(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંબંધમાં ભાજપ, કૉંગ્રેસ સહિતના મોટા રાજકીય પક્ષોમાં ‘આંચકા’ આવી રહ્યા છે. તાલાળાના ધારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામની બેઠકોના ઉમેદવારોને મુદ્દે કૉંગ્રેસના અનેક હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં છે, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના આઠ ભૂતપૂર્વ પ્રધાને ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં જ આખી રૂપાણી સરકારનું પાણીચું લઇને ભૂપેન્દ્ર પટેલ સહિતના તદ્દન નવા ચહેરા સાથેના નવા પ્રધાનમંડળ સાથે શરૂ કરેલા મેકઓવરમાં હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ માજી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના મોટા ભાગના માજી પ્રધાનો અને મોટાં માથાંઓને વિધાનસભામાંથી પણ ઘરભેગા કરવામાં આવ્યા છે. બન્ને નેતાઓએ બુધવારે ઉમેદવારોની યાદી બહાર પડે તે પહેલાં જ સામેથી ચાલીને ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી દીધી હતી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ટિકિટ કપાઈ હોવાનું બુધવારે બહાર આવ્યા બાદ બન્ને નેતાઓ મોડે મોડે સામે ચાલીને પોતે ચૂંટણી નહીં લડે એવી સામે ચાલીને જાહેરાત કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા અને માજી પ્રધાન જય નારાયણ વ્યાસે પણ ટિકિટ નહીં મળવાની જાણકારી બાદ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત ધોળકા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય તરીકેની ગેરલાયકતા મુદ્દે કાનૂની પ્રક્રિયાનો સામનો કરી રહેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત છ જેટલા માજી પ્રધાનોની ટિકિટ કપાવાના એંધાણ છે. માજી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. હવે નીતિન પટેલને પણ બીજા રાજ્યમાં મોટી જવાબદારી આપીને ગુજરાતની ચૂંટણીમાંથી દૂર રાખવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત વચ્ચે જ ૨૪ કલાકમાં કૉંગ્રેસના બે સિનિયર ધારાસભ્યોએ કૉંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. મંગળવારે છોટા ઉદેપુરના મોહનસિંહ રાઠવા બાદ બુધવારે તાલાળાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડે પણ ધારાસભ્ય પદ અને કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમને ભાજપમાં આવકારતા પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએએ જણાવ્યું હતું કે એક બાજુ રાહુલ ગાંધી ‘ભારત જોડો’ અભિયાન ચલાવે છે તો બીજી તરફ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ કૉંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે.
ભાજપના પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ગીર સોમનાથની તલાળા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય તેમ જ વેરાવળ તાલુકા પંચાયના પૂર્વ પ્રમુખ રહી ચુકેલા ભગાભાઇ બારડ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલાએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાત અને હિમાચલ રાજ્યમાં ચૂંટણી છે ત્યારે કૉંગ્રેસના યુવાનેતા કહેવાતા રાહુલ ગાંધી ‘ભારત જોડો’ અભિયાન લઇને નીકળ્યા છે તો બીજી તરફ કૉંગ્રેસના રોજ એક નવા મહેમાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો અભિયાન ચલાવે છે તો બીજી તરફ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ કૉંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે. કૉંગ્રેસ છોડો અભિયાનમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સફળ થયા છે.
ભગાભાઇ બારડે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે અને સભ્યપદેથી આજે મારું રાજીનામું આપી મોટી સંખ્યામાં મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. ઘણા વિચારો કર્યા પછી કોઇની ટિપ્પણી કરવી નથી. અમે મૂળ કૉંગ્રેસી નથી. પક્ષ જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક પ્રમાણિક રીતે પૂર્ણ કરીશ. પક્ષને નીચું જોવા જેવું થાય તેવું કામ મારી જિંદગીના છેલ્લા શ્ર્વાસ સુઘી નહી કરું.