મુંબઈઃ દેશમાં અત્યારે આઈપીએલ ચાલી રહી છે, તેથી લોકોમાં ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ ગઈકાલે મહારાષ્ટ્રમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું આપીને દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. શરદ પવારે પ્રમુખપદેથી રાજીનામું આપ્યાના નિર્ણય મુદ્દે ફેર વિચારણા માટે બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે, પરંતુ અત્યારે નવા પ્રમુખ માટે એનસીપીમાંથી એક નહીં બે નેતા રસ ધરાવતા નથી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
એનસીપીના નવા પ્રમુખપદની હોડમાં દીકરી સુપ્રિયા સુળે, ભત્રીજા અજિત પવારનું નામ મોખરે લેવાય છે, પરંતુ આજે આ મુદ્દે એનસીપીના નેતા અને વિપક્ષના નેતા અજિત પવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એનસીપીનું સુકાન સંભાળવામાં તેમને જરાય રસ નથી. અજિત પવારની સાથે સાથે પક્ષના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે કહ્યું હતું કે પક્ષનું સુકાન સંભાળવામાં મને રસ નથી. હજુ સુધી શરદ પવારના રાજીનામાની જાહેરાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મુદ્દે નક્કર નિર્ણય લેવામાં આવે નહીં, ત્યાં સુધી નવા ચીફ બનવા અંગે કોઈ સવાલ ઊભો થતો નથી, એવું તેમણે જણાવ્યું હતું.
એનસીપીના નવા પ્રમુખ માટે પરિવારમાંથી કોઈની પસંદગી કરવાની અટકળો વચ્ચે એનસીપીના નેતા અનિલ પાટીલે કહ્યું હતું કે હજુ સુધી કંઈ નક્કી નથી, કારણ કે પાર્ટીના કાર્યકર્તા હવે શરદ પવારનું મન બદલવાનો પ્રયાસ ચાલુ છે. શરદ પવારના નિર્ણયમાં ફેરવિચારણા કરે એની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે આજે એનસીપીમાં જ ટોચના નેતાઓએ મહત્ત્વના પદોથી રાજીનામું આપ્યું હતું.