અદાણી વિવાદ પર સંસદમાં સતત ચાલી રહેલા હોબાળા વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપશે. આ દરમિયાન પીએમ મોદી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે.
ગઈ કાલે મંગળવારે 7 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં અદાણી વિશ્વના અમીર લોકોની યાદીમાં 609માં નંબરે હતા અને તેઓ અચાનક બીજા નંબરે આવી ગયા. આ જાદુ કેવી રીતે થયો? સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, એરપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટના કોન્ટ્રાક્ટ અદાણી જૂથને આપવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ ગૃહમાં અદાણી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પછી એક અનેક સવાલો પૂછ્યા. રાહુલ ગાંધીએ ‘અદાણીજી તમારી સાથે કેટલી વખત વિદેશ પ્રવાસે ગયા? PMની વિદેશની મુલાકાત પછી અદાણીએ કેટલી વાર કોન્ટ્રાક્ટ મેળવ્યો? છેલ્લા 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને અદાણી પાસેથી કેટલા પૈસા મળ્યા?’ એવા પ્રશ્નો પૂછ્યા હતા. હિંડનબર્ગ રિપોર્ટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે SBI, LIC ના પૈસા અદાણીની કંપનીમાં કેમ નાખવામાં આવ્યા?
આ સાથે જ રાહુલના આ સવાલો અને આરોપો પર કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે પુરાવા વગર આરોપ લગાવવાનો કોઈ અર્થ નથી. જો તમારા આક્ષેપો સાચા હોય તો દસ્તાવેજો સામે રાખો. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું કે હું કોંગ્રેસને પોતાની વાત સાબિત કરવાનો પડકાર ફેંકું છું.
ત્યારે આજે વડપ્રધાન મોદી પોતે રહુલ ગાંધીના આરોપો અંગે જવાબ આપી શકે છે.