લોકશાહી માટે ઘાતક નિર્ણય: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે ચૂંટણી પંચનો શિંદે જૂથને સાચી શિવસેના જાહેર કરતો ચુકાદો લોકશાહી માટે ઘાટક છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ઉદ્ધવે ચૂંટણી પંચને કેન્દ્ર સરકારની ગુલામ બની ગઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ‘તેઓ અમારા સળગતી મશાલના ચિહ્નને પણ આવતીકાલે છીનવી લેશે,’ એમ પણ ઉદ્ધવે કહ્યું હતું.
કાર્યકર્તાઓને હતાશ ન થવાની સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે આપણે લડીશું અને વિજય મેળવીશું. પાર્ટી અને લોકો અમારી સાથે છે. ‘ચોરી કરનારા લોકોને થોડા દિવસનો આનંદ માણી લેવા દો,’ એમ પણ તેમણે કહ્યું હતું.
દેશમાં લોકશાહી જિવંત છે તેની છેલ્લી
આશા સુપ્રીમ કોર્ટ છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ત્યાંથી પણ ન્યાય નહીં મળે તો આપણે ચૂંટણીઓ કરવાનું જ બંધ કરવું જોઈએ અને એક વ્યક્તિનું શાસન દેશમાં લાગુ કરી દેવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરી દેવું જોઈએ કે આઝાદીના ૭૫ વર્ષ બાદ દેશમાં હવે લોકશાહી નથી અને આપણે જોહુકમી તરફ આગળ વધી રહ્યા છીએ.
‘જે ચોરને એવું લાગી રહ્યું છે કે તેમની ચોરી માટે તંત્રની માન્યતા મળી ગઈ છે તેઓ હંમેશા ચોર જ રહેશે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
————-
બાળાસાહેબની વિચારધારાનો વિજય: એકનાથ શિંદે
મુંબઈ: એકનાથ શિંદેની શિવસેના જ વાસ્તવિક શિવસેના છે, એવા ભારતીય ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ અમારો નહીં બાળાસાહેબની વિચારધારાનો વિજય થયો છે.
હું ચૂંટણી પંચનો આભાર માનું છું. લોકશાહીમાં બહુમતીની ગણતરી થાય છે, એવું શિંદેએ જણાવ્યું હતું. ચૂંટણી પેનલના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં શિંદેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથને આ મોટો ફટકો છે. આ બાળાસાહેબના વારસાની જીત છે. તેમણે કહ્યું હતું કે અમારી જ ખરી શિવસેના છે. અમે બાળાસાહેબના વિચારોને ધ્યાનમાં રાખીને જ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.
——————-
ચૂંટણી પંચનો નિર્ણય અપેક્ષિત હતો: અશોક ચવ્હાણ
મુંબઈ: એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવાનો ભારતના ચૂંટણી પંચનો નિર્ણય અપેક્ષિત જ હતો, એવું કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું. ચૂંટણી પેનલે વિધાનસભા અને સંસદીય બહુમતી ધ્યાનમાં લીધી હતી અને એ અપેક્ષિત હતું કે ચૂંટણી સંસ્થા શાસક પક્ષને ચોક્કસ મદદ કરશે, એવું ચવ્હાણે વધુમાં જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણય સામે કોર્ટમાં જવું જોઇએ, કારણ કે જિલ્લા અને તાલુકા સ્તરે વ્યાપક સમર્થન મળે છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.