જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગુરુવારે આતંકવાદી હુમલામાં પાંચ જવાનોના શહીદ થયા બાદ સુરક્ષા દળોએ બાટા-દોરિયા વિસ્તારના ગાઢ જંગલમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઓપરેશનમાં ડ્રોન અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, હેલિકોપ્ટર દ્વારા પણ જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે 12થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથની ઓળખ મેળવવા માટે અટકાયત કરાયેલ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી આતંકી સંગઠન સક્રિય છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હુમલો થયો તે વિસ્તાર અને વાહનનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને શોધવા માટે ડ્રોન અને સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એવી શંકા છે કે ત્રણથી ચાર આતંકવાદીઓના જૂથે હુમલો કર્યો હતો અને આતંકીઓએ બોમ્બ અથવા ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે વાહનમાં આગ લાગી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આતંકવાદીઓ રાજૌરી અને પૂંચમાં એક વર્ષથી વધુ સમયથી હાજર હોવાનું માનવામાં આવે છે અને તેમને આપ્રદેશની પૂરતી જાણકારી હતી.