બેલ્લારીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવી ગયું છે, જેમાં કોંગ્રેસના વિવાદાસ્પદ ઢંઢેરાને કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર આક્રમક પ્રહારો કર્યા હતા. કર્ણાટકનાં બેલ્લારીમાં એક જનસભાની રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસનાં ઘોષણાપત્રમાં ઘણાં ખોટા વાયદાઓ છે. કોંગ્રેસનું ઘોષણાપત્ર એટલે કે તાળાબંધી અને તુષ્ટિકરણનો સમૂહ. જોકે, કોંગ્રેસની સ્થિતિ એટલી તો કફોડી થઈ ગઈ છે કે તેમના પગ કંપી રહ્યાં છે અને તેથી જ કોંગ્રેસને મારા ‘જય બજરંગ બલી’ બોલવામાં પણ મુશ્કેલી લાગે છે, એમ તેમણે જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’નો રેલીમાં ઉલ્લેખ કર્યો હતો. પોતાની મતબેંક માટે કોંગ્રેસે આતંકવાદની સામે માથું નમાવ્યું છે. આવી પાર્ટી શું ક્યારેય કર્ણાટકની રક્ષા કરી શકશે? આતંકનાં માહોલમાં અહીંનાં ઉદ્યોગ, આઈટી, ખેતીવાડી અને ગૌરવમયી સંસ્કૃતિ બધું જ નષ્ટ થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં આતંકવાદનું વધુ એક ભયંકર સ્વરૂપ પેદા થઈ ગયું છે. બોમ્બ, બંદૂક અને પિસ્તોલનાં અવાજો સંભળાઈ રહ્યાં છે, પરંતુ સમાજને અંદરથી ખાલી/નષ્ટ કરવાનો કોઈ અવાજ નથી હોતો.
કેરલા સ્ટોરીની અત્યારે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે પણ કેરલા સ્ટોરી માત્ર રાજ્યમાં થયેલા આતંકી ષડયંત્રો પર આધારિત છે. દેશનું આટલું સુંદર રાજ્ય કે જ્યાંના લોકો આટલા પરિશ્રમી અને પ્રતિભાશાળી હોય છે તે કેરળમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિનાં ખુલાસા આ ફિલ્મમાં કરવામાં આવ્યાં છે. જોકે, આ ફિલ્મનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે. એટલું જ નહીં, આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારા લોકોની સાથે કોંગ્રેસ પાછલા દરવાજામાંથી રાજકીય સોદા પણ કરી રહી છે, એવું તેમણે જણાવ્યું હતું.