Homeઉત્સવરાજકીય શિષ્ટાચાર લુપ્ત થવાનાં જોખમ

રાજકીય શિષ્ટાચાર લુપ્ત થવાનાં જોખમ

માનગઢમાં મોદી-ગહલોત વિવેકનો વિસ્ફોટ -મુખ્યમંત્રી થવા અધીરા સચિને બળવો કર્યો હતો -રાજસ્થાન ભાજપમાં પણ ભાંજગડો ઘણી છે 

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત માનગઢ નામક ઐતિહાસિક સ્થળે જાહેર સમારંભમાં મળે અને રાજકીય શિષ્ટાચાર સમાન પારસ્પારિક સારા શબ્દો કહે એ મુદ્દે તો રાજસ્થાન કૉંગ્રેસમાં તોફાન મચી ગયું છે. પ્રત્યેક બાબતમાં રાજકારણ અને પક્ષકારણ નિહાળવાની આદત ધરાવનારાઓ વાતનું વતેસર કરે છે. ગહલોત સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રી હોવાનો મોદી પોતાના મુખ્યમંત્રીત્વકાળનો અનુભવ કહે અને ગહલોત મોદીની દુનિયામાં લોકપ્રિયતા મહાત્મા ગાંધીના દેશના વડા પ્રધાન હોવાને કારણે છે એવું કહે છે. ઘરઆંગણે મુખ્યમંત્રી થવા માટે ઊછળકૂદ કરી રહેલા સચિન રાજેશ પાયલટ છેક મોવડીમંડળ સુધી ફરિયાદ કરીને જાહેરમાં વિવાદ સર્જે એમાં નરી બાલિશતા જ વર્તાય છે. બે વર્ષ પહેલાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પાયલટ પોતાના ૧૮ સમર્થક કૉંગ્રેસી ધારાસભ્યો સાથે ભાજપના ટેકે રાજસ્થાનના મુખ્યમંત્રી બનવા નિષ્ફળ બળવો કરી ચૂક્યા છે. એ વખતે પણ અને આજે ય ગહલોત જેવા વરિષ્ઠ નેતા કને પક્ષના ધારાસભ્યોમાં બહુમતીનો ટેકો રહ્યો છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી આડે માંડ એકાદ વર્ષ બાકી છે. પાયલટના બળવા પછી એમનું નાયબ મુખ્યમંત્રીપદ તો ગયું હતું, પણ સમાધાનની ફોર્મ્યુલા મુજબ એમના સમર્થકોને ગહલોત સરકારમાં સમાવાયા હતા. આમ છતાં, ભાંગેલા મોતીને રેણ કરવા જેવી સ્થિતિ અખંડ રહી છે. રાજસ્થાન કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવામાં પાયલટનું યોગદાન ઓછું નહોતું, પરંતુ એમને બદલે ગહલોત મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે કકળાટ મચાવવાનો ચાલુ રાખ્યો છે. કૉંગ્રેસના અસંતુષ્ટોને પોતાના ભણી ખેંચવાના ભાજપના નેતાઓના પ્રયાસોને કમસે કમ પાયલટના સંદર્ભમાં અત્યાર લગી સફળતા મળી નથી. એ માટે એમની પ્રિયંકા ગાંધી તથા રાહુલ ગાંધી સાથેની નિકટતા જવાબદાર લેખાવી શકાય. જોકે કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે ઉમેદવારી માટે ગહલોતનું નામ લગભગ નક્કી હતું ત્યારે રાજ્યનું મુખ્યમંત્રીપદ પણ પોતે જાળવવા માગતા હોવાના મુદ્દે વિવાદ વકર્યો. ફરી પાયલટના જાહેરમાં ધમપછાડા શરૂ થયા.રાજસ્થાનમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. એ ન્યાયે આગામી ડિસેમ્બર ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણી પછી અહીં ભાજપની સરકાર આવી શકે; પરંતુ ભાજપમાં પણ ભારે ભાંજગડો હોવાથી આ વખતે કૉંગ્રેસ સરકાર ફરી આવવાની શક્યતા છે. આમ છતાં, ગહલોત-પાયલટ જાહેર વિવાદ કૉંગ્રેસ માટે આત્મઘાતી સાબિત થઈ શકે.
ગહલોત ગુલામનબી નથી
વાતો વહેતી કરાઈ રહી છે કે ગહલોત ગુલામનબી આઝાદની જેમ જ કૉંગ્રેસ છોડીને અલગ પક્ષ રચે કે ભાજપમાં જોડાઈ જાય. આ વાતો અત્યારે તો આધારહીન અને ગોબેલ્સના પ્રચાર સમી જ ભાસે છે. એવું નથી કે કૉંગ્રેસમુક્ત ભારતનો સંકલ્પ જાહેર કરનાર ભાજપના સર્વોચ્ચ નેતા મોદીએ કૉંગ્રેસી મુખ્યમંત્રી રહેલા નેતાઓને ભાજપમાં ભેળવ્યા નથી, પરંતુ ગહલોત જરા નોખી માટીના છે.અત્યારે એમની વિરુદ્ધની ઝુંબેશનો લાભ ભાજપવાળા ગુજરાતમાં પણ લેવા આતુર છે. મુખ્યમંત્રીપદ માટેના આકાંક્ષી પાયલટને આ વાત સમજાવી જોઈએ કે ગહલોત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના સુપર પ્રભારી છે ત્યારે એમની સામેની ઝુંબેશમાં જોડાઈને સચિન પણ અંતે તો પોતાના પગ પર જ કુહાડો મારે છે. કૉંગ્રેસના સત્તાના સુવર્ણકાળમાં હોદ્દાઓ ભોગવી ચૂકેલાઓ કૉંગ્રેસને ડૂબતું જહાજ સમજીને ઉંદરડાઓની જેમ પક્ષ છોડી રહ્યા હતા; પરંતુ કૉંગ્રેસના અધ્યક્ષ રહેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ક્ધયાકુમારીથી કાશ્મીરની ભારત જોડો પદયાત્રાને જે ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે એ જોયા પછી પક્ષ છોડનારાઓ જાણે કે થંભી ગયા છે. ગહલોત વયોવૃદ્ધ છે. સચિન યુવાન છે. જાહેરમાં વિવાદ કરીને પક્ષને નુકસાન પહોંચાડવા કરતાં પક્ષના ફોરમમાં ચર્ચા કરીને વિવાદો કે અન્યાયોનો ઉકેલ લાવવાની કોશિશ થાય તો એ યોગ્ય લેખાય. વડા પ્રધાન અને મુખ્યમંત્રી મળે ત્યારે એ અલગ અલગ પક્ષના નેતા છે એ કરતાં સમવાયી વ્યવસ્થાતંત્ર ધરાવતા ભારતના શાસકો છે એ વધુ મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં મોદીયુગ બેઠો ત્યારથી વિપક્ષને રાજકીય વિરોધી કે સ્પર્ધકને બદલે શત્રુ લેખવાની પરંપરા શરૂ થઇ અને હવે તો છેક રાષ્ટ્રીય સ્તરે પણ આવું વિષમય રાજકારણ વધારે ફાલ્યું છે. ભારતીય વિવેક અને શિષ્ટાચારના લોપનું એમાં દર્શન થયા વિના રહેતું નથી.
માનગઢ મામલો હતો શું?
પોતાના જ પક્ષના નેતાઓ મુખ્યમંત્રી ગહાલોતને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે ત્યારે વાસ્તવમાં મુખ્યમંત્રીએ પણ જાહેરમાં સ્પષ્ટતા કરવી પડે એ અનુચિત લાગે છે.અંગ્રેજ સરકારે ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલા માનગઢમાં બ્રિટિશ શાસનની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ૧૫૦૦ જેટલા આદિવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ માનગઢ ધામ સ્મૃતિ સ્થળે વડા પ્રધાન મોદી તથા રાજસ્થાનના મુખ્યમંત્રી ગહલોત ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સત્તાવાર સમારંભમાં એકમંચ હતા. આ પ્રસંગે વડા પ્રધાને પોતે મુખ્યમંત્રી હતા ત્યારે બેઠકોમાં સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રી ગહલોત હોવાની વાત કરી હતી. ગહલોતે એ જ કાર્યક્રમમાં મોદીને આયનો બતાવતા હોય તેમ કહ્યું હતું કે આપ દુનિયાભરમાં લોકપ્રિય વડા પ્રધાન તરીકે જે નામના મેળવો છો એ તો મહાત્મા ગાંધીના દેશના હોવાને કારણે જ. ગહલોતના નિવેદનને સૌકોઈ પોતપોતાની રીતે મૂલવે છે. એમાંથી ઘણા તો તર્ક કાઢે છે કે ગહલોત હવે નેહરુ-ગાંધી પરિવારના વફાદાર નથી અને પક્ષ છોડી જશે. આ જરા વધુ પડતું અને ગહલોતના પક્ષમાં અને ભાજપમાંના વિરોધીઓને અનુકૂળ આવે એવું જ તારણ છે. હકીકતમાં ગહલોત સમર્થક ધારાસભ્યોએ જે શક્તિપ્રદર્શન કર્યું એ બદલ તેમણે પક્ષનાં મોભી સોનિયા ગાંધીની ક્ષમાયાચના પણ કરી હતી. જોકે રાજકારણમાં ક્યારે કયા પલટા આવે એ વિશે પૂર્વઅનુમાન કરવાનું અશક્ય હોવા છતાં ગહલોત કૉંગ્રેસના નિષ્ઠાવંત નેતા છે એ બાબતમાં કોઈને ભાગ્યેજ શંકા હશે. એ ગુજરાતમાં કૉંગ્રેસને વિજયી બનાવવામાં ડિસેમ્બર, ૨૦૧૭માં થોડાકમાં જ ચૂક્યા હતા અને આ વખતે સુપર પ્રભારીની જવાબદારી નિભાવવામાં કામે વળી ગયા છે. એ સર્વવિદિત છે કે ગુજરાતમાં ભાજપની સરકાર બહુ લાંબા સમયથી હોવા છતાં ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૧૮૨માંથી માત્ર ૯૯ બેઠકો જ મળી હતી. એ પછી કૉંગ્રેસી ધારાસભ્યોને પોતાના તરફ વાળી, ફરી ચૂંટણી લડાવીને, ભાજપનું ગૃહમાં સંખ્યાબળ ૧૧૧ થયું હતું. આ વખતે આમ આદમી પાર્ટીના જોરદાર પ્રવેશ વચ્ચે ગહલોત કૉંગ્રેસને સત્તામાં લાવવામાં કેવી જાદુગરી કરે છે એ ભણી સૌની મીટ છે. ગુજરાત ગુમાવવાનું ભાજપને પાલવે તેમ નથી.કારણ ગુજરાત વડા પ્રધાન મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાતમાં જીતવાનું ભાજપ માટે અનિવાર્ય છે. આ વખતે ખરાખરીનો જંગ જામશે.
————
તિખારો
અરે અરે! ફરી પાછાં ચૂંટણીનાં પડઘમ વાગ્યાં,
જુઓ રે જુઓ, સૂતેલા બધા વાયદા જાગ્યા.
આવ્યા રે આંગણે મતદાર તારા મોંઘેરા મહેમાન
દુ:ખ દર્દ તારાં ફરી એમને પોતાનાં લાગ્યાં.
પાંચ વરસે પરાણે, દીઠું મુખડું અમીભર્યું
પૂનમનો ચંદ્ર કહું, કે કહું ઈદનો ચાંદ લાગ્યા.
ભરી સંદૂકમાં લાવ્યા છે અઢળક સપનાઓ નેતાઓ તો ચૂંટાયા પછી વિદેશમાં ભાગ્યા.
– રેખા સોલંકી (તૃષ્ણા)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -