હે: નાની બાળકીઓ સાથે દુષ્કર્મ
એ ગંભીર ગહન ચિંતાનો વિષય છે કે ગુજરાતમાં નાની બાળકીઓ સાથે છેડતી-દુષ્કર્મના રેલોમાં શરમજનક હદે વધારો થઈ રહ્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં ગુજરાતમાં પોક્સો હેઠળ ચૌદ હજારથી વધુ કેસો નોંધાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, નાની બાળકીઓ સાથે થતા દુષ્કમના કેસોમાં ત્રણસો અઠ્ઠાણુ ટકાનો વધારો થયો છે. લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૪-૧૫થી માંડીને વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રાજ્યમાં પોક્સો હેઠળ કુલ મળીને ચૌદ હજાર પાંચસો બાવીસ કેસો નોંધાયા છે. ચિંતાજનક બાબત તો એ છે કે નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને થતી સજાનો દર માત્ર ૧.૫૯ ટકા છે. રાજ્યમાં છેલ્લાં આઠ વર્ષમાં ૧૪૫૨૨ નોંધાયેલા કેસોમાંથી માત્ર ૨૩૧ (બસો એકત્રીસ) કેસોમાં ગુન્હો પુરવાર થઈ શક્યો છે. ગુનેગારો બેખોફ અને બેફામ બન્યા છે. સરકારે નાની બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મના ગુના માટે કડક અને દાખલો બેસે તેવી સજાની જોગવાઈ કરવા માટે નવો કાયદો બનાવવામાં જરૂરત છે, સાથે લોકજાગૃતિ અર્થે સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓએ અભિયાન શરૂ કરવાની પણ જરૂર છે.
– મહેશ વી. વ્યાસ
પાલનપુર.
—————-
“આંસું ભીના રે હરીના લોચનિયાં મેં દીઠા
તા. ૦૨/૦૩ના ‘મુંબઈ સમાચાર’માં આંધ્રપ્રદેશ સરકાર ૩૦૦૦ મંદિર બાંધશે એવો અહેવાલ વાંચ્યો. આંધ્રપ્રદેશના દરેક જિલ્લામાં મંદિર હોય તેની ખાતરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મંદિરોનું નિર્માણ મોટા પાયે હાથ ધરવાનું અભિયાન સરકારની ખોટી પ્રાથમિકતાનું જીવતું જાગતું ઉદાહરણ ગણી શકાય.
આજે જ્યારે સમગ્ર દેશમાં જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે તથા દૂર સદુર ગામોમાં આરોગ્ય, વીજળી, શુદ્ધ પીવાનું પાણી, જરૂરી વાહનવ્યવહાર જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યારે હિંદુ ધર્મના રક્ષણ અને પ્રચાર માટે કરવામાં આવેલ આ પહેલનું કોઈ ઔચિત્ય લાગતું નથી. ભલે આ અભિયાનનો ખર્ચ સરકારની તિજોરી પર નથી પડતો પણ સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી કરાતો હોવા છતાંય તે “પહેલા પોટોબા નંતર (પછી) વિઠોબા’ વિચારસરણી અનુરૂપ નથી જ નથી.
આ સંસ્થાઓ દ્વારા વપરાતી આ જ ધન રાશિનો સદુપયોગ વંચિત લોકોને મૂળભૂત સુવિધાઓ આપવા વપરાય તે ઇચ્છનીય નથી? માનવીના બે હાથ ભગવાન સામે જોડાય તે ઉત્તમ છે પણ તે જ હાથ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે વપરાય તે ઉત્તમોત્તમ ગણાય તેવું નથી લાગતું?
આ તબક્કે ગુજરાતી ભાષાના મહાન કવિ કરસનદાસ માણેકના કાવ્યની મશહુર પંક્તિ ‘એક દિન આંસુ ભીના રે હરીના લોચનિયાં મેં દીઠા’ને સ્મરી હરીના લોચનિયાં આંસું ભીના ન થાય તે સુનિશ્ર્ચિત કરવાની જરૂરત નથી લાગતી?
– કિશોરકુમાર જીવણદાસ વેદ,
બોરીવલી (પશ્ર્ચિમ)
—————–
“વિદ્યાર્થીઓને ઠપકો આપવો કે
શારીરિક શિક્ષા ગુનો નથી
એક શિક્ષક પર તેની શાળાનાં બે બાળકોને લાકડીથી ફટકારવાના આરોપ માટે એક દિવસની કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવેલ. કથિત કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ભરત દેશપાંડેશ્રીની હાઈ કોર્ટની સિંગલ જજની બેન્ચશ્રીએ ચુકાદો આપેલ:
“શાળામાં શિસ્ત જાળવવા માટે બાળકને ઠપકો આપવો અથવા સજા કરવી તે ગુનો નથી.
અમારો સાલસ અભિપ્રાય જણાવે છે: “વિદ્યાર્થીઓને શિસ્ત આપવા અને સારી આદતો કેળવવા માટે શિક્ષક બંધુભગિનીઓએ કેટલીક વાર થોડુંક કડક બનવું પડે છે જેથી તેઓ શિક્ષણ વિશે વસ્તુઓ શીખે અને સમજે, તેમજ જીવનના અન્ય પાસાઓ શીખે છે, જેમાંથી એક શિસ્ત છે.
“શાળાનો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક વિષયો જ ભણાવવાનો નથી, ક્ધિતુ વિદ્યાર્થીઓને જીવનના તમામ પાસાઓ માટે તૈયાર કરવાનો છે, જેથી ભવિષ્યમાં તેઓ સુપેરે વર્ચસ્વ ધરાવનાર અને વિશેષ વ્યક્તિ બની શકે.
– પ્રિન્સિ. કે.પી. બારોટ, નીલેશ અંધેરી.