વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7, QUAD સહિતની કેટલીક મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય સમિટમાં ભાગ લેવા આજે શુક્રવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે રવાના થવાના છે. વડાપ્રધાન 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ દ્વિપક્ષીય બેઠકો સહિત સમિટમાં 20થી વધુ વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદીનો આ વિદેશ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
જાપાન રવાના થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર જી7 સમિટમાં ભાગ લેવા હું જાપાનના હિરોશિમા જઈ રહ્યો છું. ભારત-જાપાન સમિટ માટે તેમની તાજેતરની ભારત મુલાકાત બાદ વડાપ્રધાન કિશિદાને ફરી મળવું એ આનંદની વાત છે. આ G7 સમિટમાં મારી હાજરી ખાસ કરીને અર્થપૂર્ણ છે, કારણ કે ભારત આ વર્ષે G20 નું પ્રમુખપદ ધરાવે છે. હું G7 દેશો અને અન્ય આમંત્રિત ભાગીદારો સાથે વિશ્વની સામેના પડકારો અને તેમને સામૂહિક રીતે સંબોધિત કરવાની જરૂરિયાત અંગે વિચારોની આપલે કરવા આતુર છું. હું હિરોશિમા G7 સમિટમાં ભાગ લેનારા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરીશ.”
પીએમ મોદીએ કહ્યું, “જાપાન બાદ હું પોર્ટ મોરેસ્બી, પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લઈશ. આ મારી પ્રથમ મુલાકાત હશે, તેમજ કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની પ્રથમ મુલાકાત હશે. હું 22ના રોજ ફોરમ ફોર ઈન્ડિયાની મુલાકાત લઈશ. હું 22 મે 2023ના રોજ ભારત-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC III) સમિટની 3જી સમિટની મેજબાની રાષ્ટ્રપતિ સાથે સંયુક્તરૂપે કરીશ. હું આભારી છું કે તમામ 14 પેસિફિક આઈલેન્ડ કન્ટ્રીઝ(PICs) એ આ મહત્વપૂર્ણ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. FIPIC 2014 માં મારી ફિજીની મુલાકાત દરમિયાન શરૂ કરવામાં આવી હતી અને હું PIC નેતાઓ સાથે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ, ક્ષમતા નિર્માણ અને તાલીમ, આરોગ્ય અને કલ્યાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર પીઆઈસીના નેતાઓ સાથે જોડાવા માટે ઉત્સુક છું.”
વડાપ્રધાન મોદી જાપાનમાં આયોજિત થનારી જી-7 સમિટમાં ભાગ લેશે અને તેમની જાપાન મુલાકાત 19 થી 21 મે સુધી રહેશે. આ દરમિયાન જાપાનમાં જ ક્વાડ ઓર્ગેનાઈઝેશન (QUAD) ના નેતાઓ પણ મળવાના છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ બેઠકમાં ભાગ નહિ લે.