પેડર રોડ પર રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવાની જગ્યા જ નહીં – ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી – જસલોક પાસેના એકમાત્ર ક્રોસિંગ પર રહેવાસીઓને માથે જીવનું જોખમ
જોખમ: જસલોક હૉસ્પિટલ સિગ્નલ પાસેથી એમ્બ્યુલન્સ સહિત સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોવાથી રાહદારીઓને મુશ્કેલી પડતી હોય છે બીજી બાજુ ડિવાઈડર કૂદીને રસ્તો ક્રોસ કરવું પણ જોખમી છે. (અમય ખરાડે)
—
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા પેડર રોડ પરના રહેવાસીઓ આખા રોડ પરના ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી હેરાન પરેશાન થઈ ગયા છે, બીજી તરફ આખા રોડ પર ફક્ત એક જ જસલોક હૉસ્પિટલ પાસે આપેલા રાહદારી ક્રોસિંગથી પરેશાન થઈ ગયા છે. પેડર રોડ પર ગામડિયા રોડ જંકશનથી જસલોક હૉસ્પિટલ જંકશન સિગ્નલ વચ્ચે રસ્તો ક્રોસ કરવા માટેના બધા ક્રોસિંગને બંધ કરવામાં આવ્યા છે, તેથી રસ્તો ક્રોસ કરવો હોય કે પછી ટેક્સી પકડવી હોય તે માટે છેક જસલોક જંકશન સુધી ચાલીને જવું પડે છે. આ બાબતે વારંવારની ફરિયાદ બાદ પણ સ્થાનિક નગરસેવક, વિધાનસભ્ય, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સહિત વિવિધ સરકારી વિભાગો દુર્લક્ષ કરી રહ્યા હોવાથી કંટાળેલા સ્થાનિક રહેવાસીઓએ હવે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે મન બનાવી લીધું હોવાનું કહેવાય છે.
ડૉ. ગોપાલરાવ દેશમુખ માર્ગ સામાન્ય રીતે પેડર રોડ તરીકે ઓળખાય છે. વીઆઈપી રોડમાં સમાવિષ્ટ પેડર રોડ પર ઉચ્ચભ્રૂ વર્ગના લોકોની સાથે જ અનેક નામી હસ્તીઓનાં ઘર પણ આવેલા છે. વીઆઈપી રોડ કહેવાતો હોવાથી પેડર રોડ પર ટ્રાફિક પોલીસની ખાસ નજર હોય છે. કેડબરી જંકશન, મહાલક્ષ્મી જંકશન સહિત પૂરા પેડર રોડ પર સામાન્ય રીતે પીકઅવર્સમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે. તેથી પેડર રોડ પર બંને તરફ રહેતા લોકોને રસ્તો ક્રોસ કરવો હોય તો માટે રસ્તાની વચ્ચોવચ ડિવાઈડર પાસે અમુક અંતરે ખાસ ક્રોસિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જોકે છેલ્લા થોડા સમયથી ગામડિયા રોડ જંકશનથી જસલોક હૉસ્પિટલ જંકશન વચ્ચે આવેલા ક્રોસિંગને ઉપરથી ગ્રીલ લગાવીને બંધ કરી દેવામાં આવ્યા છે, તેને કારણે રસ્તાની બંને તરફ રહેતા લોકોને રસ્તો ક્રોસ કરવો હોય તો ગામડિયા રોડ બાદ છેક જસલોક હૉસ્પિટલના ક્રોસિંગ સુધી લાંબુ ચાલવું પડે છે.
પેડર રોડ પર દરભંગા હાઉસ પાસે રહેતા સિનિયર સિટિઝનના કહેવા મુજબ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અચાનક રસ્તા પર અમુક અંતરે રહેલા બે ક્રોસિંગ બંધ કરી નાખ્યા છે. તેથી અમારી બિલ્િંડગથી ઉતરીને સામે રસ્તા પર આવેલા બસ સ્ટોપ પર બસ પકડવા માટે કે પછી ટેક્સી પકડવી હોય તે માટે ખાસ્સું એવું અડધો કિલોમીટર જેટલું ચાલવું પડે છે. ક્રોસિંગ પાછું ટ્રાફિક પોલીસે જસલોક હૉસ્પિટલ પાસે આપ્યું છે, તે પણ જોખમી જ કહેવાય છે. કેડબરી-મહાલક્ષ્મી જંકશનથી પેડર રોડ પર આગળ કોલાબા તરફ જતા વાહનોની અવરજવર સતત ચાલુ હોય છે અને જસલોક હૉસ્પિટલની અંદર જવા માટે સતત ઍમ્બ્યુલન્સ અને વાહનો આવતાં હોય છે, તો જસલોકને અડીને જ ઉપરથી આવતા રસ્તા પરથી પણ સતત વાહનો આવતાં હોય છે, એને કારણે લોકો જસલોક સિગ્નલ પાસે રસ્તો ક્રોસ કરવા માટે રાહદારીઓને જાનના જોખમે ઊભા રહેવું પડે છે.
દરભંગા હાઉસ નજીક જ આવેલી ઈમારતમાં રહેતા અન્ય સિનિયર સિટિઝનના કહેવા મુજબ જસલોક સિગ્નલ પાસે સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવાનું ભારે મુશ્કેલ બની ગયું છે. બહુ ઓછા સમય માટે રાહદારીઓને ચાલવા માટે સિગ્નલ આપવામાં આવે છે, તેથી અહીં રસ્તો ક્રોસ કરવા માટે ભીડ થતી હોય છે. તેથી અનેક વખતે લોકો ચાલુ સિગ્નલે જ રસ્તો ક્રોસ કરવાનું જોખમ ઉઠાવતા હોય છે. તો પાછું રસ્તા પરના ક્રોસિંગ બંધ કર્યા પછી ઉલટાનું જોખમ વધી ગયું છે. નાના બાળકો અને અમુક યંગસ્ટર જસલોક સિગ્નલ સુધી ચાલવાના બદલે સીધું ડિવાઈડર પરથી કૂદીને રસ્તો ક્રોસ કરતા હોય છે. તેથી રસ્તા પરના ક્રોસિંગ બંધ કરવાનો નિર્ણય ડહાપણભર્યો નહીં પણ મૂર્ખામીભર્યો છે.
નાગરિકોના હિતને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો: ટ્રાફિક પોલીસ
તાડદેવ ટ્રાફિક ડિવિઝનના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર વિજય ખૈરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે, પેડર રોડ પર નોર્ધન અને સાઉર્ધન તરફના હેવી ટ્રાફિકની મૂવમેન્ટ હોય છે. ભરચક ટ્રાફિકને ધ્યાનમાં રાખીને જ રસ્તાની વચ્ચેના ક્રોસિંગને બંધ કરવામાં આવ્યા છે. પેડર રોડ પર હેવી ટ્રાફિક હોવાની સાથે જ વીઆઈપી રોડ હોવાથી વાહનોની સતત અવરજવર હોય છે. જસલોક હૉસ્પિટલોમાં પણ ઍમ્બ્યુલન્સ આવતી હોય છે, તેમાં જ દરેક જગ્યાએ ક્રોસિંગ આપવામાં આવે અને સિગ્નલ પણ એટલા રાખવામાં આવે તો વાહનોની લાંબી લાઈન લાગીને બન્િંચગ થઈ શકે છે. અમુક અંતરે રાહદારીઓ માટે ક્રોસિંગ આપવામાં આવ્યા છે, તેનો ઉપયોગ સ્થાનિકો કરી શકે છે.