નવી દિલ્હીઃ રાજસ્થાનમાં મહત્વના પ્રોજેક્ટની લોકાર્પણ કરવામાં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં ગાંધીનગર ખાતે વિવિધ યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આવતીકાલે વડા પ્રધાન મોદી ગાંધીનગરમાં 4,400 કરોડની વિવિધ યોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે, એમ સત્તાવાર જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ. ૧૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહ પ્રવેશ કરાવશે, એમ સત્તાવાર જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસનું લોકાર્પણ, 4331 આવાસનું ખાતમુહુર્ત અને 19000 આવાસમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાના 3,740 ગામમાં 12,000 આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ. 1,946 કરોડના ખર્ચે 42,441 આવાસનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4,000 લાભાર્થી અને ગ્રામીણ વિસ્તારના 3,000 મળીને કુલ 7,000 લાભાર્થી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)ની પણ મુલાકાત લશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ અને ઓટોમેટેડ વેસ્ટ ક્લેકશન સેગ્રીગેશન પ્લાન્ટ સહિત શહેરની મુખ્ય સુવિધાનું નિરીક્ષણ કરશે.