મન કી બાત નો 100મો એપિસોડ આજે રજુ થયો
માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું 100મું પ્રસારણ ઐતિહાસિક બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ આજે એટલે કે 30 એપ્રિલ 2023ના રોજ પ્રસારિત થયો હતો, જેને વિશ્વના તમામ ભાગોમાં લાખો લોકોએ સાંભળ્યો હતો. આ એક ઐતિહાસિક ક્ષણ પણ હતી, કારણ કે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આ એપિસોડનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
મન કી બાત કાર્યક્રમે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે, ઉપરાંત આ કાર્યક્રમ દ્વારા કેટલીક એવી અનામી વ્યક્તિઓને દેશમાં ઓળખ મળી છે, જેમને કોઈ યોગ્ય રીતે ઓળખતું પણ નહોતું. આ વ્યક્તિઓએ દેશ અને સામાજિક સુધારણા જેવા કે સ્વચ્છતા, બેટી બચાવો-બેટી પઢાવો, પાણી બચાવો, ફિટ ઈન્ડિયા, ડ્રગ્સથી દૂર રહીએ, મહિલા સશક્તિકરણ જેવા કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવા છતાં, ગુમનામ જીવન જીવી રહ્યા હતા. ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દરેકને આવી અનામી હસ્તીઓનો પરિચય કરાવ્યો હતો.
અજાણ્યા હીરોને દેશમાં ઓળખ મળી:- પીએમ મોદીનો આ કાર્યક્રમ સમાજના નાયકોની ઓળખ અને તેમને સન્માન આપવા સાથે સમાજને પ્રેરણા આપવાનું એક માધ્યમ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 700થી વધુ વ્યક્તિઓ-સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે અને તેમની સિદ્ધિઓ અને ગર્વની પળો શેર કરી છે. ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડના અવસરે અમે તમને કેટલીક એવી હસ્તીઓ વિશે જણાવીએ છીએ જેમના કામની ખુદ વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી છે.
મેરઠના ગૌતમ પાલ:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યક્રમમાં મેરઠના રહેવાસી ગૌતમ પાલનું નામ લીધું હતું. ગૌતમ પાલ છેલ્લા બે દાયકાથી દિવ્યાંગો માટે કામ કરી રહ્યા છે. તેમણે વિકલાંગોના હિતમાં ઘણાં પગલાં લીધાં છે અને સરકારની યોજનાઓને દિવ્યાંગો સુધી પહોંચાડવામાં મદદ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગૌતમ પાલ પોતે દિવ્યાંગ છે. તેમનો ડાબો પગ પોલિયોથી પ્રભાવિત છે.

પુસ્તકોવાળી દીદી:- વડા પ્રધાન મોદી કોવિડ સમયગાળા દરમિયાન મધ્ય પ્રદેશના સિંગરૌલીની સરકારી શિક્ષિકા ઉષા દુબેના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા. PMએ મન કી બાત કાર્યક્રમમાં શિક્ષિકા ઉષા દુબેના વખાણ કર્યા હતા. ટીચર ઉષા દુબેએ કોવિડના સમયમાં બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે મોબાઈલ લાઈબ્રેરી શરૂ કરી હતી.

પિથોરાગઢની બસંતી દેવી:- ઉત્તરાખંડના પિથોરાગઢની રહેવાસી બસંતી દેવી કોસી નદીના અસ્તિત્વ માટે લડી રહ્યા છે. તેમણે પોતાના અભિયાનમાં ઘણી મહિલાઓ જોડી છે અને કોસી નદીને બચાવવા માટે અભિયાન ચલાવ્યું છે. તેમની પહેલથી વડાપ્રધાન મોદી ખૂબ જ પ્રભાવિત થયા હતા. PMએ મન કી બાત કાર્યક્રમમાં તેમની પ્રશંસા કરી હતી.

ડિજિટલ નાઝમીન:- ડિજિટલ ઈન્ડિયા એ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે. પીએમ મોદીના આ સ્વપ્નને સાકાર કરવામાં સ્ટ્રીટ વેન્ડરોએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સ્ટ્રીટ વેન્ડર્સમાં ઉજ્જૈનના રહેવાસી નાઝમીનનો પણ સમાવેશ થાય છે, જેમણે લોકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વિશે જાગૃત કર્યા હતા. લોકો તેમને ડિજિટલ નાઝમીનના નામથી પણ બોલાવવા લાગ્યા છે. ખુદ પીએમ મોદીએ પણ તેમના વખાણ કર્યા હતા.

ઝારખંડના સંજય કશ્યપ:- ઝારખંડના રહેવાસી સંજય કશ્યપને લાઇબ્રેરી મેન કહેવામાં આવે છે. તેમનું આઈપીએસ બનવાનું સપનું હતું, પરંતુ ગરીબી આમાં મોટો અવરોધ બની ગઈ, કારણ કે પૈસાના અભાવે તેઓ વાંચવા માટે પુસ્તકો પણ ખરીદી શકતા નહોતા. બાદમાં, જ્યારે તેમને સરકારી નોકરી મળી, ત્યારે તેમણે તેમના મૂળ ગામમાં અને તેમના પોસ્ટિંગ વિસ્તારમાં લગભગ 40 પુસ્તકાલયો બંધાવ્યા. વડાપ્રધાન મોદીએ તેમના કામની પ્રશંસા કરી હતી.

હરિયાણાના સુનીલ જગલાન:- હરિયાણાના રહેવાસી સુનીલ જગલાને પોતાની દીકરીઓ માટે એક અનોખી પહેલ કરી હતી. તેમણે ‘સેલ્ફી વિથ ડોટર’ અભિયાન શરૂ કર્યું હતું, જેણે દેશભરમાં તેની છાપ છોડી હતી. પીએમ મોદીએ પણ આ અભિયાનની પ્રશંસા કરી હતી.

સ્પેરો મેન ‘ઇન્દરપાલ સિંહ બત્રા:- PM મોદીએ મન કી બાતમાં ‘સ્પેરો મેન’ ઇન્દરપાલ સિંહ બત્રાની વાર્તા સંભળાવી હતી. વારાણસીના રહેવાસી ઈન્દરપાલ સિંહ બત્રાએ સ્પેરોને બચાવવા માટે પહેલ કરી છે. આ માટે તેમણે પોતાના ઘરને માળો બનાવ્યો છે. સ્પેરો સાથે અનેક પક્ષીઓ અહીં આવવા લાગ્યા છે.

‘ટનલ મેન’ અમાઈ મહાલિંગા નાઈક:- મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કર્ણાટકના ખેડૂત અમાઈ મહાલિંગા નાઈકના સંઘર્ષની વાર્તાથી દેશવાસીઓને પરિચય કરાવ્યો હતો. પીએમ મોદીએ કિસાન નાઈકનું નામ ‘ટનલ મેન’ પણ રાખ્યું હતું. નોંધનીય છે કે આ ખેડૂતે પહાડો કાપીને ખેતી માટે ફળદ્રુપ જમીન તૈયાર કરી હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં તેઓ પહાડ કાપીને ભૂગર્ભજળ લાવ્યા હતા.

‘કર્મવીર’ દિવ્યાંગ રાજુ:- વડાપ્રધાન મોદી પઠાણકોટના દિવ્યાંગ રાજુના સમાજ સેવાના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. દિવ્યાંગ રાજુનો PM મોદીએ મન કી બાતમાં કર્મવીરના નામથી ઉલ્લેખ કર્યો હતો, કારણ કે દિવ્યાંગ રાજુએ કોવિડ સમયે પોતાની વ્હીલ ચેરની મદદથી ઘણા લોકોને મદદ કરી હતી.

મણિપુરી કલાકાર લૌરેમ્બમ બીનો દેવી:- મણિપુરી કલાકાર લૌરેમ્બમ બીનો દેવીએ તેમની સ્થાનિક હસ્તકલાને જીવંત રાખવા માટે પગલાં લીધાં છે. લગભગ 80 વર્ષના બીનો દેવી આજે પણ મણિપુરી હસ્તકલા માટે કામ કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ખુદ તેમના વખાણ કર્યા હતા.
