છોડ

મધુ રાયની વાર્તા -મધુ રાય

હરિયાના યુગ-વિમાનની મેટર તો બધાંને ખબર છે. મોડેથી આવેલા ભાઈઓ અને બહેનોની જાણ ખાતર ફરી ટૂંકમાં કહીએ – હરિયાને ભગવાન સાથે સ્લાઈટ સારાં રિલેશન્સ. એટલે ભગવાને હરિયાને યુગ-વિમાનની બક્ષિસ દીધેલી. એમાં બેસે અને ચાંપું દબાવે એટલે હરિયો એક યુગમાંથી બીજા યુગમાં. મુલક એનો એ હોય, કે ન યે હોય, એનું કંઈ ફિકસ નથી. ઘણીવાર હરિયો એમાં બેઠો બેઠો ઝોકે ચડે અને આંખું ઉઘાડે તો ભગવાન જાણે કિયા યુગમાં ભુટકાય. તે હરિયાના એવા એક અનુભવની આ વાત છે.
*
હરિની આંખો ઊઘડી ત્યારે એક વિશાળ ચોગાન જોયું, એમાં સેંકડો જાતનાં ફૂલોના છોડ જોયા, અને અસંખ્ય હાટડીઓ જોઈ. ચોગાનના દ્વાર ઉપર કળામય અક્ષરે લખેલું હતું, ‘વૃંદાવન.’
અસંખ્ય હાટડીઓમાં અસંખ્ય જાતના માણસો અસંખ્ય જાતનાં ફૂલો વિષે વાટાઘાટ કરતા હતા. એક પણ ફૂલ કપાયેલું નહોતું – આખેઆખા છોડ વેચાઉ હતા. હરિએ કયારેય નહીં જોયેલી નસલો, ક્યારેય નહીં કલ્પેલા આકારો, પ્રકારો અને રંગછટાઓ, સોયથી ઝીણાં ફૂલના બારીક-બારીક વેલા, ચાદર સમાણાં પાનમાં નસોની મનોહર મીનાકારી અને સુરધનુની રેષાઓથી રંગ નીતરતી ચણોઠીની કળીઓ, વહેંતિયા છોડ! હરિએ જોયું, છોડ બધા નાના-નાના, બારીક-બારીક, ભાવવિભોર.
હરિને ફૂલ જોઈ હંમેશાં વિસ્મય થતું. પણ અત્યારે ગળે ડૂમો ભરાયો. સેંકડો કુંડાંમાંથી સેંકડો છોડ એકત્રિ નિશ્ર્વાસ નાખતા હતા. હરિએ એક છોડને સહેજ સ્પર્શ કર્યો. તત્કાળ હરિની આંખો ભરાઈ આવી. હરિએ પાંખડી મસળી. હરિના ગળાની નસો ફૂલી ઊઠી. હરિએ આંખો મીંચી આંસુ રોક્યાં.
વિવિધ લતાઓથી વીંટળાયેલી મોગરાની કળી જેવી કેટલીક ક્ધયાઓ હાટડીઓના કારભાર કરતી હતી. ગ્રાહકોને માર્ગદર્શન આપતી હતી.
‘આ મંદોદરી મંડપ છે ને, એટલે’ એવી એક છોકરીએ હરિનો હાથ ઝાલી કહ્યું, ‘મારું નામ હતાશા.’
હતાશાએ હરિ સામે જોયું. એના ચહેરા ઉપર કંઈ ભાવ નહોતો. હતાશાએ અંબોડામાં એક કેસરી છોડ રોપેલો. હતાશાએ છોડને સહેજ પંપાળ્યો. હતાશાએ આકર્ષક સ્મિત કર્યું.
‘આ છોડનુું નામ શું?’ હરિએ પૂછયું.
‘કર્ણ મંદોદરી.’
‘અને અંબોડે છે તે?’
‘રસ-કદમ્બ.’ હતાશાએ હરિનો હાથ ઝાલ્યો, ‘ચાલો મદન – મંડપ જોઈએ.’
હરિએ રસ કદમ્બને સ્પર્શ કર્યો. હતાશાએ મોં ફેરવી સ્મિત કર્યું. તત્કાળ હરિનાં ફેફસાંમાં હર્ષ ફેલાયો.
*
‘આ મદન મંડપ.’
હરિના કાનમાં રતાશ ધસી આવી. મંડપમાં અનેક યુગલો હાથમાં હાથ પરોવી બેઠાં હતાં, ઊભાં હતાં, પરસ્પરના નિશ્ર્વાસનો શ્ર્વાસ લેતા હતા. હતાશાએ એક રતુંબડો છોડ ઉપાડી હરિના કાન ઉપર ગોઠવ્યો.
‘આ…?’
‘એ આમ્રપાલી.’
હરિની જીભ ભારે થઈ ગઈ. ઊંડો શ્ર્વાસ લઈ હતાશામાં વૃક્ષસ્થળની સોડમ હરિએ શરીરમાં ઉતારી. એ સોડમના કણકણ હરિની નસોમાં નૃત્ય કરવા લાગ્યા. હરિએ હતાશાની કમર હાથ વીંટાળી લતાઓનાં મુલાયમ આવરણ દૂર સેરવ્યાં. એની આંગળીઓ હતાશાના અંગની બહિર્રેખાઓ પર ફરી. હતાશાએ કોઈ કળથી હરિના હાથ છોડાવ્યા, ધ્રૂજતા હોઠે હરિને જોઈ રહી. ધ્રૂજતા હાથે હરિના કાન ઉપરથી રતુંબડો છોડ ઉતારી લીધો. સ્થિર હાથે એક લીલો છોડ હરિના હાથમાં આપ્યો. હરિની નસો શાંત પડી, હતાશાએ આંખના ખૂણેથી હરિ તરફ જોયા કર્યું.
*
હતાશાએ એક બીજો છોડ કાઢી અંબોડે પરોવ્યો.
‘એ શું?’
‘શાન્ત-કુમુદ’ હતાશાએ કહ્યું. અને બહાર નીકળી ગઈ, હરિ એને જતી જોઈ રહ્યો. એનો લીસ્સો પોષાક, ચન્દ્રાકારે વળેલાં એની આંગળીઓનાં રતાશભર્યાં ટેરવાં, એના સરકતા જતા શરીરની સરકતી સુગંધ. હરિએ મનોમન હતાશાના બદનની કલ્પના કરી. અને કામના કરી.
હરિ મુગ્ધ આંખે મંડપની બહાર નીકળ્યો. અનેક મંડપો પાર કરી હરિ ધોરી રસ્તે આવી ઊભો. એને ફરી પોતે હરિ હોવાનું ભાન થયું. ચકિત આંખે એ ચારેકોર જોઈ રહ્યો. અને પછી ચાલવા માંડ્યો.
રસ્તાની બન્ને બાજુ જાણીતાં, ઊંચા ઝાડ. સ્ત્રી-પુરુષોની સામાન્ય આવજા. દરેકના હાથમાં, કે ગળામાં, કે બાહુ ઉપર કોઈ અજબ વૈવિધ્યભર્યાં છોડનાં આભૂષણ. કૂંપળો, લતાઓ, શાખાઓ, કળીઓ ને પુષ્પો. આખેઆખા, જીવતા રોપ, વેલ કે છોડ.
ઘરોમાં, મેદાનોમાં બાગોમાં ક્યાંય છોડનું નામ-નિશાન નહીં. કેવળ ઘાસ, અને તોતિંગ વૃક્ષ. ખેતરોમાં અન્નના છાતી સમાણા રોપ, હરિ ચાલતો ચાલતો પુસ્તકાલયમાં પહોંચ્યો.
*
હરિ પુસ્તકાલયમાંથી બહાર નીકળ્યો. સુમસામ. અઢળક પુસ્તકો દાયકાઓથી અસ્પૃષ્ટ પડેલાં. હરિએ સંગ્રહસ્થાનની મુલાકાત લીધી. ચિત્રો, શિલ્પો, વાજિંત્રો અને હથિયારોનો વિપુલ સમૂહ, ઢાંકેલો અદૃષ્ટ.
હરિના રોમમાંથી હજી પેલી પુષ્પપરી હતાશાના સ્પર્શની વીજળી ઓસરી નહોતી. હરિની આંખમાંથી હજી હતાશાના ધ્રૂજતા હોઠની કંપારી શમી નહોતી. હરિના મસ્તિષ્કમાં હજી ન સમજાયેલી પ્રબળ લાગણીઓના તડતડીઆ બોલતા હતા. હતું શું આ બધું, પ્રભુ? હરિએ આકાશ તરફ નજર કરી.
