Homeધર્મતેજહરિ હર સે હોરી ખેલાવે....

હરિ હર સે હોરી ખેલાવે….

ભારતીય હિન્દુ સનાતન ધર્મની પરંપરામાં વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયો વચ્ચે એક સમયે વૈમનસ્ય પણ ઊભુુંં થયેલું, ત્યારે આપણા પુરાણોમાં ‘હરિ’ અને ‘હર’ની એક્તા વિશેની કથાઓ પણ આલેખાઈ છે. સંતપરંપરાઓમાં તો ‘ભોજન પ્રસાદ’ સમયે ‘હરિ….હર….’ એવી હાકલ તમામ અન્નક્ષ્ોત્રોમાં, સંત સ્થાનકોમાં આજે પણ સાંભળવા મળે છે. વૈષ્ણવ ભક્ત કવિ સૂરદાસજી ગાય છે :
શિવ જોગી જશ ગાયો રે બાવા, મેં જોગી જશ ગાયો રે…
બ્રહ્મા ગાયો, વિષ્ણુ ગાયો, ખોજત પાર ન પાયો રે,
પર બ્રહ્મકો મુખ દેખનકું સકળ સૃષ્ટિ ફિર આયો રે… શિવ જોગી જશ ગાયો…
મધ્યકાલીન સંતકવિ ભોજલરામની બે હોરી રચનાઓ આજે લેવી છે. જેમાં પ્રથમ રચના ભગવાન સદાશિવ અને શ્યામસુંદર શ્રીકૃષ્ણ વચ્ચે ખેલાઈ રહેલી હોરીનો પ્રસંગ આલેખાયો છે. જ્યારે બીજી રચનામાં અધ્યાત્મ સાધનાની રહસ્યવાદી પરિભાષ્ાામાં શ્ર્વાસ-ઉચ્છવાસની ક્રિયા સાથે ખેલાતી રંગ હોરીનું આલેખન છે.
હરિ હર સે હોરી ખેલાવે, ખેલાવે હરિ હર સે હોરી ખેલાવે…૦
શ્યામ કૃષ્ણ, શંકર તન ગોરે, ભોળો ભસ્મ લગાવે,
હસી, ગળે બાંહી ગ્રહે હરિ હરકી, અંગસે અંગ લગાવે,
દેખી કોટિ કામ લજાવે… હરિ હર સે હોરી ખેલાવે..૦
શિવજી સખા પીચકારી ચલાવે, મોહનકે મન ભાવે,
કૃષ્ણ ગુલાલકી જોરી ભરકે, શંકર પે ચલી આવે,
પરસ્પર ધૂમ મચાવે… હરિ હર સે હોરી ખેલાવે..૦
શારદ, નારદ પાર ન પાવે, નૌતમ ખેલ રચાવે,
ગગન વિમાન દેવ સબ આવે, જય જય શબ્દ સુણાવે,
પુનિ પુનિ પુષ્પ વધાવે… હરિ હર સે હોરી ખેલાવે..૦
હરિ હરકી જે હોરી ગાવે, શંકર ઉરમેં સમાવે,
ભોજલરામ ભવોભવ ભક્તિ, ફિરીને ચોરાશીમેં ના’વે..
જુગો જુગ દાસ કહાવે… હરિ હર સે હોરી ખેલાવે..૦
૦૦૦૦
કોઈ હરદમ હોરી મચાવે, મચાવે, કોઈ હરદમ હોરી મચાવે..૦
નાભિ કમળથી સૂર ચલત હે, શબદમેં સુરતિ મિલાવે,
પ્રસર્યું હોય એને પાછું સંકેલે, રોમ રોમે રંગ લાવે,ં
એણી પેરે પિયુકું રીઝાવે.. કોઈ હરદમ હોરી મચાવે..૦
તખત ભઈ જેણે દેખ્યા તમાશા, ત્રિકૂટિમેં તાન મિલાવે,
ગગન ગુફામેં ગૌન કરાવે, તા કું અવિગતિ નજરે આવે,
પહૂંચે વા કો કાળ ન ખાવે.. કોઈ હરદમ હોરી મચાવે..૦
નેન દેખ્યાં તા કું ચૈન નહીં હે, કો’ કહી શું સમજાવે,
શિખર ચડ્યાકી સાન બતાવે, જા કું નિગમ નેતિ નેતિ ગાવે,
સોય ઘર સહુજે પાવે.. કોઈ હરદમ હોરી મચાવે..૦
સમનારાને રમતું ફાવે, જેને મ્હેર કરી હોય મા’વે,
ભોજલનો સ્વામી, સદા બહુનામી, ભક્ત તણે મન ભાવે..
સનેહ વિણ સપનામાં યે ન આવે.. કોઈ હરદમ હોરી મચાવે..૦
ભોજાભગત / ભોજલરામ (ઈ.સ. ૧૭૮પ-૧૮પ૦) જ્ઞાની-ઉપદેશક સંતકવિ. ગિરનારી સાધુ રામેતવનના શિષ્ય. દેવકીગાલોળ (તા. જેતપુર, જિ. રાજકોટ) ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં જન્મ઼ પિતા : કરસનદાસ, માતા : ગંગાબાઈ, અવટંકે : સાવલિયા. પોતાના બે ભાઈઓ કરમણ અને જસા સાથે અમરેલી પાસેના ચક્કરગઢ ગામે ખેતી કરવા ગયા, અને ફતેહપુર ગામ વસાવ્યું. અમરેલીના ગાયકવાડી સૂબા વિઠ્ઠલરાવને ઉપદેશ આપવા ‘ચાબખા’ પ્રકારનાં ભજનોની રચના કરેલી. શિષ્યો : ૧. જલારામ (વીરપુર), ર. વાલમરામ (ગારિયાધાર), ૩. જીવણરામ (ફતેપુર). ભોજાભગતે પોતાના વહાલા શિષ્ય જલારામને ત્યાં વીરપુર ગામે સમાધિ લીધેલી. રચનાઓ : ‘ચેલૈયા આખ્યાન’, વાર તિથિ, મહિના સરવડાં, ‘ભક્તમાળ’ કાફી, હોરી, કક્કો, બાવનાક્ષરી અને ચાબખા. જગ્યા : ફતેપુર (અમરેલી) ભોજાભગતને બે ભાઈ હતા. કરમણ ભગત અને જસાભક્ત. કરમણ ભગતને ત્યાં કોઈ સંતાન નહોતાં થયાં. જ્યારે જસા ભગતને ત્યાં જન્મેલા અરજણ ભગતને ભોજા ભગતે દત્તક લઈ પોતાના ગાદીવારસ બનાવેલા. આ અરજણ ભગતના થયા લક્ષ્મણરામ જે રામાયણના પ્રખર અભ્યાસી અને કથાકાર હતા. એના નાના ભાઈ રામજીભગત પણ રામકથાના ઉપાસક અને ગાયક હતા. લક્ષ્મણરામને ત્યાં પુત્ર થયા કરશનભગત. જેમના બે પુત્રો : માવજી ભગત અને લવજી ભગત. માવજી ભગતને ત્યાં થયા શાંતિરામજી (વર્તમાન મહંત ફતેપુર જગ્યા). અને લવજી ભગતના બે પુત્રો : ડૉ. મનસુખલાલ સાવલીયા (સંસ્કૃતના પ્રોફેસર,પ્રકાંડ વિદ્વાન) તથા સ્વ. ડૉ. ધીરજલાલ સાવલીયા (ગોંડલ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા.) -ડૉ. નિરંજન રાજ્યગુરુ

૦૦૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -