ખ્રિસ્તી સમુદાયના પવિત્ર તહેવાર ઈસ્ટર ડેના અવસર પર પીએમ મોદી રવિવારે સાંજે દિલ્હીના ગોલ ડાક ખાના સ્થિત સેક્રેડ હાર્ટ ચર્ચ પહોંચ્યા હતા. અહીં ચર્ચના ફાધર ફ્રાન્સિસ સ્વામીનાથન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પીએમ મોદીએ ચર્ચમાં આયોજિત પ્રાર્થનામાં હાજરી આપી હતી. પીએમ મોદીએ ચર્ચના કેન્ડલ સેરેમનીમાં હાજરી આપી હતી. અહીં પીએમએ મીણબત્તી પ્રગટાવી અને દેશની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ પછી તેમણે ચર્ચના પરિસરમાં એક છોડ રોપ્યો.
પીએમ મોદીનાની ચર્ચમાં હાજરીને લઈને સેક્રેડ હાર્ટ કેથેડ્રલ કેથોલિક ચર્ચના ફાધર ફ્રાન્સિસ સ્વામીનાથને કહ્યું હતું કે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ, કારણ કે પહેલીવાર કોઈ વડાપ્રધાન આ ચર્ચમાં આવી રહ્યા છે. તેમનું આગમન એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે તેઓ સબકા સાથ સબકા વિકાસમાં તમામ ધર્મોને સાથે લઈને ચાલે છે.
PMએ સવારે ટ્વીટ કરીને લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, “હેપ્પી ઇસ્ટર! આ વિશેષ અવસર આપણા સમાજમાં શાંતિ અને સંવાદિતાની ભાવનાને વધુ ઊંડી કરે તેવી પ્રાર્થના. આ તહેવાર લોકોને સમાજની સેવા કરવા અને વંચિતોના સશક્તિકરણ અને મદદ માટે પ્રેરણા આપે છે. આ દિવસે આપણે ભગવાન ઇસુ ખ્રિસ્તના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ.”