યુગ તો અલગ હતો એમાં
શંકા નહોતી. લોકો કપડાંને બદલે પાંદડાંનાં વસ્ત્રો કલામય રીતે પહેરતાં હતાં. આભમાં સૂરજ
તીખો તેજ હતો પણ હવામાં ગરમીનો અણસાર નહોતો. વાદળ વરસતાં હતાં પણ કોઈ કરામતથી પાછાં અધ્ધર ચડીને આભમાં મળી જતાં અને ઈન્દ્રધનુષની કળાઓ રચાતી અને ફરી વાદળોના સાતરંગી અંબાર ખડકાતા. પહોર બદલતાં તો હેમાળો ફરકતો અને બરફનાં છાપરાં છવાતાં અને પલકભરમાં બરફના ડુંગર ડોલતા. તોયે ન તો રુંવાડે ઠંડી ફરકતી કે દાંતમાં કડકડાટી બોલતી. વરસની ઋતુઓ દિવસમાં પલટાતી અને તોય એની આંચ આટલીયે નહીં અડકતી. મુલક કોઈ બીજો હતો અને યુગ કંઈ ત્રીજો હતો. હરિએ વિચાર્યું કંઈક જમીએ.
હરિએ ચાલી ચાલીને ગામ આખું જોયું પણ ક્યાંય જમવાની જગ્યા જડી નહીં. ચાલતાં ચાલતાં કોઈને સંતરું ખાતું જોવાનું ન બન્યું, કોઈ મસાલા-મમરાની છાબડીવાળું ન દેખાયું. આ યુગમાં, આ મુલકમાં ખાવાનો મહિમા ન દેખાયો. હરિએ એક જુવાનને ઊભો રાખી પૂછયું, ‘ભાઈ જમવાની કોઈ લૉજ?’ જુવાન જોઈ રહ્યો. એના તાંબાના વરણના રુંવાદાર હાથમાં એક મઘમઘતું ફૂલ હતું. ‘ભૂખ લાગી છે?’
હરિએ હા પાડી. ખાલી હસ્યો.
જુવાને જોયા કર્યું. કબડ્ડીનો ખેલાડી જોતો હોય એમ હરિને જોવા લાગ્યો. ‘ભીમ-કરેણ’ વિના?’
હવે હરિયો જોઈ રહ્યો. જુવાને પોતાનું ફૂલ સુંઘાડ્યું. ‘ભીમ-કરેણ.’ જુવાન બોલ્યો. બન્ને એ ઊંડા શ્ર્વાસે ભીમ-કરેણ સૂંઘ્યું. ‘મારું નામ ઉત્પાત.’ ચાલો જમવા જઈએ.’
એટલી બધી ભૂખ ઊઘડેલી કે હરિને થયું એક મણ લાડુ મળે તો ખાઈ જવાય. જુવાન ઉત્પાત એને વૃન્દાવનમાં લઈ આવ્યો. એક હાટડી ઉપર નામ લખેલું હતું ‘પાંચાલી.’
‘શું જમશો?’
હરિને કૌતુક થયું, આ ફૂલની દુકાનમાં શું જમાય. ‘લાડુ’.
જુવાન ઉત્પાતે એક જાંબુડી વેલ બતાવી. હરિએ વેલને હાથ લગાડયો. હરિના જઠરમાં એકાએક અજાયબ શાતાનો અનુભવ થયો, અને સાચા ઘીનો ઓડકાર આવ્યો. હરિએ જાંબુડી વેલ સામે જોયા કર્યું.
એક કૂમળી કળી જેવી છોકરી આવી હરિ પાસે, ‘સંતોષ થયો?’ હરિએ ડોકું હલાવી હા પાડી. છોકરીના જમણા કાને અબરખના રંગનું એક ફૂલ હતું. કોઈ વિરાટ કમળના મનોહર પાનથી એણે દેહ વીંટયો હતો; આ મુલકમાં જ્યાં નગર પડે ત્યાં તામ્રવર્ણના સ્નાયુબદ્ધ તેજસ્વી જુવાન અને મધ જેવા વર્ણવાળી સુડોળ કમનીય યુવતીઓ દેખાતી હરી. હરિએ હાથ લંબાવી એ છોકરીના વાળને સ્પર્શ કર્યો, મકાઈના રેસા જેવા રેશમી વાળ ઉપરથી હરિનો હાથ સરકીને છોકરીના ખભ્ભે અટક્યો. છોકરીએ હરિનો હાથ હાથમાં લીધો.
