પાકિસ્તાનના PM શહેબાઝ શરીફે બ્રિટિશ અખબાર ડેઈલી મેઈલ સામે માનહાનિનો કેસ જીત્યો છે. ડેઈલી મેઈલ તેના પત્રકાર ડેવિડ રોઝના લેખમાં પાક પીએમ શહેબાઝ પર લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયા બાદ અખબારે ગુરુવારે વડા પ્રધાન શેહબાઝ શરીફની માફી માંગી હતી અને તેમના પરના ભ્રષ્ટાચારના તમામ આરોપો પાછા ખેંચી લીધા હતા.
આ અંગે પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે કહ્યું કે વધુ એક દુષ્ટ પ્રચારનો પર્દાફાશ થયો છે. તેમણે ટ્વીટ કર્યું કે વડા પ્રધાન શહેબાઝ શરીફને હવે ભ્રષ્ટાચાર મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
બ્રિટિશ અખબાર ધ મેઈલ ઓન સન્ડે અને ન્યૂઝ વેબસાઈટ મેઈલ ઓનલાઈને 4 જુલાઈ 2019ના રોજ પ્રકાશિત થયેલા એક લેખમાં ભૂલ બદલ પાકિસ્તાનના વડાપ્રધાનની માફી માંગી હતી, જેમાં શરીફ પર બ્રિટિશ વિદેશી સહાયના નાણાંની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તપાસકર્તા પત્રકાર ડેવિડ રોઝનો આ લેખ હવે અખબારની વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે. લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે શેહબાઝ શરીફે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005ના ભૂકંપના પીડિતોના પુનર્વસન માટે યુનાઈટેડ કિંગડમના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DFID) દ્વારા આપવામાં આવેલા ભંડોળની ઉચાપત કરી હતી.