નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નોર્થ ઈસ્ટની મુલાકાતે ગયા છે. વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર હલ્લા બોલ કર્યું હતું. મેઘાલય ખાતે લોકોને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે મોદી સરકાર બધા ધર્મો માટે કામ કરે છે અને ભાજપ ક્યારેય જાતિ-ધર્મના આધાર પર ભેદ-ભાવ નથી કરતી.
મેઘાલયમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકાર કેરળની ક્રિશ્ચન નર્સને ઈરાકથી આંતકવાદીઓની ચૂંગાલમાંથી બચાવી લાવી હતી અને અમે લોકોએ બધા જ ધર્મના લોકો માટે કામ કર્યું છે. મેઘાલય સહિત સંપૂર્ણ નોર્થ-ઈસ્ટના વિકાસ માટે અમે અમારા જૂના વિચારો અને અપ્રોચને બદલી નાખ્યો છે. કોંગ્રેસની સરકાર આ વિસ્તારને દેશનો છેલ્લો વિસ્તાર માનતી હતી, પરંતુ બીજેપી સરકાર નોર્થ ઈસ્ટને દેશના વિકાસ માટે ગ્રોથ એન્જિન માને છે.
તેમણે એવો દાવો પણ કર્યો હતો અમુક રાજકીય પક્ષોને લાગી રહ્યું છે કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી એમનું કંઈ જ થવાનું નથી. આ જ કારણે તેઓ હતાશ અને નિરાશ છે. કેટલાક પક્ષો મોદીના મરવાની રાહ જોઈ રહ્યા છે.
આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મેઘાલયમાં બીજી સરકાર એટલે ઘોટાળા અને કૌભાંડથી મુક્ત સરકાર છે. રાજ્યમાં બીજેપી સરકાર ગરીબોને પાકું ઘર, વીજળી અને પાણી આપવાવાળી સરકાર છે. મેઘાલયમાં મોદી સરકાર એટલે અહીંની મહિલાઓ, બહેનો અને દીકરીઓની મુશ્કેલી ઓછી કરનારી સરકાર…
કેન્દ્ર સરકારે છેલ્લાં નવ વર્ષમાં નોર્થ-ઈસ્ટના બજેટમાં ખૂબ વૃદ્ધિ કરી છે. સબકા સાથ, સબકા વિશ્વાસને ધ્યાનમાં લઈને સરકારે કામ કર્યું છે.