વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસીમાં ટેન્ટ સિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે વડાપ્રધાને વારાણસી-ડિબ્રુગઢ વચ્ચે ચાલનારી રીવર ક્રૂઝ MV ગંગા વિલાસને પણ લીલી ઝંડી બતાવી હતી. લોંચ ઈવેન્ટમાં કેન્દ્રીય પ્રધાન એસ સોનોવાલ, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને આસામના સીએમ એચબી સરમાએ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ બાદ કહ્યું કે, “રીવર ક્રૂઝ ગંગા વિલાસનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગંગા નદી આપણા માટે માત્ર એક પાણીનો પ્રવાહ નથી, પરંતુ પ્રાચીન સમયથી માં ગંગા તપ-તપસ્વીની સાક્ષી રહી છે. મા ગંગાએ હંમેશા ભારતીયોનું પાલન-પોષણ કર્યું છે. આઝાદી બાદથી ગંગા કિનારાનો પટ્ટો પછાત બનતો ગયો. લાખો લોકોએ સ્થળાંતર કર્યું, આ પરિસ્થિતિ બદલવી જરૂરી હતી અને અમે નવી વિચારસરણી સાથે કામ કરવાનું શરૂ કર્યું. એક તરફ અમે નમામિ ગંગે દ્વારા ગંગાની સ્વચ્છતા માટે કામ કર્યું, તો બીજી તરફ અર્થ ગંગા પર પણ કામ કર્યું. સર્જન કર્યું. આર્થિક પ્રવૃત્તિઓ માટે નવું વાતાવરણ બનાવ્યું.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ગંગા વિલાસનું ઉદ્ઘાટન કોઈ સામાન્ય ઘટના નથી. તેમણે કહ્યું, “જેમ કે જ્યારે કોઈ દેશ પોતાના દમ પર અવકાશમાં ઉપગ્રહ સ્થાપિત કરે છે, ત્યારે તે તે દેશની ટેકનિકલ ક્ષમતા દર્શાવે છે. તેવી જ રીતે 3200 કિલોમીટરથી વધુની આ યાત્રા, ભારતમાં જળમાર્ગોના વિકાસ અને નદીના જળમાર્ગોના વિકાસને આગળ ધપાવે છે. આ માટે બનાવવામાં આવી રહેલા આધુનિક સંસાધનોનું તે જીવંત ઉદાહરણ છે.”
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “ક્રુઝ પ્રવાસનનો નવો તબક્કો આ વિસ્તારમાં રોજગાર અને સ્વ-રોજગારની નવી તકો પ્રદાન કરશે. વિદેશી પ્રવાસીઓ તેમજ દેશના પ્રવાસીઓ માટે આ એક વિશેષ અનુભવ હશે. આ ક્રૂઝ જ્યાંથી પસાર થાય છે ત્યાં વિકાસની નવી રોશની લાવશે.”
MV ‘ગંગા વિલાસ’ ક્રૂઝમાં 36 પ્રવાસીઓ ક્ષમતા છે. તેના પર તમામ સુવિધાઓ અને 18 સ્યુટની ક્ષમતા સાથે ત્રણ ડેક છે. ક્રૂઝમાં જિમ, સ્પા સેન્ટર, લાઇબ્રેરી અને અન્ય વસ્તુઓ છે. હાલ સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીના 31 મુસાફરોનું એક જૂથ ક્રૂઝમાં સવાર છે અને જહાજના 40 ક્રૂ સભ્યો સાથે ક્રૂઝ માટે પ્રથમ પ્રવાસ પર રવાના થઈ ગયું છે.