ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે તેઓ નવસારીમાં જનસભાને સંબોધિત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, નવસારી મારા માટે નવું નથી અને હું નવસારી માટે નવો નથી. ભલે તમે મને વડા પ્રધાનનું કામ સોંપ્યું, પરંતુ મારા દિલમાં તો નવસારી પહેલા જે સ્થાને હતું એ જ સ્થાને છે. આજે ગુજરાતની પ્રજામાં ચૂંટણીનો અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ સર્વેનો પ્રેમ અને આશીર્વાદ મને ઉર્જા આપે છે. કોઈ વિચારી નહોતું શકતું કે ગુજરાત વિકાસના કામે નંબર વન બની શકે છે, પરંતુ આજે તે સંભવ થયું છે. મોદી આજે જે છે એ તમારા વોટને કારણે છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે નવસારીના ચીકુ દિલ્હીમાં વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં ચીકુ પહોંચે તે માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. દિલ્હીમાં બધા નેતાઓ નવસારીના ચીકુ ખાતા થઈ ગયા છે અને હવે કમનસીબી એ છે કે ચીકુ નવસારીના ખાય છે અને ગાળો પણ અહીં આવીને આપે છે.
નવસારીમાં વડાપ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, દાંડીયાત્રા એ હિન્દુસ્તાનની આઝાદીનું સ્વર્ણિમ પૃષ્ઠ છે. નમક સત્યાગ્રહની ઘટનાની આખી દુનિયાને ખબર હોવી જોઈએ. પણ જ્યાં સુધી ગાંધી ફિલ્મ ન બની ત્યાં સુધી કૉંગ્રેસવાળાઓને આની ફૂરસદ જ ન હતી. આજે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે હજારો લોકો જઈ રહ્યા છે તેમ દાંડી સ્મારક જોવા જઈ રહ્યા છે.’