ભારત G20 સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. આ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે, પરંતુ દેશમાં G-20ના લોગો પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે લોગો પર કમળના ફૂલને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના G20નો લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. ભારતના G20 પ્રમુખપદ માટેનો સત્તાવાર લોગો, ભારતના રાષ્ટ્રધ્વજના ચાર રંગો સાથે બનાવવામાં આવ્યો છે, જેમાં કમળની ટોચ પર બેઠેલી પૃથ્વીનો સમાવેશ થાય છે. લોગોમાં ‘વસુધૈવ કુટુંબકમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો સંદેશ છે.
આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “વિશ્વ આ સદીમાં રોગચાળા, સંઘર્ષો અને ઘણી આર્થિક અનિશ્ચિતતાના પરિણામોમાંથી પસાર થઈ રહ્યું છે. G20 લોગોમાં કમળનું પ્રતીક આ સમયમાં આશાનું પ્રતિનિધિત્વ કરે છે. ભલે ગમે તેટલા પ્રતિકૂળ સંજોગો હોય, કમળ હજી ખીલે છે. ભારત “એક સારા ભવિષ્ય માટે, એક સમાન ઉદ્દેશ્ય માટે સમગ્ર વિશ્વને એકસાથે લાવવાના વિઝન પર કામ કરી રહ્યું છે.”
કોંગ્રેસ પાર્ટીએ બુધવારે ભારતના G20 પ્રમુખપદના સત્તાવાર લોગોમાં કમળનો ઉપયોગ કરવા બદલ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. આ લોગો અંગે કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપ પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે , ‘હવે ભાજપનું ચૂંટણી ચિન્હ જી-20ના ભારતના પ્રમુખપદ માટેનો સત્તાવાર લોગો બની ગયું છે!. ભાજપ તેના પ્રચાર માટેની કોઈ તક છોડતું નથી. વૈશ્વિક સંસ્થાને હોસ્ટ કરવા માટે જારી કરાયેલ લોગો પર કમળનો ફોટો મૂકવો તે એક પ્રકારની બેશરમી છે. જયરામ રમેશે પોતાની નારાજગી વ્યક્ત કરતા એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, ‘ આજથી 70 વર્ષ પહેલા જવાહરલાલ નેહરુજીએ કોંગ્રેસના ધ્વજને ભારતનો ધ્વજ બનાવવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. હવે ભાજપના ચૂંટણી ચિન્હને જી-20ની યજમાનીનો લોગો બનાવી દેવામાં આવ્યો છે. આ બધી ચોંકાવનારી ઘટના છે. અમે અત્યાર સુધીમાં જાણી ગયા છીએ કે પીએમ મોદી અને ભાજપ પોતાનો પ્રચાર કરવાની એક પણ તક છોડશે નહીં!’
Over 70 years ago, Nehru rejected the proposal to make Congress flag the flag of India. Now,BJP’s election symbol has become official logo for India’s presidency of G20! While shocking,we know by now that Mr.Modi & BJP won’t lose any opportunity to promote themselves shamelessly!
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 9, 2022
“>
નોંધનીય છે કે ભારત 1 ડિસેમ્બરે વર્તમાન અધ્યક્ષ ઇન્ડોનેશિયા પાસેથી G20નું પ્રમુખપદ સંભાળશે.