સાંસદ તરીકેનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર મિડીયા સામે આવ્યા હતા. જ્યાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સામે આંગળી ચિંધી હતી. દેશની લોકશાહી પર રોજ આક્રમણ થઇ રહ્યું છે એવું રાહુલ ગાંધીએ કહ્યું હતું. અદાણીની શેલ કંપનીમાં 20 હજાર રુપિયા કોણે રોક્યા? એવો પ્રશ્ન પણ રાહુલ ગાંધીએ ઉભો કર્યો હતો. વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચે આખરે શું સંબંધ છે? આ પ્રશ્ન હું પૂછતો જ રહીશ એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા ભાષણોથી ડર લાગે છે એટલે જ મારું સાંસદનું પદ રદ કર્યું હોવાનું પણ રાહુલ ગાંધી બોલ્યા. આ તમામ વાત રાહુલ ગાંધીએ દિલ્લીના કોંગ્રેસના મુખ્યાલયમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચે આખરે સંબંધ શું છે? આ સંદર્ભે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો એટલે તરત જ ભાજપે બૂમાબૂમ શરુ દીધી. સંસદમાં મારા પર ખોટાં આરોપ કરવામાં આવ્યા, છતાં હું પ્રશ્ન પૂછવાનું બંધ નહીં કરું, મને કોઇ રોકી નહીં શકે. હું કોઇના થી ડરતો નથી. અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ રુપિયા કોણે રોક્યા? આ તમામ પ્રશ્નોના જવાબ જોઇએ છે એમ પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધી ફરી એકવાર તેમના વક્તવ્યમાં ફરી એકવાર સાવરકારનું નામ લઇ આવ્યા. તેમણે કહ્યું કે આ દેશે મને બધુ જ આપ્યું છે. પ્રેમ, સન્માન બધુ જ. તેમણે જણાવ્યું કે હું વડાપ્રધાન મોદી અને અદાણીના સંબંધો દેશ સામે લાવી ને રહીશ. સાંસદ પદ રદ કરી તો પણ હું ડરતો નથી. મારું નામ ગાંધી છે, હું કોઇની માફી નહીં માંગુ. ગાંધી ક્યારેય માફી માંગતા નથી. માફી માંગવા હું સાવરકર નથી એમ પણ રાહુલે કહ્યું.