Homeમેટિનીપોન્નીયીન સેલ્વન: સ્ટોરી એક, સક્સેસ અનેક

પોન્નીયીન સેલ્વન: સ્ટોરી એક, સક્સેસ અનેક

ફિલ્મ રિલીઝ સાથે આ ક્લાસિક બુકનો ક્રેઝ ફરી આસમાને

શો-શરાબા-દિવ્યકાંત પંડ્યા

ફિલ્મ્સ અને પુસ્તકો કલાનાં મહત્ત્વનાં સ્વરૂપ છે. બંને વચ્ચેની દોસ્તીના કારણે પુસ્તકો પરથી બનેલી ફિલ્મ્સ અને બનેલી ફિલ્મ્સ વિશેનાં પુસ્તકો દાયકાઓથી આપણી સમક્ષ રહ્યાં છે. પ્રાદેશિક પુસ્તકો પરથી બનેલી ફિલ્મ્સ પર આપણે ૧૭ જૂનના લેખમાં અહીં ચર્ચા કરી હતી જે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દેવદાસ’ પરથી બનેલાં કેટલાંય ફિલ્મ્સ વર્ઝન સુધી લંબાઈ હતી, પણ નવલકથા પરથી બનેલી ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી મણિરત્નમ દિગ્દર્શિત ફિલ્મ ‘પોન્નીયીન સેલ્વન ૧’ની વાત આ વિષયમાં વિશેષ છે.
‘પોન્નીયીન સેલ્વન’ એટલે ૧૯૫૦થી ૧૯૫૪ના સમયગાળામાં લેખક કલ્કી કૃષ્ણમૂર્તિ દ્વારા ‘કલ્કી’ સામયિકમાં તમિળ ભાષામાં પ્રકાશિત થયેલી આ જ નામની નવલકથા પરથી બનાવવામાં આવેલી ફિલ્મ. આજે જ્યારે ફક્ત અમુક હજાર કોપીઝમાં પુસ્તક બેસ્ટ સેલિંગ ઘોષિત કરી દેવાય છે ત્યારે એ વખતની પુસ્તક વિક્રીના અંકો ચકિત કરી દે તેવા છે. ૫૦ના એ દાયકામાં દર વર્ષે ૧ લાખ જેટલી કોપીઝના વેચાણ સાથે તમિળ ભાષાની અતિ પ્રચલિત નવલકથાઓમાંની એક હતી ‘પોન્નીયીન સેલ્વન’! આટલી પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા પુસ્તક પરથી ફિલ્મ બને એ સ્વાભાવિક છે, પણ આપણે જે મૂળ વાત કરવી છે એ છે કે આટલા દાયકાઓ પછી ફરી વખત નવલકથા ‘પોન્નીયીન સેલ્વન’ની ડિમાન્ડ લોકોમાં વધી છે. એ ડિમાન્ડ પાછળનું કારણ એટલે મણિરત્નમ દિગ્દર્શિત હમણાં રિલીઝ થયેલી આ જ નામની ફિલ્મ!
ફિલ્મ આ લખાય છે ત્યાં સુધીમાં ૫૦૦ કરોડના વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શનની નજીક છે અને ફિલ્મની રેકોર્ડ બ્રેકિંગ સક્સેસનો ફાયદો ફરી વખત એ જે બુક પરથી બની છે તેને પણ થઈ રહ્યો છે. આને કહેવાય ગિવિંગ બેક! ૭૨ વર્ષ પહેલાંની નવલકથાના વેચાણમાં ફરીથી ઉછાળો. એમ તો પુસ્તક કલ્ટ સ્ટેટસ ભોગવે જ છે અને તેનું વેચાણ થતું જ રહ્યું છે, પણ આ ફિલ્મે નવી પેઢીને ફરી તેનાં પાનાં ખોલવા આકર્ષિત કરી છે. ૩૦ સપ્ટેમ્બર પછી બુકના ઈંગ્લિશ અનુવાદના વેચાણમાં ૭૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઝીરો ડિગ્રી પબ્લિશિંગના માલિક રામજી નરસીમન મણિરત્નમ, તેમની ફિલ્મ અને ફિલ્મની કાસ્ટને આ માટે ક્રેડિટ આપતાં કહે છે, ‘મણિરત્નમે પોતે કહ્યું છે કે જો તમારે ફિલ્મનો પૂરતો અનુભવ માણવો હોય તો તમે પુસ્તક વાંચ્યા પછી થિયેટરમાં પ્રવેશો એ આવકાર્ય છે. પુસ્તક સાથે કોઈ સરખામણી નથી, કેમ કે બંને માધ્યમ અલગ છે.’ વિચારો, બહુ ઓછા એવા દિગ્દર્શક હશે જે ઓફિશિયલી પોતાની ફિલ્મની વાર્તાનો સ્રોત જાહેર કરવાની સાથે તેને વાંચીને પણ આવવા કહે છે. ફિલ્મનો હજુ એક જ ભાગ આવ્યો છે ને તેના બીજા ભાગની વાર્તા નવલકથામાં હોવાની છતાંય. મણિરત્નમને વાર્તા અને પોતાના ફિલ્મમેકિંગ પરના ભરોસાએ સફળતા અપાવી છે. રામજી આગળ કહે છે, ‘દર્શકોમાં બે પ્રકારના લોકો છે. એક એ જે ફિલ્મ જોઈને પોતે વાર્તાવિશ્ર્વને વધુ જાણવા માટે ઉત્સાહિત છે અને બીજા એ જે ફિલ્મ જોવા માટે પૂરતી તૈયારી કરીને જવા માગે છે.’
પુસ્તક પરથી ફિલ્મ અને ફિલ્મ પછી ફરીથી વિવિધ પ્રકાર ને ભાષામાં ‘પોન્નીયીન સેલ્વન’ પ્રચલિત છે, તો પછી આટલાં બધાં વર્ષો કેમ લાગી ગયાં તેના પરથી ફિલ્મ બનાવવામાં? દરેક વાર્તાની એક નિયતિ હોય છે. ૧૯૫૪માં નવલકથા પૂર્ણ થયા બાદ ૧૯૫૮માં જ એમ. જી. રામચંદ્રને ૧૦,૦૦૦ રૂપિયામાં હકો ખરીદીને ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી હતી, પણ શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેમને એક અકસ્માત નડ્યો અને તેમને સાજા થતાં છ મહિના લાગ્યા અને એ પછી પણ ફિલ્મ ન જ બની શકી. મણિરત્નમની આ ક્લાસિક સ્ટોરી પર નજર છેક ૧૯૮૦થી હતી. કમલ હાસન સાથે તેમણે ‘પોન્નીયીન સેલ્વન’ બનાવવા રામચંદ્રન પાસેથી હકો ખરીદ્યા ને ટીમ તૈયાર કરી હતી, પણ કંઈક આર્થિક સમીકરણો એ વખતે ઠીક બેઠાં નહીં. ત્યારથી લઈને ૨૦૨૨ સુધી મણિરત્નમે ‘પોન્નીયીન સેલ્વન’ને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે. કમલ હાસને પણ જોકે એ પછી ટીવી ધારાવાહિક બનાવવાના પ્રયાસ આદર્યા હતા, પણ કંઈ નક્કર પરિણામ આવ્યું નહીં.
ફરી પાછું ૨૦૧૦માં મણિરત્નમે સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, કાસ્ટ ફાઈનલાઈઝ થઈ અને બધું જ આયોજન થઈ ગયું હતું, પણ શૂટિંગ શરૂ કરવાના ફક્ત સાત દિવસ પહેલાં એક્ટર્સ મહેશ બાબુ અને વિજયના ફોટોશૂટ માટે મૈસુર પેલેસ અને લલિતા મહેલ તરફથી શૂટિંગની મંજૂરી ન મળતાં આખી ફિલ્મ જ અટકી પડી. પછી પાછું ૨૦૧૯માં લાયકા પ્રોડક્શન્સ મણિરત્નમ સાથે જોડાયું, ટીમ બની અને ‘પોન્નીયીન સેલ્વન’ વાર્તાને ફિલ્મ તરીકેની મંજિલ મળી. જોકે આ વખતે પણ કોવિડને કારણે શૂટિંગ અટકી અટકીને જ પૂરું થયું, પણ આખરે ફિલ્મ બની ગઈ ખરી. વાર્તાની નિયતિ, યુ નો!
પુસ્તક સિવાય આજના જમાનામાં ઈ-બુક અને ઓડિયો બુકને પણ ગણતરીમાં લેવી પડે, કેમ કે આર્ટ ને એન્ટરટેઈનમેન્ટનું એક્સ્ટેંશન જ તો છે એ પણ! ફિલ્મની રિલીઝ પછી તેની ઈ-પબ્લિશિંગ કંપનીનો દાવો છે કે તેની મૂળ તમિળ અને ઈંગ્લિશ અનુવાદ ઈ-બુક્સે વેચાણમાં ૧૦ ગણો વધારો નોંધાવ્યો છે. કંપનીના ડિરેક્ટર રાજેશ દેવદાસનું કહેવું છે કે ‘ફિલ્મના કારણે છેલ્લા બે મહિનામાં લોકો ફક્ત પોનિયન સેલ્વન વાંચવામાં જ લાગી પડ્યા છે, એથી બીજા લેખકોની કૃતિઓમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.’ એ જ રીતે ગયા મહિને એક ઓડિયો એપ પર બુક્સ સાંભળનારાઓની સંખ્યામાં પણ ધરખમ ૨૧ ટકાનો વધારો થયો. કારણ? ફિલ્મની રિલીઝ, અફકોર્સ! આ સાથે જ તે ઓડિયો એપ પર ‘પોન્નીયીન સેલ્વન’ તમિળ ભાષાની સૌથી વધુ સંભળાયેલી બુક બની ગઈ. આ સક્સેસફુલ સ્ટેટિસ્ટિક્સના આધારે ફિલ્મ
રિલીઝના ફક્ત ૧૮ જ દિવસમાં તે ઓડિયો એપે ઈંગ્લિશ અનુવાદની પણ ઓડિયો બુક બહાર પાડવી પડી હતી.
આ સ્ટોરી સાથેનું કનેક્શન દાયકાઓ સુધી અકબંધ રહ્યું છે. અન્ય એક ઓડિયો પ્લેટફોર્મના વીપી શૈલેશ સાવલાનીનું કહેવું છે કે ‘આ માસ્ટરપીસના ફિલ્મ એડેપ્ટેશનની સફળતા અને એ સાથે ઓડિયો બુક્સ માટેનું ધ્યાનાકર્ષણ દર્શાવે છે કે એક ઉત્તમ વાર્તા મિડિયમથી પણ પર હોય છે.’ એક બીજું મસ્તમજાનું ઉદાહરણ કહું તો, પોતાના પોડકાસ્ટ પ્લેટફોર્મ પર તમિળ ક્લાસિક્સનો ખજાનો લોકો માટે ખુલ્લો મૂકનાર દીપિકા અરુણનો અનુભવ ‘પોનિયન સેલ્વન’ સાથે ફિલ્મની રિલીઝની પણ પહેલાંનો છે. લોકડાઉન દરમિયાન તેને ‘પોનિયન સેલ્વન’ના પોડકાસ્ટ માટે ખૂબ રિક્વેસ્ટ્સ આવવા લાગી હતી. આટલી મહાન ક્લાસિકને સ્પર્શવા બાબતે તેનામાં થોડી અસમંજસ હતી પણ પછી તેણે રોજનું એક પ્રકરણ લઈને શરૂઆત કરી અને દસ મહિનામાં ૨૯૫ પ્રકરણો સાથે પોડકાસ્ટ પૂરું કર્યું અને જોગાનુજોગ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં લિસનરશિપમાં એવું તો તોફાન આવ્યું કે ૬૧ કલાકની આ ઓડિયો બુકને રોજના દસ દસ કલાક સાંભળીને ફિલ્મની રિલીઝ પહેલાં પૂરી કરવા લોકો મચી પડ્યા હતા.
એક ફિલ્મમાં પાત્રોની બધી પરતો કદાચ ન સમજાય, પણ કલ્કી કૃષ્ણમૂર્તિનું આ વાર્તાવિશ્ર્વ લોકોને એવું તો પસંદ પડ્યું કે તેમણે દરેક માધ્યમમાં તેનો રસાસ્વાદ માણ્યો છે. આખરે ફિલ્મ હોય કે પુસ્તક; વાર્તામાં મજા આવે તો એ મનોરંજન છે ને એ સાથે એ સ્પર્શી જાય તો એ કલા છે!
*****************
લાસ્ટ શોટ
૨૦૧૦માં ‘પોનિયન સેલ્વન’ માટે મણિરત્નમની પ્રોડક્શન ખર્ચની ધારણા અધધધ ૧૦૦ કરોડની હતી!

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -