સુખનો પાસવર્ડ
મુંબઈ સમાચારના સુખનો પાસવર્ડમાં શ્રી આશુ પટેલે વાસ્તવિક સુખ આપણી ભીતર જ છે એને બહાર શોધવાની જરૂર નથી એ ખૂબ જ માર્મિક અને સુંદર રીતે સમજાવ્યું છે. ગંગા સતીના લેખમાં અધ્યાત્મ સરળ રીતે સમજાવ્યો છે. આ સુંદર લેખ લખવા બદલ લેખકને ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા સુંદર લેખ મુંબઈ સમાચારમાં આપતા રહે.
ઉમેશ ડી. શેઠ, દાદર-વેસ્ટ.
———
ડ્રગ્સની હેરાફેરી
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ગુજરાતમાં ડ્રગ-નશીલા પદાર્થોના ગુનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે, પણ ડ્રગ્સ વેચનારા માત્ર એક જ ટકા આરોપી ગુનેગાર સાબિત થયા છે. રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી વિગતો અનુસાર છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં રૂપિયા ચાર હજાર અઠ્ઠાવન કરોડનું ડ્રગ્સ પકડાયું છે. આ જોતા ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરી રહ્યું છે તે સાબિત થઈ રહ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ડ્રગ્સના નોંધાયેલા એકસો પચાસ ગુનામાં ૪ (ચાર) આરોપીને તો વર્ષ ૨૦૧૯માં ૨૮૯ (બસો નેવ્યાંસી) ગુનામાં ત્રણ આરોપીને તો વર્ષ ૨૦૨૦માં ત્રણસો આઠ ગુનામાં ચાર આરોપીને સજા થઈ હતી. આમ ગુના નોંધવાનો દર બમણો થયો છે, પણ આરોપીઓને સજા કરવાના દરમાં ઘટાડો થયો છે. સજાનો દર ૨.૬૬ ટકાથી ઘટીને માત્ર ૧ (એક) ટકો થયો છે. આવા સંજોગોમાં સરકારે યુવાનોને ડ્રગ્સની લતની ચૂંગલમાંથી બચાવવા માટે ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે કડક કાયદાની સજાની જોગવાઈ કરવાની જરૂર છે. સિંગાપોર જેવા દેશે ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ફાંસીની સજાની જોગવાઈ કરી છે. આવી સજાની જોગવાઈ આપણા દેશમાં પણ કરવાની તાતી જરૂર છે. ઉપરાંત દરિયા કિનારે ચાંપતી નજર રાખવા વધુ કોસ્ટલ ગાર્ડની નિમણૂક કરવી જોઈએ.
-મહેશ વી. વ્યાસ, પાલનપુર.
———
મહિલા કર્મચારીઓ પણ લાંચ લેવામાં પાછળ નથી
અગાઉ દરેક ક્ષેત્રમાં પુરુષ વર્ગનું વર્ચસ્વ હતું અને પુરુષો જ દરેક વેપાર, ધંધા કે અન્ય ફિલ્ડમાં આગળ પડતાં હતાં. સ્ત્રીઓ માત્ર ઘર, બાળકો અને વડીલોને જ સંભાળતી હતી, પરંતુ સ્ત્રીઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો, સામાજિક પરિવર્તન થવા લાગ્યું. સ્ત્રીઓમાં સમજશક્તિ તેમ જ નૈતિક હિંમત વધવા લાગી. આ બધાં કારણોસર મહિલાઓએ ઘરનો ઉંબરો ઓળંગીને નાના મોટા દરેક ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આજની સ્ત્રીઓ પુરુષ સમોવડી બનીને પુરુષો સાથે કદમથી કદમ મીલાવી કામ કરવા લાગી છે. આજે સ્ત્રીઓ સરકારી, અર્ધસરકારી અને ખાનગી સંસ્થાઓમાં નોકરી કરવા લાગી છે.
અગાઉ સરકારી કચેરીઓમાં તમો કોઈ કામગીરી કરવા જાઓ તો અમુક લાંચ્યા પુરુષ કર્મચારીઓ કટકી માગતા હતા. હવે જ્યારથી સ્ત્રી કર્મચારીઓ ઉચ્ચ પદ ઉપર બેસતી થઈ છે ત્યારથી, તેઓએ પણ લાજ શરમ નેવે મૂકીને કામના બદલામાં કટકી લેવાનું શરૂ કરી દીધું છે. આમ લાંચ રૂશ્વતનું પ્રમાણ ઘટવાના બદલે વધ્યું છે. આમ ધીમે ધીમે સમાજ નૈતિક અધ:પતન તરફ ગતિ કરી રહ્યો છે.
– યોગેશભાઈ આર. જોશી,
હાલોલ – પંચમહાલ.
———–
ખરાબ અનુભવ
હું ‘મુંબઈ સમાચાર’નો ૫૦ વરસથી વાચક છું. મારો ખરાબ અનુભવ સીસ્કા વિશે જણાવા માગું છું જેથી બીજા લોકો છેતરાય નહીં. મેં આ વિદેશી કંપની અને ખૂબ જ એડવરટાઈઝ જોઈને તેનું પ્રોડક્ટ એચ-૮૦૦ ટ્રીમર ઇર્લાથી આલ્ફાથી ખરીદ્યુ ૧૧-૫-૨૦૨૧. બે વરસની ગેરન્ટી છે. ડિસેમ્બર, ૨૦૨૨માં ચાલતું બંધ થઈ ગયું. મેં ટોલ ફ્રીમાં ફોન કર્યો તેણે અંધેરી સર્વિસ સેન્ટરનું એડ્રેસ આપ્યું. રૂબરૂ ગયો. તે લોકોએ ના કહી અમે સિસ્કાનું કામ કરતા નથી. ફરી ટોલ ફ્રી ઉપર સંપર્ક કર્યો બીજું એડ્રેસ આપ્યું ત્યાં પણ રૂબરૂ ગયો ત્યાં એક મેડમ હતી તેણે પણ ઉડાઉ જવાબ આપ્યો. ફરી ટોલ ફ્રી સંપર્ક કર્યો તેણે જવાબ આપ્યો કે અમારો કુરીયર બોય તમારાથી પ્રોડક્ટ લઈ જશે અને ૧૦ દિવસમાં નવું પ્રોડક્ટ આપી જશે. કુરિયર બોય પ્રોડક્ટ લઈ ગયો. આજે ૩૦ દિવસ થયા મેં ટોલ ફ્રીથી વાત કરી લગભગ ૨૫ ટાઈમ ફોન કર્યા. પ્રોડક્ટ મળી ગયું છે. ક્ધફર્મ પણ કર્યું પણ હજી સુધી મને રિપ્લેસમેન્ટ મળ્યું નથી. – અરવિંદ ગાંધી, વિલેપારલે