જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે શુક્રવારે જાપાનના હિરોશિમા પહોંચ્યા હતા. આજે શનિવારે સવારે વડાપ્રધાન મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અનાવરણ બાદ તેમણે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અનાવરણ બાદ પત્રકારો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે પણ ‘હિરોશિમા’ શબ્દ સાંભળીને દુનિયા ડરી જાય છે. મને G7 સમિટ માટે જાપાનની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી. હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે.
પીએમ મોદીએ કહ્યું, “મારા માટે એ જાણવું ગર્વની વાત છે કે મેં જાપાનના પીએમને જે બોધિ વૃક્ષ ભેટમાં આપ્યું હતું તે અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્વ સમજી શકે. હું મહાત્મા ગાંધીનું સન્માન કરું છું. ”
G7ના સભ્ય દેશોના નેતાઓ હાલમાં 19-21 મે દરમિયાન હિરોશિમામાં આયોજિત સમિટમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. આ સમિટ એ એક આંતરરાષ્ટ્રીય મંચ છે જે દર વર્ષે G7 સભ્ય દેશો ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડા અને યુરોપિયન યુનિયનના નેતાઓ માટે યોજાય છે.