અત્યારે સોશિયલ મીડિયા પર બે પત્રો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને આ બંને પત્રોનું એકબીજા સાથે કનેક્શન છે. આ બે પત્રમાંથી એક પત્ર બીજા ધોરણમાં ભણતાં બાળકે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે અને બીજો પત્ર છે પીએમ મોદીનો કે જે એમણે આ બાળકને જવાબમાં લખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે પીએમને પત્ર લખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 30 ડિસેમ્બર 2022ના પીએમ મોદીના માતા હીરાબાનું નિધન થયું હતું. 6-7 વર્ષના આરૂષ શ્રીવાસ્તવે પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરી છે.
ભાજપના નેતા અને ધારાસભ્ય ખુશબુ સુંદરે આ બંને પત્રો ટ્વીટ કર્યા હતા અને ધારાસભ્ય ખુશબુ સુંદર દ્વારા શેર કરવામાં આવેલા ટ્વીટમાં આરૂષ શ્રીવાસ્તવના પત્રને પોસ્ટ કરવામાં આવ્યો છે. આરૂષ શ્રીવાસ્તવે પોતાના શોક પત્રમાં લખ્યું છે કે વડાપ્રધાન જી નમસ્કાર, આજે જ ટીવી પર તમારા પરમપ્રિય માતના નિધનના સમાચાર જોઈને ખુબ દુખ થયું. મહેરબાની કરીને તમે મારી સંવેદનાઓ સ્વીકાર કરો, હું પ્રાર્થના કરૂ છું કે ઈશ્વર તમારા સદ્ગતની આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. પ્રણામ. આરૂષ શ્રીવાસ્તવના આ પત્ર પર પીએમ મોદીએ પણ વળતો જવાબ આપ્યો છે અને લખ્યું છે કે આરુષ શ્રીવાસ્તવ જી, મારા માતાના નિધન પર વ્યક્ત કરેલી તમારી હાર્દિક સંવેદનાઓ માટે હું આભાર વ્યક્ત કરૂ છું.
માતાનું નિધન થવું ક્યારેય ના પૂરી શકાય એવી ક્ષતિ હોય છે અને તેની પીડા શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. તમારા વિચારો અને પ્રાર્થનાઓમાં જગ્યા આપવા માટે હું તમારો આભારી છું, તમારી આ પ્રાર્થના મને આ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ અને હિંમત પ્રદાન કરે છે. હું ફરી એક વખત તમારી સંવેદનાઓ માટે આભાર વ્યક્ત કરૂ છું. ખુશબુ સુંદરે બંને પત્રને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા હતા અને લખ્યું હતું કે આ એક સાચા સ્ટેટ્સમેનની ખાસિયત છે કે તે એક બાળક દ્વારા લખેલા પત્રનો જવાબ પણ આપે છે. તેમના અનુસાર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ જવાબી પત્ર જીવન બદલનાર સંકેત છે. તેવામાં આ સંકેત આ યુવાના જીવનને સાચી દિશા આપી શકે છે.