ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાનની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ગઈકાલે સુરતમાં ભવ્ય રોડ શો કર્યા બાદ આજે વડાપ્રધાન ભાવનગર જીલ્લાની મુલાકાતે છે. પાલીતાણામાં તેમણે જાહેર સભા સંબોધી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે તે માટે લાખ પ્રયાસો કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કૃષ્ણસિંહજી મહારાજને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું બીડું ઉઠાવ્યું. મહારાજા કૃષ્ણકુમારસિંહે દેશનો વિચાર કર્યો. ભાવનગરે શરૂઆત કરી આખુ હિન્દુસ્તાન તેની પાછળ ચાલ્યું. જેનું યશ ગોહિલવાડની ધરતીને જાય છે. જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, ત્યા જ રાજવી પરિવારોનું મ્યૂઝિયમ બની રહ્યું છે.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે ગુજરાતની જનતાનો ભરોસો જીતવો હશે તો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છોડવી પડશે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે તે માટે કોંગ્રેસે લાખ પ્રયાસો કર્યા. કોંગ્રેસે કચ્છ કાઠિયાવાડને તરસ્યુ રાખ્યું. 40 વર્ષ સુધી નર્મદાનું પાણી રોકી રાખ્યું, તેવા લોકોના ખભે હાથ મૂકીને લોકો પદયાત્રા કરી રહ્યાં છે. ગુજરાત માફ નહિ કરે.
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની સરકારમાં ગુજરાત અસુરક્ષિત હતું. પહેલાં ગુજરાતમાં બોમ્બધડાકા થતા. આ કારણે જ ગુજરાતમાંથી કોંગ્રેસની વિદાય થઈ. ભાજપની સરકારમાં ગુજરાત સુરક્ષિત થયું. ગુજરાતમાં ગામડું કે શહેર એકતાનું વાતાવરણ ભાજપની સરકારમાં થયું.
તમારે મારું અંગત કામ કરવાનું છે, ઘરે ઘરે જઈને વડીલોને પ્રણામ કરીને કહેવાનું છે કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને નમસ્કાર કર્યા છે.