કર્ણાટક વિધાનસભાનો ચૂંટણી પ્રચાર હવે તેના અંતિમ ચરણમાં છે. ત્યારે આજે કર્ણાટકમાં રાજકીય રવિવાર જોવા મળશે. એક તરફ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે તો બીજી બાજુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર કરતા દેખાશે. ત્યારે આજે કર્ણાટકમાં ચારે બાજુ પ્રચારનો પ્રસાર જોવા મળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
કર્ણાટક વિધાન સભાની ચૂંટણીના પ્રચારના અંતિમ ચરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલોરમાં 36 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. પીએમ મોદીનો આ રોડ શો બે વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. જેમાંથી એક એટલે કે 26 કિલો મીટર લાંબો રોડ શો આગલા દિવસે એટલે કે 6 મે, ના રોજ યોજવામાં આવ્યો હતો. ત્યારે આજે 7 મે, ના રોજ બીજો 10 કિલો મીટર લાંબો રોડ શો યોજવામાં આનાર છે. રોડ શો બાદ વડા પ્રધાન શિવમોગ્ગા અને મૈસુર આ બે જગ્યાએ જાહેર સભા લેશે.
ભાજપ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલોરમાં હશે. જ્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ બેલગામ અને બીજા અન્ય વિસ્તારમાંથી પ્રચાર કરશે. અમિત શાહ અહી ચાર રોડ શો અને જાહેર સભાને સંબોધીત કરશે. ત્યારે કોંગ્રેસ પણ પ્રચારમાં પાછળ પડે તેમ નથી. કોંગ્રેસ તરફથી પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બેંગલોરમાં હશે જ્યારે પ્રિયંકા ગાંધી સાથે રોડ શોમાં પણ જોડાશે. ઉપરાંત પ્રિયંકા ગાંધી બે રોડ શો અને હે જાહેર સભાને સંબોધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રચાર માટે સોનિયા ગાંધી પણ મેદાનમાં ઉતર્યા છે. ગઇ કાલે એટલે 6 મે, ના રોજ સોનિયા ગાંધીએ હુબળી ખાતે રેલીને સંબોધિત કરી હતી. તેમની સાથે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે પણ ઉપસ્થિત હતાં. ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પણ ગઇ કાલે કર્ણાટકમાં જાહેર સભા યોજાઇ હતી. પાછલાં ચાર વર્ષોમાં પહેલીવાર સોનિયા ગાંધી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. સોનિયા ગાંધીએ હુબળી-ધારવાડ સેંટ્રલમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટર માટે જાહેર સભાનું સંબોધન કર્યુ હતું. ભાજપમાંથી ટિકીટ ન મળતા જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં આવ્યા છે. ત્યારે ભાજપમાંથી હુબળી-ધારવાડ મતદારસંઘમાંથી મહેશ ટેંગીનકાઇને ઉમેદવારી આપવામાં આવી છે.