. થોડા વરસાદમાં પણ મુંબઈના રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે અને રસ્તા પર ખાડા પડી જતા હોય છે. તેથી ચોમાસા દરમિયાન મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને વર્ષોથી રસ્તાના કામની ગુણવત્તાને લઈને પાલિકા પ્રશાસનને પણ ભારે ટીકાનો સામનો કરવો પડે છે. તેથી પાલિકાએ રસ્તાના કામ કરનારા કોન્ટ્રાક્ટર પર સખત નજર રાખવાની છે. લગભગ ૧૮૧ (એકસો એકયાસી) રસ્તાના કામની ગુણવત્તા પાલિકા તરફથી તપાસવામાં આવવાની છે. તેથી રસ્તાના ગુણવત્તા સુધારવામાં મદદ મળશે.
એવો દાવો પણ પાલિકા પ્રશાસને કર્યો છે. પાલિકાના વિજિલન્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા અનુસાર રસ્તાની ગુણવત્તાની તપાસ દરમિયાન દોષી જણાઈ આવેલા કોન્ટ્રાક્ટરને ગુણવત્તાના નિષ્કર્ષના આધારે દંડ ફટકારવામાં આવે છે. રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને લોકોની હાલાકી દૂર કરવા અર્થે મુંબઈ પાલિકાએ કરેલું આવું આયોજન સ્તુત્ય અને આવકારદાયક છે જ.
– મહેશ વી. વ્યાસ
પાલનપુર