‘તારું નામ શું?’
‘હરિ. તારું?’
‘ચિંતા.’ છોકરીએ કહ્યું. ‘ચાલ મદનમંડપમાં જઈએ.’
પહોરના પહોર વીત્યા છતાં સૂરજ એવો ને એવો. રાત પડતી જ નહોતી. મદનમંડપમાં ચિંતાએ એને કેસરી ફૂલ આપ્યાં. હરિના શરીરમાં આતશ ઊભરાયો. કાનમાં ઊકળતો પારો ઓકાતો હોય એવો રોમાંચ થયો, શ્ર્વાસમાં લૂ ફૂંકાતી હોય એવી તીવ્ર લાગણી થઈ. આંખો પટપટાવી અને હાથ છોડાવી ‘ચિંતા’ ક્યાંક અદૃશ્ય થઈ ગયેલી. હરિની આંખો ઘેરાઈ.
હરિ ત્યાંને ત્યાં મોગરાના ઢગલામાં ઢળી પડ્યો.
*
હરિએ આંખો ખોલી તો જાણે ગામ આખું એને જોવા ભેગું થયું હતું. એને જાગેલો જોઈ એક યુવતીએ આગળ આવી એનાં વસ્ત્રોને સ્પર્શ કર્યો. ‘કપાસનાં કપડાં છે.’
હરિ બેઠો થયો. હરિએ વ્યાકુળ આંખે હતાશા, ચિંતા, ઉત્પાત કોઈ દેખાય તો ઓળખવા પ્રયત્ન કર્યો. કોઈ નહોતું. મદનમંડપ હતો, અને આખું ગામ હતું.
‘ભૂખ લાગી છે?’ કોઈએ પૂછયું.
‘ના.’ હરિએ કહ્યું. કુદરતી જરૂરિયાતને કારણે અકળામળ થતી હતી.
ટોળામાં કોઈએ ગુસપુસ કરી. એક જણે આવીને કાનમાં પૂછયું. હરિએ હા પાડી. ટોળામાં માર્ગ થયો, હરિયો મદન-મંડપની બહાર નીકળી બને તેટલો દૂર દિશાએ ગયો. પાછો આવ્યો ત્યારે બધાં ગોઠવાઈને બેઠાં હતાં.
‘તરસ લાગી છે?’
હરિએ હા પાડી. કોઈ આવીને એક છોડ ધરતું હતું, ત્યાં કોઈએ વાદળ વરસાવ્યું, હરિએ અમૃત જેવું મીઠું પાણી પીધું. ખાલી હસ્યો.
‘ક્યાંથી આવો છો.’
હરિને કંઈ જવાબ ન જડ્યો. ટોળું એને લાલ પથ્થરના બાંધેલા પુરાણા મકાનમાં લઈ ગયું. ઘર જેવું રીતસરનું ઘર હતું, પાણિયારું, ચૂલો, બારી, બારણાં, વળગણી, પાવડો, કોદાળી, ઝાડુ અને ધોકો બધું. ખાટલો, કપડાં, દિશાએ જવાની જગ્યા… બધું.
ટોળામાં ગુસપુસ થઈ. એક જણે આવીને કહ્યું, ‘અહીં રહેજો, અમે તમને જોઈશું.’
હરિએ એકલાં ઘર માંડ્યું.
*
દિવસ કે રાત આ મુલકમાં પડતાં નહીં, પર ગામના લોકોએ હરિને રાત્રિભવન બતાવેલું. એમાં ઘેઘૂર ઘટાઓના વિશાળ મંડપ હતા, અને ઘેન ચડાવનારાં પુષ્પો. હરિયાને રાત જોવાનું મન થતું ત્યારે ત્યાં જતો, કરામતપૂર્વક ગોઠવેલી વૃક્ષોની ઘટાઓમાંથી ઊગતો ચંદ્ર, તારા વગેરે જોતો. તમરાંના અવાજ આવતા, ફૂલોનું ઘેન ચડતું. ક્યારેક સપનાં આવતાં.
જમવાનું આ મુલકમાં થતું નહીં. પણ ગામલોકોએ હરિને અનાજ રોપી આપેલું, હરિયો લહેરથી લાડુ ખાતો, બાંધેલી ગાયનું દૂધ પીતો, અને આળસ આવે ત્યારે જાંબુડી વેલને ભેટી પડતો.
મૈત્રી કે યારી આ મુલકમાં થતી નહીં, આજે જોયેલું માણસ કાલે દેખાતું નહીં, જનાવરો, પશુઓ અને મનુષ્યો કશાય ભય વિના હળીમળીને જીવતાં અને એકધારી ઋતુ, એકધારી નિરાંત, એકધારી જિંદગીના એ મુલકમાં હરિયાને ફાવવા માંડેલું, વાંચવા લખવાનું કોઈ કારણ નહોતું. ટંટો-ફસાદ ક્યાંય થતો નહીં, પાઠ-પૂજા કોઈ કરતું નહીં, શાંતિ, પરમ શાંતિ.
કોઈવાર ટાઢનું મન થાય ત્યારે હિમ-ભવનમાં, તાપનું મન થાય ત્યારે ગ્રીષ્મ-ભવનમાં, વરસાદનું મન થાય ત્યારે વર્ષા-ભવનમાં. એમ એક દિવસ હરિયો ગ્રીષ્મભવનમાં વડના છાંયે બેઠો સાતકાંકરી રમતો હતો ત્યાં હતાશાને સૂર્યસ્નાન કરતી જોઈ. હરિએ પાસે જઈને કહ્યું, ‘કેમ છે, હતાશા?’
હતાશાએ એક ફૂલ પકડ્યું. ‘મજામાં છું. હમણાં જ આવી તમારા યુગની સફરેથી.’ હતાશાનો સાદ સાંભળી હરિની સંતાયેલી લાગણીઓ સળવળી ઊઠી. પહેલે જ દિવસે હતાશાના સ્પર્શથી વાગેલાં વાદ્યો રણઝણી ઊઠ્યાં.
‘તમે નસીબદાર છો?’ હતાશાએ કહ્યું.
‘કઈ રીતે, હતાશા?’
‘હું એકાએક ઊભી થઈને ચાલી જાઉં તો તમને શું થાય, હરિ?’
‘પારાવાર વેદના. હતાશા. નિરાશા. ઉદ્વેગ.’ હરિ બોલ્યો. બોલ્યા પછી એ શબ્દો બોલ્યાનો પણ આનંદ થયો. આ મુલકમાં એ શબ્દો કેવળ માણસોનાં નામ હતાં. કોઈ લાગણી બતાવવા બોલતું નહીં હરિને એકાએક આ યુગ વિષે ઉજાસ થવા લાગ્યો.
‘તમને પારાવાર વેદના, હતાશા, નિરાશા થાય? આપોઆપ?’ હતાશાએ પૂછયું.
‘તું જાય તો થાય જ ને.’ હરિએ કહ્યું.
‘પણ તોય આપોઆપ? કોઈપણ છોડને અડક્યા વિના? તમારા મનમાં એ લાગણી ‘ઊગે’?’
હરિ ચૂપ રહ્યો.
‘તમારો યુગ અદ્ભુત છે. હજી તમને ‘લાગણી’ થાય છે!’
‘તમને નથી થતી?’
હતાશા સ્થિર નયને જોઈ રહ્યાં.
‘ના. આપોઆપ નથી થતી.’
હરિયો વિચારમાં ગરકાવ થઈ ગયો. વિચારમાંને વિચારમાં સાત કાંકરીની ચાલ ચાલ્યો.
‘એ શું છે?’
‘સાત કાંકરી, રમવું છે?’
હતાશા ફરી જોઈ રહી.
‘રમવું છે? એટલે શું?’ હતાશાએ પૂછયું.
હરિયો ફરી વિચારમાં ગરકાવ થઈ ગયો, ‘રમવું’ છે એટલે શું એનો જવાબ શો આપવો?
‘તમે લોકો બેઠાં બેઠાં કંટાળો ત્યારે શું કરો? કંઈ રમવાનું, કંઈ હળવા-મળવાનું, કંઈ ગાવા-બજાવવાનું, કાંઈ વાંચવા-લખવાનું એવું કંઈ નહીં?’
