મુંબઈઃ આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે રાષ્ટ્રીય સ્તરની મોટાભાગની પાર્ટી ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીતવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે, જેમાં કર્ણાટકની ચૂંટણી તેનું તાજું ઉદાહરણ છે. કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવ્યા પહેલા મહારાષ્ટ્રમાં એનસીપીના પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું આપ્યા પછી તમામ પાર્ટીનું ધ્યાન મહારાષ્ટ્રમાં કેન્દ્રીત થયું હતું. આજે શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યા પછી પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાનાયકની ભૂમિકામાં શરદ પવારનું જ નામ મોખરે રહ્યું છે.
રાજીનામું પાછું ખેંચ્યા પછી પાર્ટીને તો ચોક્કસ લાભ થયો છે. એટલે પાર્ટી તૂટતા બચી ગઈ છે, પરંતુ બીજી બાજુ ભાજપ સામે ખુલ્લેઆમ મોરચો ખોલીને મહારાષ્ટ્રમાં ભૂતકાળમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)નું ગઠન કરીને સરકાર બનાવી હતી. જોકે, રાજીનામું આપ્યા પછી એમવીએની ભવિષ્યની એકતા મુદ્દે સવાલ ઊભા થયા હતા. રાજીનામું પાછું ખેંચ્યા પછી પ્રમુખપદે શરદ પવાર રહેવાને કારણે એમવીએનો જીવમાં જીવ આવ્યો છે.
રાજીનામું પાછું ખેંચ્યા પછી એનસીપીના કાર્યકરો અને પદાધિકારીઓનો વિજય થયો છે, પરંતુ તેમણે પરોક્ષ રીતે સિદ્ધ કર્યું છે કે આખરે એનસીપીના બોસ પોતે છે. શિવસેનાના માફક એનસીપીને પણ તોડવાનો પ્રયાસ કર્યાની અટકળો પર પૂર્ણવિરામ આવ્યું છે. એનસીપીના ટોચના નેતા બંધ બારણે અન્ય પક્ષના લોકો સાથે ચર્ચા-વિચારણા કરતા હતા, પરંતુ શરદ પવારે પુરવાર કર્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરે નથી, પણ પોતાના ઈશારે પાર્ટીને ચલાવે છે. બીજી વાત કરીએ પાર્ટીમાં પડનારી સંભવિત તિરાડને રોકવામાં પવાર સફળ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંપર્કમાં વિપક્ષના નેતા અજિત પવાર અને પ્રફુલ પટેલ હોવાની અટકળ બાદ શરદ પવારે ખૂદ પાસો ફેંકીને પોતે જ પાર્ટીના મહાનાયક હોવાનું પુરવાર કર્યું છે.
એનસીપીમાં બળવો કરવાના મૂડમાં જોવા મળતા નેતાઓને પણ તેમણે પાઠ ભણાવી દીધો હતો, જ્યારે જયંત પાટીલે પણ અગાઉ કહ્યું હતું કે પાર્ટીમાં શરદ પવારનો કોઈ વિકલ્પ નથી. એટલું જ નહીં, કાર્યકરો અને પદાધિકારીઓની મક્કમતા આગળ ટોચના નેતાઓએ નમતું જોખવું પડ્યું હતું. પ્રફુલ પટેલ, ધનંજય મુંડે અને ભત્રીજા અજિત પવારને પણ તેમની સામે ઝૂકવું પડ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
શરદ પવારે રાજીનામું આપ્યા પછી એક નહીં, પણ અનેક લોકોની બોલતી બંધ કરી નાખી છે, જેમાં સૌથી મોટો ફાયદો એનસીપી અને એમવીએને તૂટતા બચાવી છે. આગામી દિવસોમાં સ્થગિત કરેલી સભાઓને યોજવામાં આવી શકાય છે.