Homeપ્રજામતપ્રજામત

પ્રજામત

મુંબઈ સમાચાર: વાંચન સામગ્રીનો ભંડાર
હર પરિવાર માટે અતિ લોકપ્રિય બનતું અખબાર આજે પણ બસ્સો વરસ થયા બાદ અનેક લેખો મારફત ગુણવત્તા જાળવી રાખે છે. અખબારમાં ભલે તંત્રી કે સંપાદક બદલાતા હોય પણ બીજી બાજુ નવા નવા લેખોને આવકાર આપતું હોય છે જે જગ્યાએ જૂના અખબાર હોય કે વરસો સુધી જૂનું હોય પણ સમયની સાથે પરિવર્તન માગતું હોય છે. બાળકોને યુવાનોને, વૃદ્ધજનોને દરેક પ્રકારના લેખો આપીને વાંચનની દુનિયામાં લઈ જાય છે. આમ આજે પણ આ અખબારે વાચકોનું મન જીતી લીધું છે. કેવળ અખબાર નહીં પણ વાર તહેવારે ખાસ અંકો તેમ જ દોઢ વરસનું પંચાંગ પ્રકાશિત કરીને આવતા તહેવારની જાણ કરે છે.
હર કોઈનું પારિવારિક અખબાર દરેક રીતે વાંચન માટે શ્રેષ્ઠ બની રહે તે માટે શુભકામના અને સંપાદક ટીમને અભિનંદન.
– ઘનશ્યામ એચ. ભરૂચા
વિરાર, મુંબઈ.
—————
દાંત બહુ જ કીમતી ઈશ્ર્વરીય બક્ષિસ છે તેનું જતન કરીએ
આપણા વડવાઓ દાંત સાફ કરવા લીમડા-બાવળ વિ.નું દાતણ વાપરતા હતા. ગુજરાતમાં દાતણિયા કોમ બાવળ વિ.ના તાજાં દાતણ ઘેર-ઘેર પહોંચાડતી હતી. આ વારસાગત ધંધો પેઢી દર પેઢીથી ચાલતો હતો તે ટૂથપેસ્ટ કંપનીઓએ પડાવી લીધો.
આર્ય દેશની આ દાતણિયા કોમ સમગ્ર દેશની પ્રજાને મહાહિંસાથી ઉત્પન્ન થયેલ ટૂથપેસ્ટના પાપથી બચાવતી હતી અને શાંતિથી સુખેથી રોજગારી મેળવતી હતી. પ્રાચીન વ્યવસ્થા પ્રમાણે તો દાતણ પહોંચાડવાના બદલામાં વાર્ષિક મહેનતાણારૂપે સાટામાં (વિનિયોગ) પદ્ધતિએ બાજરી કે અન્ય અનાજ કે જરૂરિયાતની ચીજવસ્તુ અપાતી, આ રીતે કુદરતી ચક્ર ચાલતું હતું.
અનેક પેઢીઓના અરસ-પરસ ચાલતા વ્યવહારોના લાગણીભર્યા સંબંધ આ રીતે ટકી રહેતા. આર્ય દેશની વારસાગત વ્યવસાયની નોખી-અનોખી આ અદ્ભુત ખૂબી હતી.
ટૂથપેસ્ટનો વપરાશ વધવાના કારણે બાવળ વિ.ના દાતણ વેચનાર જે ગરીબ વર્ગ ગ્રામીણ ક્ષેત્રમાં હતો તે આજે બેહાલ થઈ ગયો છે. બેકાર પ્રજા ભૂખનું દુ:ખ સહન ન થવાથી સામાજિક બુરાઈઓ-ગુનાઓ તથા અનેક પ્રકારનાં વ્યસનો અને ચોરી વિ.ના રવાડે ચડે છે. હિંસક ધંધા આદિ કામો પણ અનિચ્છાએ કરતા હશે.
આયુર્વેદ કહે છે કરંજ-ખેર-મહુડો-બાવળ-દાડમ-લીમડાનું દાતણ શ્રેષ્ઠ ગણાય છે. લીમડાનું દાતણ દાંત અને પેઢાને મજબૂત બનાવે છે.
દાતણની સૌથી મોટી જો કોઈ વિશેષતા હોય તો તે એ છે કે તેને ચાવી શકાય છે. દાતણના ગુણ મોં-ગળા અને શરીરના આરોગ્યને અનુકૂળ રાખવામાં ખૂબ ઉપયોગી છે. અગાઉ દાતણ સરળતાથી જોઈએ એ પ્રમાણે મળતાં હતાં.
જ્યારે હવે આજે ટૂથપેસ્ટ જોઈએ એટલી ગામડે-ગામડે અને ગલીએ-ગલીએ સુલભતાથી મળે છે.
બાવળ-લીમડા-બોરસલી-કરંજ વિ. દાતણમાં દાંત માટેનું જે સુરક્ષાકવચ હતું તે ટૂથપેસ્ટ કંપનીઓના લીધે ઝૂંટવાઈ ગયું.
– સેવંતી સંઘવી, અંધેરી (પૂર્વ)
————-
હૉસ્ટેલ જીવન- જલસા અને જોખમ!
આજકાલ યુવક-યુવતીઓ બાર ધોરણ પાસ કરે એટલે તેઓને પોતાના શહેરથી બહારગામ આગળ અભ્યાસ અર્થે તેઓના માતા-પિતા મોકલતાં હોય છે. પરિણામે તેઓને- એટલે કે એ યુવકો-યુવતીઓને જે તે હૉસ્ટેલમાં રહેવાનું હોય છે.
આ હૉસ્ટેલ જીવન જો સાચી રીતે તેને અપનાવો તો જીવનની પાઠશાળા છે, કારણ કે ત્યાં સ્વશિસ્ત શીખવા મળે છે. પોતાના કાર્યો પોતાએ જ કરવાના રહે એટલે તે પ્રત્યે જાગૃતતા રહે, ચીવટ રાખતાં આવડે, દરેક બાબતમાં કાળજી રાખવાનું શીખવા મળે, એકબીજા સાથે નવા નવા સંબંધો બાંધવાનો મોકો મળે, અવારનવારની બાબતમાં સ્વનિર્ણય લેવો પડે આથી સ્વનિર્ણય શક્તિ અને આવડત વધે. પોતાનો સ્વભાવ સુધારવાની તક મળે, નવી પરિસ્થિતિ અને બદલાતી પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવા મળે, ચાલશે, ભાવશે જેવી વાતો શીખવા મળે.
આમ હૉસ્ટેલ જીવન અને શાળાના જીવનમાં આકાશ-પાતાળ જેટલો મહા ફેર છે. અહીં હૉસ્ટેલ જીવનમાં મનફાવે તેમ ઉડવા આકાશ મળે છે. આ જીવન એટલે મુગ્ધાવસ્થામાં પગરવ કરતાં યુવાન હૈયામાં જાણે સમુંદર ઉછળી રહે. યુવક-યુવતીના સંગાથો મળે એટલે મજા પડી જાય. એક તો યુવાન-ઉછળતાં હૈયાંઓ અને મોકળું મેદાન આ હૉસ્ટેલ જીવન! વાહ! વાહ!
જો કે, હૉસ્ટેલમાં ભણતાં એ સંતાન માટે તેને નાણાં મોકલે ત્યારે એ યુવક-યુવતીઓએ તેનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. એ વેડફવાના નથી હોતાં છતાં એ યુવક-યુવતીઓ સાથ-સંગાથ કેળવાતાં “જલસા કરવા, નાણાં હરવા ફરવા, ફિલ્મો જોવામાં, હૉટેલોમાં ખાવાપીવામાં વેડફી નાખે તો ઘણાં જોખમો ઊભા થાય. તો બીજી બાજી, માલેતુજાર-ધનિક માતાપિતા તેના સંતાનને આમ અઢળક નાણાં મોકલે તો એ યુવક-યુવતી ખર્ચામાં બેફામ બનતાં અન્ય સહ-અભ્યાસીઓને એના રવાડે ચડાવે. યુવકો ધનને જોરે યુવતીઓને આકર્ષે અને તેમાંથી ધીરે ધીરે દૂષણ શરૂ થાય. હૉસ્ટેલમાં અભ્યાસ કરતાં કરતાં “ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો વળગાર અને બગાડ શરૂ થાય તે આગળ જતાં બહુ જોખમી બની જાય, કારણ કે યુવાનીના કામાંધમાં ઘણું અજુગતું થઈ જાય, એવું બને- પરિણામે અભ્યાસ બગડે, માતા-પિતાની ચિંતા વધે… યુવાનીનાં આકર્ષણોમાંથી ઘણું અનૈતિક થઈ જાય.
આ ઉપરાંત હૉસ્ટેલમાં રહેતાં યુવક-યુવતીઓને તેના “સિનિયર અભ્યાસીઓ તરફથી “રેગિંગનોે મોટો ભય રહે છે. જેના પરિણામે “જુનિયર અભ્યાસીઓમાં ઘોર નિરાશા વ્યાપે. કેટલીકવાર તો આપઘાતના કિસ્સાઓ તેથી બને છે. એટલે હૉસ્ટેલમાં જલસા સાથે તેના જોખમ સામે યુવકો અને ખાસ કરીને યુવતીઓએ બહુ જ સજાગ રહેવું જરૂરી છે નહીં તો સંયમ વિનાના વાતાવરણથી જિંદગી બગડી જતાં વાર ન લાગે. આથી આ ઉપરાંત માતા-પિતાઓએ સંતાનો ઉપર અવારનવાર પરોક્ષ અંકુશ રાખવાની તકેદારી રાખવી જરૂરી છે. છેવટે મોબાઇલ દ્વારા અંકુશ રાખવો જરૂરી છે.
– જસમીન દેસાઈ “દર્પણ
રાજકોટ
——————–
પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓ
માટે ‘બેગલેસ ડે’
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અમલી બનાવી છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ની જોગવાઈ હેઠળ આવતાં પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરી રહેલ છે તેઓ માટે ‘૧૦ બેગલેસ ડે’ની જોગવાઈ કરવામાં આવેલ છે. જેનો હેતુ વિદ્યાર્થી આલમને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે. જેમાં વિવિધ સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને બૅંક, ઉદ્યોગો, યુનવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે જેના થકી વિદ્યાર્થીઓના જ્ઞાન, સમજણને કૌશલ્ય સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો, કળા, સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત સ્થાનિક ઔદ્યોગિક સંસ્થાઓના અનુભવો દ્વારા કૌશલ્યવર્ધન અને ભાવિ કારકિર્દી વધુ ઉજજવળ બનશે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના રસ અને વલણને જાણી શકાશે. જોકે વિદ્યાર્થીને કોઈ ગ્રેડ કે ગુણ આપવામાં આવશે નહીં. શિક્ષક આનો આંતરિક અથવા ગોપનીય મૂલ્યાંકન કરી શકે અને તેનો આંતરિક રેકોર્ડ રાખી શકે છે.
શિક્ષકો અને બાળકો સરેરાશ રોજ છ કલાક શાળામાં વિતાવે છે જેને જોતાં વર્ષ દરમિયાન આ કાર્યક્રમની પ્રવૃત્તિઓ માટે શાળાના સમયના ૧૦ દિવસ અથવા તો ૬૦ કલાક ફાળવવામાં આવશે જેમાં સત્રના પ્રથમ ભાગમાં પાંચ દિવસ અને સત્રના બીજા ભાગમાં પાંચ દિવસ આમ કુુલ ૧૦ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.
– અનસૂયા બારોટ, અંધેરી-મુંબઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -