Homeઆમચી મુંબઈઆફતાબ પર આજે પોલીગ્રાફ ટેસ્ટ થવાની સંભાવના

આફતાબ પર આજે પોલીગ્રાફ ટેસ્ટ થવાની સંભાવના

*આફતાબના હત્યાના બદ્ઈરાદાનો શ્રદ્ધાને અણસાર હતો
*પોલીસને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે મારી હત્યા કરશે અને મૃતદેહના ટુકડા કરશે

મુંબઈ: શ્રદ્ધા વાલકરની હત્યા બદલ ધરપકડ કરાયેલા લિવ-ઇન-પાર્ટનર આફતાબ પૂનાવાલાની નાદુરસ્ત તબિયતને કારણે બુધવારે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી નહોતી. આને કારણે ટેસ્ટના પરિણામો પર અસર થઇ શકે છે, એમ દિલ્હી પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું. આફતાબ પર હવે ગુરુવારે પોલીગ્રાફ ટેસ્ટ થવાની સંભાવના છે.
ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર વ્યક્તિ સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો નિયમો મુજબ તેના પર પોલીગ્રાફ ટેસ્ટ થઇ શકે નહીં.ઉલ્લેખનીય છે કે દિલ્હીના મહરૌલી વિસ્તારમાં આવેલા ભાડાના ફ્લેટમાં શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના ૩૫ ટુકડા કરાયા હતા. શરીરના ટુકડા ત્રણ સપ્તાહ સુધી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા.
———
મુંબઈ: દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાના અમાનવીય કૃત્યનો ભોગ બનેલી શ્રદ્ધા વાલકરને તેની સાથે બનવાની ઘટનાનો જાણે બે વર્ષ પહેલાં જ અણસાર આવી ગયો હતો. શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી તેના શરીરના ૩૫ ટુકડા કરનારા આફતાબે ૨૦૨૦માં પણ આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે વસઈની તુલિંજ પોલીસમાં શ્રદ્ધાએ આ અંગે ફરિયાદ કરી આફતાબથી તેના જીવને જોખમ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.કૉલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધાએ ૨૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. આફતાબ પૂનાવાલા મારપીટ કરતો હોવાનો અને આ અંગે આફતાબના વડીલોને જાણ હોવાનો આક્ષેપ પણ તેણે પોલીસને આપેલા પત્રમાં કર્યો હતો.
દિલ્હીના મહરૌલી સ્થિત ફ્લૅટમાં આફતાબે (૨૮) મેના બીજા પખવાડિયામાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની કથિત હત્યા કરી તેના શરીરના ૩૫ ટુકડા કર્યા હતા. આ ટુકડા તેણેે ફ્લૅટમાંના ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયાં સુધી રાખ્યા હોવાનું કહેવાય છે. ત્યાં સુધી રોજ તે થોડા થોડા ટુકડા ઘર નજીકના જંગલમાં ફેંકતો હતો.
પાલઘર જિલ્લાના વસઈ ખાતે રહેતી શ્રદ્ધાએ નવેમ્બર, ૨૦૨૦માં તુલિંજ પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં તાફતાબ દ્વારા કરાતી મારપીટની વાત કરી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું, ‘આજે તેણે ગૂંગળાવીને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. તે મને ધમકી અને બ્લૅકમેઈલ કરી રહ્યો છે કે તે મારા ટુકડા કરી નાખશે અને મને ગમે ત્યાં ફેંકી દેશે. છ મહિનાથી તે મારી મારપીટ કરી રહ્યો છે, પરંતુ મારામાં હિંમત નથી કે હું પોલીસ પાસે જાઉં, કારણ કે તેણે મને મારી નાખવાની ધમકી આપી છે.’
‘તેના વડીલોને જાણ છે કે તે મારી મારપીટ કરે છે અને તેણે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે,’ એમ શ્રદ્ધાએ પત્રમાં નોંધ્યું હતું.શ્રદ્ધાએ એવું પણ કહ્યું હતું કે આફતાબના પેરેન્ટ્સને અમે સાથે રહીએ છીએ તેની જાણ છે અને તેઓ વીકએન્ડ્સમાં મળવા પણ આવે છે.
‘આજ સુધી હું એની સાથે એટલા માટે રહી, કેમ કે અમારાં લગ્ન થવાનાં હતાં અને તેના પરિવારે અમને આશીર્વાદ આપ્યા હતા. હવેથી હું એની સાથે રહેવા માગતી નથી. આથી મને કોઈ પણ શારીરિક નુકસાન થાય તો તે તેના તરફથી કરાયું હોવાનું માની લેવું, કેમ કે તે મને હત્યા અથવા જખમી કરવાની ધમકીઓ આપીને બ્લૅકમેઈલ કરી રહ્યો છે,’ એમ તેણે પોતાના પત્રમાં જણાવ્યું હતું.દરમિયાન કોર્ટની પરવાનગી બાદ મંગળવારે આફતાબની પોલિગ્રાફ ટેસ્ટ કરાઈ હતી. તપાસમાં દિલ્હી પોલીસને ફ્લૅટમાંથી લોહીના ડાઘ સહિત અન્ય પુરાવા હાથ લાગ્યા હતા. આફતાબ સાથે ચર્ચા પછી તેના વકીલ અબિનાશ કુમારે જણાવ્યું હતું કે આફતાબે કોર્ટમાં ક્યારેય કબૂલાત નથી કરી કે તેણે શ્રદ્ધાની હત્યા કરી છે. (પીટીઆઈ)
———–
બે વર્ષ પહેલાં આપેલી ફરિયાદ પર
પોલીસે કાર્યવાહી કેમ ન કરી?: ભાજપ
મુંબઈ: બે વર્ષ પહેલાં શ્રદ્ધા વાલકરે પોલીસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આફતાબ મારી હત્યા કરી નાખશે, તેમ છતાં પોલીસે કેમ કાર્યવાહી ન કરી. ફરિયાદ પાછી ખેંચવા શ્રદ્ધા પર દબાણ લવાયું હતું? શા માટે કાર્યવાહી ન કરાઈ તેનું નામ શ્રદ્ધા વાલકર હતું એટલે કે પછી આરોપીનું નામ આફતાબ હતું એટલે? એવા સવાલ ભાજપના નેતા આશિષ શેલારે કર્યા હતા.
———-
નિષ્ણાતોના મત પ્રમાણે આફતાબે મૃતદેહના
ટુકડા કરવા કરવતનો ઉપયોગ કર્યો હતો
મુંબઈ: કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરનારા લિવ-ઇન-પાર્ટનર આફતાબ પૂનાવાલાએ મોટી કરવતનો ઉપયોગ કર્યો હશે, એમ ફોરેન્સિક નિષ્ણાતો અને આવા કેસ હાથ ધરનારા વકીલો કહે છે.
આફતાબે વાપરેલું શસ્ત્ર હજી મળ્યું નથી. જોકે અમુક અહેવાલો સૂચવે છે કે ગુનામાં મોટું ચોપર અથવા કરવતનો ઉપયોગ થયો હોઇ શકે. આફતાબે ગુનો કબૂલ કર્યો છે, પણ તેના વકીલે આ દાવાને નકારી કાઢ્યો છે.નિષ્ણાતો કહે છે કે ભૂતકાળમાં આવા કેસમાં ઇલેક્ટ્રિક કટર અથવા ૧૮થી ૨૦ ઇંચની કરવતનો ઉપયોગ થયો હતો. ફોજદારી કેસ લડતા આર.વી. કિણીએ કહ્યું હતું કે ૨૦૦૮માં ફિલ્મ નિર્માતા નીરજ ગ્રોવરની હત્યા કરી શરીરના ૩૦ ટુકડા કરવામાં આવ્યા હતા અને તેને બેગમાં ભરી મુંબઈની બહાર લઇ જઇ સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ કેસમાં દક્ષિણની અભિનેત્રી મારિયા મોનિકા સુસાઇરાજ અને તેના પ્રેમી એમિલી જેરોમ જોસેફની ધરપકડ કરાઇ હતી.
તેમણે પાતળી બ્લેડ સાથેનું ચોપર અને આશરે ૧૮ ઇંચની હાથા સાથેની કરવતનો પણ ઉપયોગ કર્યો હતો. શરીરના ટુકડા બાળી નખાતાં ચોક્કસ કેટલા ટુકડા કર્યા હશે તે નક્કી થયું નહોતું, પણ મને લાગે છે કે ૩૦ ટુકડા તો હશે જ. શ્રદ્ધાની હત્યામાં પણ આવા જ શસ્ત્રનો ઉપયોગ કરાયો હશે એવું મને લાગે છે, એમ તેમણે જણાવ્યું હતું.
૨૦૧૦માં રાજેશ ગુલાટીએ તેની પત્નીની દહેરાદુનમાં હત્યા કરી હતી. તેણે આયર્ન કટર, વૂડ ચિપર અને સ્ટોન કટરથી શરીરના ૭૦થી વધુ ટુકડા કર્યા હતા. આયર્ન કટર કઇ રીતે ઉપયોગ કરવું તેની માહિતી આપતું પુસ્તક ઘટનાસ્થળેથી જપ્ત કરાયું હતું.
આ કેસમાં ફરિયાદ પક્ષ વતી હાજર રહેલા ઉત્તરાખંડ સરકારના ડેપ્યુટી એડવોકેટ જનરલ જે.એસ. વર્કે જણાવ્યું હતું કે ગુલાટીએ પત્નીની હત્યા બાદ મૃતદેહની ઓળખ ન થાય તે માટે શરીરના અનેક ટુકડા કરવા ઘણાં બધાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
અખબારી અહેવાલો ૭૦ ટુકડા કહે છે, પણ મને લાગે છે કે આશરે ૩૦થી ૪૦ ટુકડા જ કર્યા હતા અને તે રાખવા માટે ગુલાટી બજારમાંથી ડીપ ફ્રીઝર ખરીદી લાવ્યો હતો. ગુલાટી અને આફતાબના કેસમાં ઘણી બધી સામ્યતા જણાય છે. બંનેએ અલગ અલગ જગ્યાએ ટુકડાઓ ફેંકીને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
એક સિનિયર ફોરેન્સિક ડોક્ટરે કહ્યું હતું કે મેં અનેક ટુકડા કરેલા શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું છે, જેમાં શરીરના ઢાંચાને આધારે તેને સાંધાઓમાંથી ૧૨થી ૧૩ ટુકડા આસાનીથી કરી શકાય છે એવું લાગે છે. જોકે ૧૩થી વધુ ટુકડા કરવાના હોય તો ઇલેક્ટ્રિક પર ચાલતી કરવત અથવા કટરની જરૂર પડી શકે છે. આવા શસ્ત્રોથી શરીરના ટુકડા જૂજ મિનિટોમાં કરી શકાય છએ.
ઇલેક્ટ્રિક કટરમાં અવાજ વધુ થતો હોવાથી ગુનેગારો કરવતનો ઉપયોગ કરતા હોય છે, જેમાં વધુ પ્રયાસ અને સમય લાગે છે. ઘણા બધા કેસમાં સૌપ્રથમ ધારદાર છરીથી ત્વચા કાઢવામાં આવી. બાદમાં કરવતથી હાડકાં કાપવામાં આવ્યાં હતાં, કરવત ત્વચા પર આસાનીથી ચાલતી નથી, જેથી ત્વચા કાઢવાથી હાડકાં કાપવાનું આસાન બની જાય છે. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -