મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનના પત્ની અમૃતા ફડણવીસ ફરી એકવાર પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે આપણા દેશમાં બે રાષ્ટ્રપિતા છે. જ્યારે મહાત્મા ગાંધી જૂના સમયના રાષ્ટ્રપિતા હતા, તો પીએમ નરેન્દ્ર મોદી નવા ભારતના પિતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે મંગળવારે ‘અભિવ્યત વૈદર્બિયા લેખક સંઘ’ દ્વારા આયોજિત ‘અભિરૂપ કોર્ટ’ નામના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. ત્રણ વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે પીએમ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. ત્યારે પણ તેમના પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ તે પોતાના નિવેદન પર અડગ છે. વધુમાં અમૃતા ફડણવીસે કહ્યું હતું કે, ‘હું ક્યારેય રાજકીય નિવેદન આપતી નથી. મને તેમાં રસ નથી. સામાન્ય લોકો મારા નિવેદનોને ટ્રોલ કરતા નથી. એનસીપી કે શિવસેનાના ઈર્ષાળુ લોકોનું આ કામ છે. હું તેમને બહુ મહત્વ નથી આપતી.
અમૃતાએ વધુમાં કહ્યું હતું કે તેઓ માત્ર તેમની માતા અને સાસુથી ડરે છે. તેઓ બહુ રાજકીય નિવેદન આપાનું પસંદ નથી કરતા કારણ કે તેનાથી તેમને અને દેવેન્દ્ર ફડણવીસને બંનેને નુક્સાન થાય છે અને લોકો તેનો ફાયદો ઉઠાવે છે.
અમૃતા ફડણવીસે આ કાર્યક્રમમાં આગળ જણાવ્યું હતું કે, ‘જે લોકો રાજનીતિ અને સમાજ માટે 24 કલાક આપી શકે છે અને જે તેના લાયક છે, તેમણે જ મુખ્ય પ્રધાન બનવું જોઈએ. દેવેન્દ્રજી સમાજના કામ માટે 24 કલાક આપે છે. હું મારા 24 કલાક રાજકીય કામ માટે આપી શકતી નથી. તેથી જ મને રાજકારણમાં જોડાવામાં કોઈ રસ નથી.”
આ કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે વેશ્યાઓ અંગે પણ પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘વેશ્યાવૃત્તિના ધંધાને પણ પ્રતિષ્ઠા મળવી જોઈએ. વેશ્યાઓને સમાજના બાકીના લોકોની જેમ સન્માન મળવું જોઈએ. નવી વેશ્યાઓ તૈયાર ન થાય તે માટે દલાલો અને એજન્ટો સામે પગલાં લેવા જોઈએ. સંજોગોને કારણે ઘણી સ્ત્રીઓ આ દલદલમાં ધકેલાઈ જાય છે. તે પછી તે ક્યારેય બહાર નથી આવી શકતી. તેમના બાળકો માટે કંઈક કરવું જોઈએ.