Homeલાડકીગવર્નર એન્ડરસનને ગોળીએ દેવાની યોજના ઘડનાર : ઉજ્જવલા મજૂમદાર

ગવર્નર એન્ડરસનને ગોળીએ દેવાની યોજના ઘડનાર : ઉજ્જવલા મજૂમદાર

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

બાપ તેવા બેટા… આ કહેવત તો સહુએ સાંભળી હશે, પણ બંગાળની ઉજ્જવલા મજૂમદારનાં જીવન અંગે જાણીને કહેવું પડે કે, પિતા તેવી પુત્રી…!
ઢાકાનિવાસી ક્રાંતિકારી સુરેશચંદ્ર મજૂમદારને ઘેર ૨૧ નવેમ્બર ૧૯૧૪ના ઉજ્જવલાનો જન્મ થયો. પુત્રીનાં લક્ષણ પારણામાં.. કુટુંબમાં કોઈ એક વ્યક્તિ દેશપ્રેમના રંગે રંગાઈ જાય છે ત્યારે એના સંગમાં પરિવાર પણ દેશભક્તિના રંગમાં રંગાય છે. દેશ માટે કંઇક કરી છૂટવાની તમન્ના જાગી ઊઠે છે. દેશ માટે સંકટોનો સામનો કરવાનું સાહસ અને દેશ માટે મરી ફીટવાની ભાવના મન પર સવાર થઇ જાય છે. ઉજ્જવલા સાથે પણ એવું જ થયું. એને ગળથૂથીમાં જ દેશભક્તિનાં સંસ્કારો મળ્યાં.
બાળક નાનું હોય ત્યારે માતાપિતા એને વાર્તાઓ સંભળાવે, રમકડે રમાડે અને હાલરડાં ગાઈને પોઢાડે, પણ ઉજ્જવલાનું બચપણ અનોખું હતું. એ નાનપણથી પિતા સુરેશચંદ્ર પાસે દેશની આઝાદી માટે થઇ રહેલાં કાર્યો અંગે સાંભળતી. એ કામો પાર પાડવા પિતાએ કેવાં કષ્ટો સહન કરવા પડતાં, કેટલા દિવસ ભૂખ્યા રહેવું પડતું, કઈ રીતે અંગ્રેજ પોલીસની નજર ચૂકવીને છટકતા, દારૂગોળો ક્યાંથી ખરીદતા, શસ્ત્રો કઈ રીતે મેળવતા અને અંગ્રેજોને દેશમાંથી તગેડી મૂકવા કઈ રીતે કાર્ય કરવાનું હોય છે એની વાતો સાંભળીને ઉજ્જવલા મોટી થઇ. પરિણામે પોલીસને હાથતાળી કઈ રીતે આપી શકાય એની કળામાં બહુ નાની ઉંમરે નિપુણ થઇ ગઈ.
ઉજ્જવલા મજૂમદારે બાલ્યાવસ્થામાં જ વીરતાનાં ગુણ આત્મસાત કરી લીધા. ક્રાંતિકારી વિચારોએ એના માનસમાં ઘર કરી લીધું. એવું કહેવાય છે કે બાળપણથી કેડે એકસાથે ત્રણ ત્રણ પિસ્તોલ લટકાવીને નીડરતાથી એ ઘૂમતી. દેશની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતી. પોલીસને બાળક સાથેની રમત હોય એમ સહેલાઈથી છક્કડ ખવડાવતી.
સમયની સાથે ઉજ્જવલાની ક્રાંતિકારી કાર્યો કરવા માટેની રૂચિ વધતી ગઈ. ઉદ્દામ વિચારસરણી ધરાવતી સંસ્થા બંગાળ વોલંટિયર્સ’ની સભ્ય બની. એ પછી સ્વાધીનતા પ્રેમી સંસ્થા ‘દીપાલી સંઘ’નો પરિચય થતાં એની સભ્ય બની. એ દિવસોમાં ‘યુગાંતર દળ’ પણ આઝાદી માટે કાર્યરત હતું. ઉજ્જવલા મજૂમદારે એનું સભ્યપદ પણ મેળવી લીધું.
આ ત્રણેય સંસ્થા ક્રાંતિની કેડીએ ચાલીને દેશની આઝાદી માટે નિરંતર કાર્યરત રહેતી. ક્ષણે ક્ષણે ક્રાંતિની યોજનાઓ ઘડાતી રહેતી. અંગ્રેજ સામ્રાજ્યને ઉખાડી ફેંકવા ત્રણેય સંસ્થા કૃતસંકલ્પ હતી. તેમનો એકસમાન ઉદ્દેશ હતો: અંગ્રેજી શાસનમાંથી મુક્તિ…! આ ત્રણેય સંસ્થાઓનું સભ્યપદ મેળવ્યું હોય એવી કદાચ એકમાત્ર ક્રાંતિકારી હતી ઉજ્જવલા મજૂમદાર!
ત્રણ સંસ્થાઓની સભ્ય બનવાને કારણે ઉજ્જવલા મજૂમદારનો પરિચય પ્રીતિલતા વાદેદાર અને કલ્પના દત્ત સહિત અનેક ક્રાંતિકારીઓ સાથે થયો. એમની ચર્ચામાં એક મુખ્ય સૂર હથિયારોના અભાવનો રહેતો. આ ઊણપને દૂર કરવા ક્રાંતિકારીઓએ ૧૯૩૦માં ચિત્તગોંગ સ્થિત અંગ્રેજોના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો. પરિણામે અંગ્રેજ સરકારે મહોરા પાછળનો ચહેરો દેખાડ્યો. ક્રૂર, નિર્દય અને હિંસક ચહેરો!
અંગ્રેજ સરકારે ભયાનક દમનચક્ર ચલાવ્યું. ક્રાંતિકારીઓ પર ક્રૂરતાના કોરડા વીંઝ્યા. બંગાળ આખું કાંપી ઊઠયું. ક્રાંતિકારીઓમાં બદલાની ભાવના અગનજ્વાળા બનીને ભભૂકી ઊઠી. જીવ હથેળીમાં લઈને અને માથે કફન બાંધીને ક્રાંતિકારીઓ મરવા અને મારવા તૈયાર થઇ ગયા. એમાં ‘બંગાળ વોલંટિયર્સ’ના ક્રાંતિકારીઓ પણ ખરા. એમનું નિશાન અત્યાચારોના કેન્દ્રસમા દાર્જિલિંગના ગવર્નર એન્ડરસન હતા. એમણે ગવર્નરને ગોળીએ દેવાની યોજના ઘડી. યોજના અમલમાં મૂકવા યોગ્ય સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા.
એ સમય પણ આવ્યો. ક્રાંતિકારીઓને સમાચાર મળ્યા કે એન્ડરસન લેવંગ રેસકોર્સમાં ૮ મે ૧૯૩૪ના યોજાનારી ઘોડાદોડની સ્પર્ધામાં વિજેતાને ટ્રોફી આપવા સ્વયં ઉપસ્થિત રહેશે. પછી તો પૂછવું જ શું? તરત યોજનાને અંતિમ સ્વરૂપ અપાયું. વીર રવિ, ભવાની ભટ્ટાચાર્ય, મનોરંજન બેનર્જી અને ઉજ્જવલા મજૂમદાર, એમ ચારની બનેલી ક્રાંતિકારી ટુકડી ગોળીઓ ભરેલી પિસ્તોલ સાથે નીકળી પડી. ગવર્નર એન્ડરસનને ગોળીથી વીંધવા.
લેવંગ રેસકોર્સમાં મનોરંજન બેનર્જીએ ભવાની અને રવિને મેદાનના એક સુરક્ષિત ભાગમાં ખડા કરી દીધા. આ ઠેકાણેથી સરળતાથી ગવર્નરને ગોળી મારી શકાય એમ હતું. ઉજ્જવલા મજૂમદાર અને મનોરંજન બેનરજી પહેલેથી પોલીસની વોન્ટેડની યાદીમાં હતા. એથી પોલીસની નજરથી બચવા એ બન્ને સિલીગુડી પાછા ફર્યા.
એક બાજુ ઉજ્જવલા અને મનોરંજન વિદાય થયા, બીજી બાજુ ગવર્નર રેસકોર્સમાં દાખલ થયા. રવિ અને ભવાનીએ ગોળીબાર શરૂ કરી દીધો. જોકે ધરેલી સફળતા ન મળી. બન્ને પકડાયા. ઉજ્જવલા અને મનોરંજન એ સમયે ઘટનાસ્થળથી દૂર હોવા છતાં એમની ધરપકડ માટેનું વોરંટ જારી કરાયું. ઉજ્જવલા વેશપલટો કરીને પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટી. લપાતીછુપાતી ક્રાંતિનાં કાર્યો કરતી રહી.
દસેક દિવસ બાદ… આખરે પંખી જાળમાં ફસાયું. ઉજ્જવલા મજૂમદાર અંગ્રેજ પોલીસને હાથે ઝડપાઈ. બંદી બનાવાઈ. અદાલતી કાર્યવાહી કરવા માટે અંગ્રેજ સરકારે એક સ્પેશિયલ ટ્રીબ્યુનલની રચના કરી. ઉજ્જવલા વિરુદ્ધ ખટલો ચલાવવામાં આવ્યો. આ ખટલો અને અદાલતી કાર્યવાહી શોભાના ગાંઠિયા જેવાં હતાં. કારણ ઉજ્જવલાએ જે ગુનો કર્યો જ નહોતો, તે પુરવાર કરવા માટે ખોટા સાક્ષીઓ અને બનાવટી પુરાવાઓ ઊભા કરી દેવાયેલા. વાડે ચીભડું ગળ્યું. અદાલતે ઉજ્જવલા ને વીસ વર્ષનાં કઠોર કારાવાસનો દંડ દીધો. ૧૮ મે ૧૯૩૪ના ઉજ્જવલાને કુર્શિયા જેલમાં ધકેલી દેવાઈ. થોડા સમય પછી દાર્જિલિંગ અને પછી મિદનાપુર જેલમાં.
દરમિયાન મહાત્મા ગાંધી સહિતના નેતાઓએ ક્રાંતિકારીઓને જેલમુક્ત કરવાનું અભિયાન ચલાવ્યું. એમાં સફળતા મળી. અન્ય ક્રાંતિકારીઓ સાથે ઉજ્જવલા મજૂમદાર પણ ૧૯૩૯માં જેલમુક્ત થઇ. કારાવાસમાંથી બહાર આવ્યા બાદ થોડો સમય તો ઉજ્જવલા શાંત બેઠી. પોલીસની નજરથી બચવા માટે એ જરૂરી પણ હતું. ત્યાર બાદ ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલનનો આરંભ કર્યો. દેશભરમાં અંગ્રેજવિરોધી જુવાળ ઊભો થયો. અંગ્રેજોના વિરોધમાં સરઘસો નીકળવા માંડ્યાં. દેશભક્તિના નારાઓ ગુંજવા લાગ્યાં. ઉજ્જવલા મજૂમદાર માટે આ આંદોલન ડૂબતાંને તરણું સાબિત થયું. આંદોલનમાં એ સક્રિયપણે જોડાઈ ગઈ.
ઉજ્જવલા પર પોલીસની બાજ નજર હતી જ. આંદોલનમાં એણે પ્રવૃત્તિઓ શરૂ કરી એ સાથે જ પોલીસે એને ફરી બંદી બનાવી લીધી. પ્રેસિડેન્સી જેલમાં એને કારાવાસ થયો. લગભગ ચાર વર્ષ બાદ, ૧૯૪૬માં ઉજ્જવલા જેલમાંથી બહાર આવી. એ પછી એકાદ વર્ષમાં ભારત દેશ આઝાદ થયો.
દેશની સ્વાધીનતા એ જ તો ઉજ્જવલાનું સપનું હતું. ગુલામીની બેડીઓમાંથી મુક્ત થયેલા આઝાદ ભારતમાં શ્ર્વાસ લઈને ઉજ્જવલાએ હાશકારો વ્યક્ત કર્યો જ હશે કે, સ્વતંત્રતાનું સોહામણું સ્વપ્ન થયું સાકાર!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -