નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો આજે લોકસભામાં એકદમ ધૂંઆધાર અંદાજમાં જવાબ આપ્યો છે. જોકે, આ દરમિયાન વિપક્ષોએ ધમાલ કરી હતી. પહેલાંથી જ હિંડનબર્ગ અને અદાણી મુદ્દે વિપક્ષો આક્રમક થયા હતા. આ બધાને મોદીએ પોતાની અનોખી સ્ટાઈલમાં જવાબ આપ્યો હતો.
કેટલાક લોકોના ભાષણપરથી જ તેમની પાત્રતા ખબર પડે છે, એવી ટીકા કરીને મોદીએ રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે અમે લોકોએ નવ વર્ષનો કાળ જોયો છે, પણ આજે વિપક્ષો એકજૂટ થઈ ગયા છે અને મિલે તેરા મેરા સૂર જેવી પરિસ્થિતિ આજે વિપક્ષોની થઈ ગઈ છે. પરંતુ ખરેખર તો આ લોકોએ ઈડીનો આભાર માનવો જોઈએ કારણ કે ઈડીએ જ આ લોકોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે. દેશની ચૂંટણીના પરિણામો જે કામ કરી શક્યા નહીં એ કામ ઈડીએ કરી દેખાડ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આગળ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભારતે ખુદ જાતે રસી બનાવી દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ભારતમાં ચલાવવામાં આવી હતી. કરોડો નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવી. મુશ્કેલીના આ સમયમાં 150થી વધુ દેશમાં દવાઓ અને વેક્સિન મોકલાવી હતી.
ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બનીને વિકસિત થઈ રહ્યું છે. દુનિયાભરમાં ભારતની સમૃદ્ધિ લોકોને ઊડીને આંખે વળગી રહી છે. નિરાશાની ગર્તામાં ડૂબી ગયેલાં લોકોને દેશની આ પ્રગતિ માન્ય નથી. 140 કરોડ દેશવાસીઓના કષ્ટ અને પરિશ્રમ એ લોકોને નથી દેખાઈ રહ્યા એવું મહેણું પણ પીએમ મોદીએ કોંગ્રેસને માર્યું હતું.