હતાશા ચૂપચાપ જોઈ રહી. બદામી આંખોવાળી હતાશાની આંખોમાં આંખ પરોવીને હરિયો જોઈ રહ્યો. એનો હાથ પકડીને મદન-મંડપમાં જવાનું મન ન થયું. હરિયાએ વાત કરવી હતી. હતાશા બોલતી હતી. પણ હરિયાને વાત કર્યાં જેવું લાગતું નહોતું.
‘કોઈ પ્રત્યાયન ભવન છે ખરું, અહીંયા?’ હરિયાએ પૂછયું.
હતાશાએ એમ જ જોયા કર્યું. પછી ના પાડી. હરિયાએ ઘણી રીતે પૂછી જોયું, ‘વ્યાસભવન, કૃષ્ણાર્જુન ભવન?’
એવું કંઈ નહોતું. વાત કરવા માટે કોઈ ભવન નહોતું. અને હરિયાએ એકદમ તાલાવેલી થયેલી વાતો કરવાની, સુખદુખની, સાતકાંકરીની, શાન્તિમામાની પેચોટી ખસી ગયેલી ત્યારે ગોમતી ફોઈએ કેવો ધજાગરો કરેલો તેની, ચાર-પાંચ ભાઈબંધ – દોસ્તાર સાથે બેસીને એક દિવસ રાતન એણે ‘પ્રાયમસ-બાપા’ ઉપર આંગળી અડકાડીને એબીસીડી લખીને ગોપાલજી ગરાસીઆનું ભૂત બોલાવેલું એની, અને પ્રાયમસ-બાપા એ હરિયાને ગવર્ન્મેન્ટની નોકરી મળશે એ કેવું કહી દીધેલું એની અને એવી બધી. અને સાચોસાચ તો હરિયાને તાલાવેલી લાગેલી આ યુગવિમાનની સફરની વાત કરવાની, અને અહીંયા આ બધું આવું કેવું છે એની ચર્ચા કરવાની.
એટલે આખરે હરિયાએ છેલ્લો ઉપાય અજમાવ્યો. એણે તો વાળી પલોંઠીને, જમણા હાથનો અંગૂઠો દબાવ્યો નાક ઉપર, સુવાશ કરી લીધો અધ્ધર, ને લીધું દુવારકાના નાથનું નામ.
*
‘કાં ગગા?’ ભગવાને પૂછયું.
‘ઓલ્રાઈટ છે બધું, તમારે કેમ છે?’
‘ઠીક છે, બોલ જલદી બોલ.’ ભગવાને કહ્યું.
‘સૌથી પહેલાં તો કહો કે યુગ કયો છે?’
‘તને શું લાગે છે?’
‘મને તો લાગે છે કે તમારી દુનિયાનું ચકરડું જરાક ઊંધું ફરી ગયું છે.’
‘એટલે.’
‘અમારા જમાનામાં ઝાડવાંને વનસ્પતિ, ચૂપચાપ ઊગે જાય ને માણસો હસે-બોલે, ખાય-પીએ, દુ:ખી થાય ને સુખી થાય. ને આ જમાનામાં તાલ ઊંધો છે. માણસો બધાં જાણે ઊગે છે ને તાજાંમાજાં રહે છે. વનસ્પતિને સુખદુ:ખ થાય છે ને વનસ્પતિનાં સુખદુ:ખ ને લાગણી બધી માણસો વાપરે છે. લાગણિયુંય બધી ઉગાડે છે આ જમાનાનો માણસ, બોલો,’ હરિયાએ એકી શ્ર્વાસે કહી દીધું.
‘બસ, તો તું કહે ઈ સાચું.’ ભગવાને હરિયાને દાઢીએ હાથ મૂકીને કહ્યું. ‘મારે મન તો બધી જ લીલા છે. તને ચકરડું ઊંધું લાગે કે ચત્તું લાગે. તને લાગે કે તારા જમાનામાં ઝાડનાં લાકડાં વપરાતાં એમ આ જમાનામાં ઝાડની લાગણી વપરાય છે. મારે મન તો બધું સરખું, ગગા.’
‘મીન્સ કે આ બધી તમારી લીલા, એમ ને?’
