પોલીસની વર્દી અલગ અલગ રંગ બતાવ્યા કરે છે. આ વર્દીનો ચહેરો ભલે ધાક જમાવનારો, રોફ જમાવનારો હોય, પરંતુ ખાખી વર્દીમાં પણ કોમળ હૃદય ધબકતું હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. અહીના બે પોલીસ કર્મચારી કિશોર પાટીલ અને સચદેવસિંહ ડ્રગ્સના ફરાર આરોપીને શોધતા એક બસ્તીના નાનકડા રૂમમાં જઈ ચડયા હતા. અહીં આરોપીને બદલે એક વયોવૃદ્ધ દાદા હતા. ખૂબ જ ગંદકી હતી. ઘરમાં અને દાદાના શરીર પર કીડા ફરતા હતા. દાદા પણ ચિથરેહાલ અને ભૂખ્યા હતા. પોલીસે આની જાણ સમાજસેવક મિત્રોને કરી. તેમને અહીંથી બહાર કાઢ્યા. તેમને જમાડ્યા અને તે બાદ તેમને આશરો આપતા સરકારી કેન્દ્રમાં લઈ ગયા. સમાજસેવકોએ તેમની આંખોનું ચેકઅપ કરાવ્યું. દાદાને મોતીયો હોવાનું પણ જાણવા મળ્યું. આ સાથે તેમને નવડાવી-ધોવડાવી તેમને દાઢી કપાવી તેમને સ્વચ્છ કપડા વગેરે પહેરાવી તેમની પૂરતી કાળજી લીધી. પોલીસની માનવતાની વાત સાંભળી સૌએ તેમને સલામ કરી.