Homeલાડકીપ્લીઝ આ તણાવની આંટીઘૂંટી સમજાવો, કારણ કે મને વાતવાતમાં ટેન્શન લેવાની ટેવ...

પ્લીઝ આ તણાવની આંટીઘૂંટી સમજાવો, કારણ કે મને વાતવાતમાં ટેન્શન લેવાની ટેવ છે

કેતકી જાની

સવાલ : અમારા કુટુંબમાં તાજેતરમાં જ યુવાન દીકરાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું તે બાદ કુટુંબના ત્રણ જણાને ડાયાબિટીસ, થાયરોઈડ જેવા રોગનું નિદાન થયું છે. આ ત્રણે કેસમાં કોઈ દેખીતું કારણ નથી પણ ડૉકટર બધામાં સ્ટ્રેસ/તણાવને જવાબદાર બતાવે છે. આજકાલ મારું નિરીક્ષણ છે કે બધાને ડૉક્ટર આવું જ કહે છે. તેમને ખરેખર કોઈ કારણ નહીં મળતું હોય? પ્લીઝ આ તણાવની આંટીઘૂંટી સમજાવો, કારણ કે મને વાતવાતમાં ટેન્શન લેવાની ટેવ છે.
જવાબ : તણાવ/સ્ટ્રેસને કોઈ એક વ્યાખ્યાના ચોકઠામાં બેસાડવો એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કામ છે, બહેન. તણાવ એટલે જીવન જીવવા જરૂરી તત્ત્વો અને વાતાવરણમાં થતાં ફેરફારોનો સામનો કરવા દરમ્યાન નિર્માણ થતી પરિસ્થિતિ. મનુષ્યને જીવંત રહેવા માટે અનેકાનેક અલગઅલગ ગતિશીલ અને મનોવ્યાપાર કહેવાય તેવા ઘટકોને સંતુલનમાં રાખવા પડે છે. પણ આ તત્ત્વો પરિસ્થિતિનુસાર સતત બદલતા રહે છે, આ બદલાતી પરિસ્થિતિ/વાતાવરણ વચ્ચે પણ મનુષ્ય સહજ રીતે જીવી શકે તે તણાવનું યોગ્ય સમાયોજન અને ના જીવી શકે ત્યારે શારીરિક-માનસિક અસંતુલન પેદા થાય જે અનેક રોગ રૂપે અને કવચિત મૃત્યુ રૂપે વ્યક્ત થાય. મૂળ વાત એ સમજો કે દરેક મનુષ્યે જીવવા માટે આસપાસની, લાગેવળગતી પરિસ્થિતિઓને અનુકૂળ કરવાનો સંઘર્ષ કરવો પડે છે. બસ, આ પ્રયત્નોને તમે તણાવ/સ્ટ્રેસનું નામ આપી શકો. આમ જોવા જાવ તો સીધી વાત એ છે કે તણાવ/સ્ટ્રેસ તે દરેક મનુષ્ય માત્ર માટે અપરિહાર્ય કહી શકાય તેવું એલીમેન્ટ છે. એક સામાન્ય મતલબ કે કોઈ જ મહત્ત્વાકાંક્ષા વગરના વ્યક્તિના જીવનમાં પણ મૃત્યુપર્યંત બાળપણ, શાળાજીવન, પૌગડાવસ્થા, કેરીયર, લગ્ન, બાળકો, બીમારી, મિલકત જેવી બાબતો તણાવ સ્ટ્રેસ લાવે છે. કુદરતે પણ આ દૈનંદિન, પળેપળના સ્ટ્રેસનો માનવ યશસ્વી રીતે સામનો કરી શકે તે માટે મગજ, ચેતાસંસ્થા, વિવિધ હોર્મોનલ ગ્રંથિઓ રૂપે માનવ-શરીરમાં તણાવ પ્રતિરોધક પ્રણાલી આપી જ છે ને?