‘કર્રેકટ’ ભગવાને કહ્યું.
‘તે આ જમાનામાં માણસને આપોઆપ કંઈ થતું નથી? આમ બેઠાં બેઠાં ગપાટા મારવાનું કોઈને મન થતું નથી!’
‘દીકરા, વાત કરવામાં તો એવું છે ને, કે જ્યારે તું ખરેખર વાત કરવાની વાત કરે છે, ત્યારે વાત તો તું જાત સાથે જ કરે છે. તારા માંહ્યાલા સાથે કરે છે.’
‘ને અટાણે હું આ તમારી સાથે વાત કરું છું ઈ?’ હરિયાએ પૂછયું.
‘ગાંડા, તને કેટલીવાર સમજાવું, તું મારી સાથે વાત કરે છે તે તારામાં વસેલા ‘હું’ની સાથે વાત કરે છે. એટલે મન કે મોહન સે કમ્યુનિકેશન! બધાયનું એવું. કોક વાત કર્યા વિના જ વાત કરે, સમજી ગયો ને, એકાદું ચીતર ચીતરે, કે એકાદી મૂર્તિ બનાવે. આ જમાનામાં કોઈને એવી જરૂર ઊભી થઈ નથી. ચાલ્યા કરે. બોલ બીજું કંઈ?’
‘બેઠા છો હવે, ઘડીક. જરાક સમજાવીને જાવને.’
હરિયાએ તાણ કરી.
‘તું જ જરાક ભેજું દોડાવ તો તને બધી સમજણ પડી જશે. ને ન પડે તોય કંઈ નહીં, સમજણ ન પડે તો વળી ઓર મજા આવશે. ઓક્કે, ચાલો ત્યારે.’ અને ભગવાન બાય-બાય કરીને અલોપ થઈ ગયા.
હરિયાએ આંખ ખોલી. હતાશા એની બદામી આંખે જોતી હતી. હતાશા આગળ વધી. હતાશાએ એક આંગળી હરિયાના હોઠે લગાડી. હતાશાએ રતુંબડા હોઠથી નામ લીધું, ‘હરિ!’ હરિયાએ કંઈ જવાબ ન આપ્યો.
પણ હરિયાને થયું કે હવે વાત થઈ.
*
ગામલોક બધું ભેગું થયેલું. હરિયો યુગવિમાનમાં બેસી ગયેલો. લોકોએ નક્કી કરેલું કે હરિયાનું ઘર અનેક જાતની લાગણીઓથી ભરેલું છે. એ ઘરમાં હરિયાએ ‘વાત’ કરેલી. ભગવાન સાથે, કે જાત સાથે, કે હતાશા સાથે. પણ કંઈક નવું બનેલું એ ઘરમાં. હરિયાનું ઘર પણ એક ‘મંડપ’ તરીકે જાહેર થયેલું. ‘હરિમંડપ’ એમાં આવીને લોકો ‘વાત’ કરશે. ખાલી ખાલી વાતો.
એટલે હરિયો પાછો મૂંઝાણો’તો. પોતાના મનની બધી વાતું, પોતાના ખોળિયાની બધી લાગણીયું આમ ગામલોકમાં વહેંચાઈ જાય એય ઉપાધિ એટલે એણે યુગવિમાનમાં બેસીને પાછા પોતાના યુગમાં ને પોતાના મુલકમાં જવાનું નક્કી કરી દીધેલું.
એને છેલ્લી વાર અડકી લેવા ગામલોક ભેગું થયેલું. જતાં હરિયાને કંઈ કહેવાનું મન થયું. હરિયાને થયું, યુગવિમાનમાં હતાશાને બેસાડી લઉં ભેગી.’
હરિયો બોલવા જતો’તો ને જીભ થોથવાઈ ગઈ. ઊડું ઊંડું થતાં એના હાથ ચાંપ દબાવતાં જરાક ખચકાઈ ગયા. થયું, ભગવાનની સલા’ લઈ જોઉં. પણ ભગવાન જાણે કેમ ખાસ આ જ વખતે, આવી ઈમરજન્સીની સલાહ આપવાને ટાણે જ, ભગવાને આવવામાં વાર લગાડી. હરિયો બેઠો બેઠો વાટ જુવે છે.
લોસ એન્જલસ, ૧૯૮૪.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -