Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

શ્રી નમસ્કાર મહામંત્ર આલેખન
જે નવકાર લખે છે તે શાશ્ર્વત સુખનો દસ્તાવેજ લખે છે. જીવનને મંગલમય અને કલ્યાણકારી બનાવવા શ્રી નમસ્કાર મહામંત્ર લખવાની મંગલ શરૂઆત કરો. જીવનમાં શાંતિ અને સમાધિ માટે નવકારનું આલેખન કરો. પરિવારના પ્રત્યેક સભ્યોએ રોજ ૧૨ નવકાર લખવાની શુભ શરૂઆત કરે તો સમગ્ર ઘરમાં તેની આધ્યાત્મિક ઊર્જા કાર્યરત થાય છે.
નમસ્કાર મહામંત્ર આલેખન બુકમાં હિન્દીમાં નવકાર મંત્ર ઘૂંટવાનો હોય છે. રોજ ૧ પાનાના ૧૨ નવકાર લખીએ તો ૧૦૦ દિવસમાં જ નવકાર મંત્રનું આલેખન પૂરું થાય. આ બુક તેમ જ તેની સાથે ૯ કલર બોલપેનનો સેટ વિનામૂલ્યે મળશે. મુંબઈના જૈન સંઘોએ તેના લેટરહેડ પર પત્ર લખી કેટલી બુક જોઈએ છે તે સંખ્યા લખી મોકલવી. તેમણે રૂબરૂ આવવું. બહારગામના સંઘ નીચેના સરનમે પત્ર લખે તો કુરિયરથી મોકલશું. એડ્રેસ: શ્રી વર્ધમાન પરિવાર / શ્રુત ગંગા, બી-૪૦૩, મહાલક્ષ્મી સેંટર, બાલભારતી સ્કૂલ સામે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૬૭.
– અતુલ શાહ, કાંદિવલી
————–
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે …
ચૂંટણીની દુંદભિ સંભળાતા જ સરકારને જનતા પ્રત્યે વહાલ ઊભરાઈ આવે તેવું વર્ષાનુવર્ષ અનુભવાયું છે. ચૂંટણી ટાણે કોઈ પણ ‘નવા કરો’ ન નાખવાનું અને જનતાના ગરીબ વર્ગના લોકોને નાના નાના પ્રલોભનોની લોલીપોપ આપવાનો શિરસ્તો કાયમી બની ગયો છે. દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ચૂંટણીની પૂર્ણાહુુતિ થતાં જ, ‘ગરજ સરી એટલે વૈધ વેરી ’એ ન્યાયે વસ્તઓ પર નવા કરો નાખી ભાવવધારો કરવાનો સિલસિલો ફરી એકવાર આરંભાઈ ગયો છે.
તાજેતરમાં જ સરકારે, રાંધણ ગૅસ અને દૂધ જેવી રોજબરોજની વપરાશની ચીજો પર તોતિંગ ભાવવધારો કરી, મધ્યમ વર્ગને મરણતોલ ફટકો મારી, ગૃહિણીના ઘરના બજેટને ખોરવી નાખ્યું છે. દેશના અર્થતંત્રને બેઠું કરવા લોકોના ઘરનું અર્થતંત્ર વિંખી નાખવાની સરકારની નીતિ વખોડવાલાયક છે.
સરકારશ્રીએ એક વસ્તુ ભૂલવી ન જોઈએ કે જીવન જરૂરી ચીજોના ભાવોમાં કરવામાં આવતા આવા બેફામ ભાવવધારા ક્યારે ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું બની સામાજિક બળવામાં પરિણમશે તે કહી ન શકાય. કવિ ઉમાશંકર જોશીની કવિતાના શબ્દોમાં કહીએ તો
‘દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ન લાધશે!’
-કિશોરકુમાર જીવણદાસ વેદ, બોરીવલી (પશ્ર્ચિમ).
————-
કુશળ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં….!?
દરેક ક્ષેત્રમાં મંદી ફેલાઈ ગયા બાદ કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ નોકરી મળી રહી નથી. એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે. યુવા માટે સૌથી આકર્ષક કેરિયર તરીકે ગણાતા એન્જિનિયરિંગની ચમક હવે સતત ઘટી રહેલ છે. કેટલાક જવાબદાર કારણો પૈકી સૌથી મોટું કારણ એ છે કે આ ક્ષેત્રમાં રહેલા વિદ્યાર્થીઓને નોકરી મળી રહી નથી. એન્જિનિયરિંગમાંથી વિદ્યાર્થીઓનો મોહભંગ હવે થઈ રહેલ છે.
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે કે આગામી બે વર્ષ સુધી નવા એન્જિનિયરિંગ કૉલેજ ખોલવા માટે કોઈની પણ અરજીનો સ્વીકાર કરવામાં આવનાર નથી, કારણ કે સત્ર ૨૦૨૧-૨૦૨૨માં એન્જિનિયરિંગની ૫૦ ટકા સીટ ખાલી રહી ગયેલ. સાફ સંકેત મળી રહેલ છે કે વિદ્યાર્થીગણ હવે એન્જિનિયરિંગમાં પ્રવેશ કરીને વધુ સમય બરબાદ કરવા માટે ઈચ્છુક નથી.
ભારતમાં ૨૭ લાખ એન્જિનિયરિંગની બેઠકો રહેલી છે જેમાં ૧૪ લાખ અંડરગ્રેજ્યુએટ, ૧૧ લાખ ડિપ્લોમા તેમજ ૧.૮ લાખ પોસ્ટ ગ્રેજ્યુએટ સીટો આવે છે. ૨૦૨૧-૨૦૨૨માં માત્ર ૧૩ લાખ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હતો.
– પ્રિન્સિપાલ કે. પી. બારોટ, અંધેરી
—————–
લોકોને ઝડપી ન્યાય મળશે?
ગુજરાતના ન્યાયતંત્રની વ્યવસ્થા અને સેવા વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના રાજ્યના બજેટમાં પંચોતેર ડિસ્ટ્રિક્ટ (ડિસ્ટ્રિક્ટ જજની) કોર્ટ અને પચીસ સિવિલ (સિનિયર સિવિલ જજની) કોર્ટ મળી કુલ એકસો કોર્ટોની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઈ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઈ કોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઈઝેશન અને ડિજિટલાઈઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમ જ પક્ષકારોને ઓનલાઈન સગવડ આપવા માટે રૂપિયા અઠયાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે રાજ્યભરના વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત રૂપિયા પાંચ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે તમામ જોગવાઈ આવકારદાયક છે. સાથે સાથે સરકારે પેન્ડિંગ (પડતર) કેસોનો સત્વરે નિકાલ થાય તે અર્થે અને લોકોને ઝડપી ન્યાય મળી રહે તે અર્થે પણ યોગ્ય ઘટતાં પગલાં તાકીદે લેવાની જરૂર છે. સરકાર આ બાબતને લક્ષમાં લેશે?
– મહેશ વી. વ્યાસ, પાલનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -