ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. વલસાડના કપરાડાના નાનાપોંઢામાં જંગી ભવ્ય રોડ શો બાદ PM મોદીએ તેમણે જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના લોકો લડે છે.
પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યુ કે, મારા માટે તો ‘A’ ફોર આદિવાસી થાય છે. મારા માટે સૌભાગ્યની વાત છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે. દિલ્હીમાં પણ હવે વાવડ આવે કે, ગુજરાતના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે.
તેમણે વધુમાં કહ્યું કે આ વખતે જૂના બધા રેકોર્ડ તૂટશે. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ. રાજકારણમાં વર્ષોથી એક પેઢી ચાલ્યા કરે છે. ભાજપ સતત નવા લોકોને આગળ કરી રહી છે. આ વખતે પણ ગુજરાતમાં જનતા ભાજપને વિજય વાવટો લઈને નીકળી પડી છે. આ ચૂંટણી ભાજપ નહિ લડે, આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના લોકો લડે છે.
ગુજરાતે વિકાસના માપદંડમાં અનેક રેકોડ બનાવ્યા છે. અસ્થિરતામાંથી ઉભા થયેલા આપણે લોકો છીએ. વાર તહેવારે હુલ્લડ થાય, ભૂકંપમાઁથી આપણે ઉભા થયા છીએ, આ બધા પડકારોને ઝીલ્યા અને બધામાંથી રસ્તો કાઢીને આપણે ગુજરાતીઓએ ભેગા થઈને ગુજરાતને આગળ પહોંચાડ્યુ છે. દરેક ગુજરાતીએ લોહી પરસેવો એક કરી ગુજરાત બનાવ્યું છે.
તેમણે કહ્યું કે, નફરતા ફેલાવનારા લોકોને ગુજરાત ક્યારેય પસંદ કરતુ નથી. વર્ષોથી ગુજરાત વિરુદ્ધ કામ કરતી ટોળકીને હવે ગુજરાત પારખી ગયું છે. તેમને તકલીફ થઈ રહી છે.