ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ત્રણ દિવસીય સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. જે દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટમાં દેશ અને દુનિયાના ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ભાગ લઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું કે હું મુખ્ય અતિથિ છું પરંતુ હું યુપીનો સાંસદ પણ છું, તેથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. 2017માં રાજ્યમાં સત્તા પરિવર્તન થયા બાદ જ વીજળીથી લઈને કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. આ ફેરફાર માત્ર છ વર્ષમાં થયો છે. યુપી હવે આખા દેશ માટે આશા અને ઉમ્મીદનું કેન્દ્ર બની ગયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે યુપીને બિમારુ રાજ્ય કહેવામાં આવતું હતું. બધાએ યુપીમાંથી આશા છોડી દીધી હતી, પરંતુ છેલ્લા 5-6 વર્ષમાં યુપીએ પોતાની નવી ઓળખ બનાવી છે. હવે યુપી તેના સુશાસન માટે ઓળખાય છે. યુપી દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે બહુ જ ટૂંક સમયમાં યુપી દેશના એક માત્ર એવા રાજ્ય તરીકે ઓળખાશે જે 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે, યુપીમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને લઈને સરકારી વિચાર અને અભિગમમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.
તેમણે કહ્યું કે આજે વિશ્વમાં બધા માને છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધતી રહેશે. તેની પાછળનું સૌથી મોટું કારણ ભારતીયોનો વધતો આત્મવિશ્વાસ છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં વિકાસનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ રાજ્ય ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. આ જ કારણ છે કે રાજ્યમાં રોકાણ માટે યુપી ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં 18643 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યમાં 29 લાખ 92 હજાર કરોડના રોકાણનો માર્ગ ખુલ્યો છે. આ સાથે 92 લાખ 50 હજારથી વધુ નોકરીઓ અને રોજગારી મળશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે કાયદો અને વ્યવસ્થામાં સુધારો અને બિઝનેસ કરવામાં સરળતાને કારણે યુપી નવા ભારત માટે આશાનું કેન્દ્ર બની ગયું છે.