પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની આગામી વિઝિટ દરમિયાન સિડનીમાં યોજાનાર ક્વોડમાં હાજરી આપવા જઈ રહ્યા છે અને આ વાતની જાણ થતાં જ 20000થી વધુ ભારતીયોએ 23મી મેના યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન (IADF) દ્વારા ‘ઓસ્ટ્રેલિયા વેલકમ મોદી’ નામથી આયોજિત એક કાર્યક્રમનું આયોજન થવાનું છે અને આ જ કાર્યક્રમમાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલાં લોકોને મોદીને જોવા અને સંબોધન સાંભળવાની તક પૂરી પાડશે.
PM મોદીના આ કાર્યક્રમને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ અને ઉમંદ જોવા મળી રહ્યો છે. આ ઈવેન્ટ માટે 20000થી વધુ વિદેશી ભારતીયોએ પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી, વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, ભાષાકીય, વ્યવસાયિક, વ્યાવસાયિક અને ધાર્મિક કાર્ય કરતી 300થી વધુ વિદેશી સંસ્થાઓએ સ્વાગત માટે ‘વેલકમ પાર્ટનર્સ’ બનવા માટે નોંધણી કરાવી દીધી છે, એવું IADF દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ માટે અત્યાર સુધીમાં 20,000થી વધુ ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન થતાની સાથે જ 7500થી વધુ લોકોએ સાઇન અપ કર્યું હતું.
વડાપ્રધાન મોદી મે મહિનામાં જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ 23મી થી 24મી મે દરમિયાન સિડનીમાં ક્વાડ સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી છેલ્લે 2014માં ઓસ્ટ્રેલિયા ગયા હતા જ્યારે તેમણે ઓલિમ્પિક પાર્કમાં સિડની સુપરડોમ ખાતે 20,000 લોકોને સંબોધિત કર્યા હતા.
મળી રહેલાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરમત્તા કાઉન્સિલે મોદીને ઔપચારિક રીતે હેરિસ પાર્કની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, જે અનૌપચારિક રીતે ‘લિટલ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે. આ વર્ષે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પીએમ મોદીને ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.