(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવવાનું છે, જેમાં ૨૦ દવાખાનાના લોકાર્પણ સહિત સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હૉસ્પિટલની બિલ્ડિંગ તથા રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના કામનો સમાવેશ થાય છે.
આજે બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સમાં સાંજના મોદીના હસ્તે અનેક પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવવાનો છે, જેમાં હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના આ યોજના હેઠળ ૨૦ નવા દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવવાનું છે. તેમ જ પાલિકાના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન, પાલિકાની ત્રણ હૉસ્પિટલની બિલ્ડિંગનું ભૂમિપૂજન અને પાલિકાના અખત્યાર હેઠળના ૪૦૦ કિલોમીટરની લંબાઈના રસ્તાના કૉંક્રીટીકરણના કામનું ભૂમિપૂજન કરવામાં આવવાનું છે. એ સિવાય મોદી વડા પ્રધાન સ્વનિધી યોજના અંતર્ગત એક લાખથી વધુ ફેરિયાઓને લોન આપવાની યોજનાનો પણ આરંભ કરવાના છે.
પાલિકા વરલી, બાંદ્રા, ધારાવી, વર્સોવા, મલાડ, ભાંડુપ અને ઘાટકોપર એમ સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરવાની છે. આ સાતે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરરોજની કુલ ક્ષમતા ૨૪૬.૪૦ કરોડ લિટર અર્થાત ૨,૪૬૪ મિલિયન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા કરવાની રહેશે. આ સાત ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે ફોર્ટ, ભાયખલા, પેડર રોડ, ગાંવદેવી, હાજીઅલી, પ્રભાદેવી, દાદર, વરલી, માહીમ, બાંદ્રા, ખેરવાડી, બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સ, સાંતાક્રુઝ, માટુંગા, વડાલા, સાયન-કોળીવાડા, બ્રાહ્મણવાડી, અંધેરી(પૂર્વ), વર્સોવા, અંધેરી(પશ્ર્ચિમ), વિલેપાર્લે પૂર્વ અને પશ્ર્ચિમ, ઓશિવરા, દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગાંવ, ઘાટકોપર, માનખુર્દ, ગોવંડી, ચેંબુર, ભાંડુપ, વિક્રોલી, કાંજુરમાર્ગ, મુલુંડ પરિસરને ફાયદો થશે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૧૭ હજાર ૧૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ પ્રોજેક્ટમાં નીકળનારા બાયોગૅસમાંથી વીજળીનું ઉત્પાદન પણ થશે.
આજે ૩૯૭ કિલોમીટર લંબાઈના રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામનો પણ શુભારંભ કરાશે. આ કામ માટે અંદાજે ૬,૦૭૯ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આગામી ૨૪ મહિનામાં રસ્તાના કામ પૂરા કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ શહેર વિસ્તારમાં ૭૨ કિલોમીટરના, પૂર્વ ઉપનગરમાં ૭૧ કિલોમીટર લંબાઈના અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૨૫૪ કિલોમીટરની લંબાઈના રસ્તા બાંધવામાં આવશે.
પાલિકાના ‘એસ’ વોર્ડમાં આવેલા નાહુરગાંવમાં ૩૬૦ બેડની ક્ષમતાની હૉસ્પિટલ બાંધવામાં આવવાની છે. લગભગ ૭૧,૪૫૭.૬૬ ચોરસ મીટર જેટલા ક્ષેત્રફળમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ પ્લસ નવ માળની એમ કુલ ૧૧ માળની ઈમારત હશે. એ સિવાય ૧૦ માળાની કર્મચારીઓને રહેવા માટે પણ ક્વોટર્સ ઊભા કરવામાં આવવાના છે. મોટું પાર્કિંગ પણ ઊભું કરવામાં આવવાનું છે. ગોરેગાંવ (પશ્ર્ચિમ)માં સિદ્ધાર્થ નગરમાં ૩૦૬ બેડ સાથેની ૫૦,૧૩૯ ચોરસ મીટરની જગ્યામાં ૧૩ માળની હૉસ્પિટલ બાંધવામાં આવવાની છે. તેમ જ ૨૦ માળની ક્વોટર્સ બિલ્ડિંગ પણ બાંધવામાં આવવાની છે. ઓશિવરા ગાંવમાં પણ ૧૫૨ બેડની ક્ષમતા સાથેના પ્રસૂતિગૃહનું ભૂમિપૂજન કરવામાં આવશે. એ સિવાય ૨૦ નવા હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.