માનવ શરીરની આ પ્રતિરોધક પ્રણાલીનો હ્રાસ ક્રમશ: થાય છે જેની જાણ સુધ્ધાં આપણને થતી નથી. તે માટે એક ઉદાહરણ જોઈએ. તમે સાપથી ભયંકર રીતે ડરો છો. એકવાર તમારી નજર સામે એકાંતમાં સાપ અચાનક યેનકેન પ્રકારે આવી જાય છે. તે સમયે તમે સ્તબ્ધ થઈ જાવ છો, પેટમાં ગોળા વળવા જેવું અનુભવો, શ્ર્વાસોશ્ર્વાસ/ધબકારા વધી જાય, પરસેવો વળવા માંડે, આંખોની પુતળીઓ વિસ્ફારિત થઈ જાય અને તમે તેનાથી દૂર કેમ ભાગવું તે વિશે વિચારી જે તે કરવા જેવું અનુસરી તે સ્થિતિથી નીકળવા સજ્જ થાવ. આ અચાનક જ નિર્માણ થયેલ તણાવ સ્ટ્રેસ કહેવાય. તમે તેનાથી દૂર કે તે તમારાથી દૂર થાય એટલે તાણ/સ્ટ્રેસ ખતમ. આ જે શારીરિક પરિસ્થિતિ થઈ તે વધુ સમય ટકી નહીં તેથી બધુ સહજ થતાં તેની અસર લાંબાગાળા સુધી ટકતી નથી. શરીર થોડા સમયમાં પૂર્વવત્ થાય છે. પરંતુ તમે વિચારો કે સાપને જોતાં જે શરીરના હાલ હતા તે લાંબા સમય સુધી ટકે તો? બાહ્ય રૂપે ના દેખાય પરંતુ દરેક મનુષ્ય અનેક ખરાં-ખોટાં, ક્યારેક તો સંબંધ સુધ્ધાં ના હોય તેવા અને બહુધા પૂર્ણપણે કાલ્પનિક તણાવ/સ્ટ્રેસ સાથે આજીવન ઝઝૂમતો હોય છે. લોન લીધી હોય, દેવું કર્યું હોય, ઘરમાં સભ્યો રોજ લડતાં હોય, આરામ ના મળતો હોય, અસાધ્ય બીમારી સતત ઘોંઘાટમાં રહેવું, વર્ષાનુંવર્ષ યંત્રવત્ જે-તે દિનચર્યા અનુસરવી, માણસોની ગીરદી વચ્ચે જીવવું, કુદરતી તત્ત્વો સહજ ઉપલબ્ધ ના હોવા, કાર્યસ્થળ ઉપર થતી કનડગત, પોતાને સાચા હોવા છતાં ઘરબહાર તરફથી તિરસ્કાર મળવો જેવા ઘણાંબધાં કારણો માનવજીવનમાં મોજૂદ છે. એટલે જ કોઈ જ મનુષ્ય આજીવન તણાવ/સ્ટ્રેસ મુક્ત રહી શકે તે શક્ય જ નથી. હા, પ્રત્યેક મનુષ્ય તેનો સામનો અલગ રીતે કરે પણ તેને અવગણે તે શક્ય નથી. અચાનક આવતો સ્ટ્રેસ માણસમાં સાવધતા, એકાગ્રતા, સમજ વધારે તે સમયે થતી વેદના ઓછી કરી ભાગી જવા કે સામનો કરવા માણસને તૈયાર કરે, પરંતુ હૃદયમાં સ્થાયી થયેલ તણાવ માણસ માટે ધીમું ઝેર સાબિત થાય છે. ‘ચિંતા ચિતા સમાન છે’ આ કહેવતનો ગૂઢાર્થ તમારા સવાલનો જવાબ છે. માટે ટેન્શનને સતત લઈ વળગાડી ના ફરો. સમજ વધારો અને આગળ વધો, મોટી વાતો ભૂલી જાવ ને નાની માફ કરો. અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -