(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. ગત વર્ષે વડા પ્રધાનના હસ્તે અંબાજી ખાતે ૧૫,૦૦૦ આવાસોનું, વડોદરા ખાતે એક લાખ આવાસોનું તેમજ દાહોદ મુકામે ૯,૮૦૦ એમ કુલ ૧,૨૪,૮૦૦ આવાસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાના રૂ. ૩૦ હજાર પેટે ૫૬,૩૫૮ લાભાર્થીઓના ખાતામાં ડીબીટીના માધ્યમથી કુલ રૂ.૧૬૯ કરોડથી વધુ ટ્રાન્સફર કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ યોજના અંતર્ગત છ માસમાં આવાસ બનાવીને પૂર્ણ કરી દેનાર કુલ ૨૨,૫૦૦ લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ રૂ. ૨૦ હજારની સહાય પેટે કુલ રૂ. ૪૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા છે. એટલું જ નહિ, બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ. ૫ હજારની અતિરિક્ત સહાય આપવામાં આવી છે. જે અંતર્ગત કુલ ૩૧,૩૮૫ લાભાર્થીઓને રૂ. ૧૫.૬૯ કરોડ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧,૮૪,૬૦૫ આવાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની સામે અત્યાર સુધીમાં કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે.